<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

૯૬ વર્ષના નંદલાલ ઠાકર કહે છે જે રીતે મેઘાણીએ કર્યું એ રીતે જીતભાઇ જોબનપુત્રાએ ઝૂંપડીએ ઝૂંપડીએ ફરીને આ મહાન કાર્ય કર્યું છે

ગિરનારની ભૂગોળ તેમજ પરંપરાઓ, ગિરનારના સિદ્ધ સંતો, ભક્‍તો, સૂફીઓ અને પરિવ્રાજકો પર ડો. જીત જોબનપુત્રાનાં ૪ અલભ્‍ય પુસ્‍તકો

થોડા સમય પહેલાં જૂનાગઢના ડો. શ્રી જીત જોબનપુત્રાનાં ગિરનાર પરનાં ચાર પુસ્‍તકો (૧) ગિરનાર મહોદય (૨) ગિરનારના મર્મીઓ (૩) અહાલેક ગિરનારી અને (૪) બં ગિરનારી પ્રસિદ્ધ થયાં. ગિરનાર પ્રેમીઓને તો ખજાનો મળી ગયો. આ અગાઉ જીત જોબનપુત્રાનું પુસ્‍તક ગિરનારનાં ગૂઢ રહસ્‍યો પ્રગટ થયેલું. વાચકો દ્વારા તેને અપ્રતિમ આવકાર મળેલો. પ્રવીણ પ્રકાશનનાં પુસ્‍તકોમાં તો તે બેસ્‍ટ સેલર નીવડેલું.

લેખક પોતે ગિરનારનાં જંગલોમાં વર્ષો સુધી ફરેલા છે અને અનેક સાધુ સંતો, ભક્‍તો, સૂફીઓ, મર્મીઓ, ગંજેરીઓ, ચરસીઓ, રખડુઓ અને કઠિયારાઓના પરિચયમાં આવ્‍યા છે. ગિરનારના અગોચર ખૂણે એકલપંડે રઝળપાટ કરી છે. આથી તેમને ગિરનારના રહસ્‍યમય અનુભવો થયા છે. તેમની વાતોમાં સચ્‍ચાઈનો રણકો છે.  લેખકની વિશેષતા એ છે કે તેમણે જેવું જોયું અને જાણ્‍યું તેવું યથાતથ લખ્‍યું છે. તેમણે ક્‍યાંય પોતાની રીતે કલ્‍પનાના રંગો નથી પૂર્યા. તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્‍તકોમાં તેમણે એવી વિગતો પ્રસ્‍તુત કરેલી છે કે જેની હજુ સુધી કોઈને માહિતી નથી. તેમનાં પુસ્‍તકોમાં નવીનતા છે, મૌલિકતા છે. દેહાણ સંતો ઉપર અને સંત કવિઓ પર તો ઝાઝું ખેડાણ થયું છે પણ ગિરનારના રૂખડિયા સંતો પર હજુ સુધી કોઈએ લખ્‍યું નથી ! એની વિગતો સહુ પ્રથમ જીત જોબનપુત્રાએ ઉજાગર કરી છે. તેમનાં પુસ્‍તકોનો મારી દ્રષ્‍ટિએ સારાંશ આ પ્રમાણે છે

૧. ગિરનાર મહોદય

ગિરનાર મહોદયમાં ગિરનારની પહાડીઓ, ગુફાઓ, ઝરણાંઓ અને શિલાઓનો નામજોગ ભૌગોલિક પરિચય આપ્‍યો છે.  ગિરનારનાં જંગલોમાં આવેલાં નાનાંમોટાં દેવસ્‍થાનો અને ગિરનારી સાધુઓની લાક્ષણિકતાઓ સાથે ગિરનારમાં વિકસિત પરંપરાઓનું નિદર્શન કર્યું છે. આમાં કાઠિયા ખાખચોક, ગોદડ અખાડા, સરભંગ ધૂણો, સવરા મંડપ, જૈનોની યતિ પરંપરા, બીલખા પાવૈયાનો મઠ, મચ્‍છુમા, કોયલા વીર, ખીમડિયાદાદા, દાડમાદાદા તથા રખાદાદા તેમજ માઈસાબમા મિસરા અને બાવાગોર વિશેષ ઉલ્‍લેખનીય છે. ગિરનારમાં નિકટના મિત્રોને થયેલા પારલૌકિક અનુભવોની પણ વાતો કરી છે.

૨. ગિરનારના મર્મીઓ (ભક્‍તો, સૂફીઓ અને પરિવ્રાજકો)

 આ પુસ્‍તકમાં ગિરનારમાં ભજન કરી ગયેલા ૮૪ ભક્‍તો, ૨૪ સૂફીઓ અને ૩૧ પરિવ્રાજકોનો પરિચય આપ્‍યો છે. લેખક વર્ણનમાં પ્રામાણિક રહ્યા છે. જેવું જોયું-જાણ્‍યું તેવું લખ્‍યું છે. ભક્‍તોમાં છગનબાપા, જાલમસંગ જાડેજા, ધનશંકર પંડિત, નાથા ભગત, બાબુભાઈ ઠક્કર, બાબુભાઈ રાજાભાઈ, મુગટલાલ શુકલ, રસિકલાલ ભટ્ટ અને વીરમ ભગતનાં નોંધનીય ચરિત્રો છે. સૂફીઓમાં અલ્‍લાવાળાબાપુ, જામિયલશા દાતાર, પટેલબાપુ, પીર ભાકરશા, બસીરબાપુ, વાલી-એ-સોરઠ અને રોશનમા વિશેષ ઉલ્‍લેખનીય છે. પરિવ્રાજકોમાં કિનારામ અઘોરી, કૃષ્‍ણાત્‍મજજી મહારાજ, તરસેમલાલજી, બાલકનાથજી, શાંતિવિજય સૂરિશ્વરજી અને સચ્‍ચાબાબા ગિરનારી અંગેની વિરલ માહિતી છે.

૩. અહાલેક ગિરનારી (ગિરનારના અવધૂતો ભાગ - ૧)

૪. બં ગિરનારી (ગિરનારના અવધૂતો ભાગ - ૨)

ઉપરોક્‍ત બંને પુસ્‍તકોમાં ગિરનારના સંતો અને અવધૂતોનાં ૨૭૨ ચરિત્રો આપ્‍યાં છે. આની વિશેષતા એ છે કે મોટાભાગના સંતોનાં જીવનચરિત્રો પ્રથમવાર જ ઉજાગર થયા છે. પ્રસ્‍તુત બંને ભાગોમાં અઘોરાનંદ તીર્થ, અમૃતગિરિબાપુ, ઉદાસીનબાપુ, ઓમકારગિરિબાપુ, કપાસીબાપુ, કાશ્‍મીરીબાપુ, કેશવાનંદબાપુ, કેસરનાથબાપુ, ચંદ્રમણિગિરિનાગી માતાજી, જનાર્દનદાસબાપુ, જમનાપુરીબાપુ, ડામવાળાબાપુ, તપસીબાપુ, ત્રિલોકનાથબાપુ, નેપાળીબાપુ, પહુડિયાબાપુ, બકરીબાપુ, બખડજંતરબાપુ, બનારસીદાસબાપુ, પીર ભાગીનાથજી, માધવાનંદજી, મુક્‍તાનંદ પરમહંસ, મૌનીબાપુ-શીલ, રાધિકાદાસબાપુ, રામફળદાસબાપુ, લક્ષ્મણગિરિજી, શંકરનાથબાપુ, શાંતાનંદ બ્રહ્મચારી,  સરસ્‍વતીદાસબાપુ, સુદામાદાસબાપુ, હનુમાનદાસબાપુ અને હરભોલેબાપુ જેવા સિદ્ધ સંતોની અજાણી વાતોનું પહેલીવાર જ રહસ્‍યોદ્ધાટન થયું છે.

પ્રસ્‍તુત પુસ્‍તકો અંગેની પ્રસ્‍તાવનામાં વિદ્વાન લેખક, ઇતિહાસકાર અને પુરાતત્ત્વવિદ શ્રી નરોત્તમ પલાણ દાદા નોંધે છે

આ પ્રકાશનની જે મજા છે તે ભિન્ન ભિન્ન ગૂઢ અને વૈદકીય અનુભવો, જે તે જગ્‍યા કે સાધુઓના લોકાચારો જેમ કે, પાવૈયા વિધિ કે દાતારની સંદલની વિધિ. દાતારના ભંડારામાં નવનાથના પ્રતીક સમા નવ ચીપિયા છે. ગિરનાર સંબંધી આ પહેલું પ્રકાશન છે, જેમાં ગિરનાર તળેટીનો નિરંજની નીલકંઠ અખાડો, એનો કાળનિર્ણય અને મૂળ, સરભંગ ધૂણો, સેવાદાસબાપુની જગ્‍યા જેમાં જૂનાગઢના નવાબે સાધુઓને રહેવા માટે બોગદાં બનાવી દીધાં છે. જોગણિયા ડુંગરની સંત પરંપરા અને ગોપાલનાથથી  શરૂ થયેલી સવરામંડપની પરંપરા, જગમાલ ચોકના જૈન ગોરજી, વેલાવડના રૂખડબાવા, તેમજ ભરડાવાવના પાયલમાસી, અર્વાચીન કાળના સિધી સંત લીલાશાહના હનુમાન, તથા કુતિયાણાના ભૈરવગર જેવી અનેકવિધ માહિતીનો આ ભંડાર છે. એક ટેકરી પર એકલા રહેતા સાધુ વહેલે પરોઢિયે મોટા અવાજે  કીડીક કીડીક બં એમ બોલ્‍યા કરતા. કહેતાઃ ક્‍યા જાતપાત ? ભગવાનને મનફાવે તેવા મંત્રથી પોકારોઃ ‘‘કીડીક કીડીક બં'' આ છે ગિરનારનો મૌલિક સાધુ ! કહો કે આખો ગિરનાર મૌલિક છે. એમ લાગે છે કે જીતભાઈ દ્વારા અહીં જે ગિરનાર ખૂલે છે તે તો નિઃશંક અદ્વિતીય છે. જીતભાઈ ગિરનારને જીવ્‍યા છે અને અહીં ગિરનારને ખોંખારો ખાઈને ઊભો થતો આલેખી શક્‍યા છે.

 જાણીતા લેખક, વિવેચક અને સંત સાહિત્‍યના મર્મજ્ઞ પ્રા. શ્રી મનોજ રાવળ લખે છેઃ

આ પુસ્‍તકોમાંથી પસાર થઈ  રહયો છું. ગુજરાતમાં  આ પ્રકારનું  ક્ષેત્ર, કાર્ય  ઐતિહાસિક છે. સિક્રેટ લોર, હેજિયોગ્રાફી અને નોએટિક લિટરેચરનો ખજાનો.  તમારા લખાણોમાંથી પસાર થાઉં છું ત્‍યારે થાય છે કે મારી કેટલી બધી આદરપાત્ર વ્‍યક્‍તિઓની તમે હકીકત આપી છે, થાય છે કે એ મહત્‌ ચેતનાઓનો ગુણાનુવાદ કરીએ એવો અને એટલો સમય તમારી સાથે વીતાવવો જોઈએ. તમારા પર એ ચેતનાઓના આશીર્વાદ સતત ઉતરતા રહે તે પરમને પ્રાર્થના. વ્‍યવહાર જગતની રીતે પણ આપનો આભારી છું.

આપની આ ધર્મયાત્રામાંથી પસાર થતો રહેતો,  થાઉં છું, થતો  રહીશ. ભારતીય  સાધુઓ  વિશે  અનેક  સમર્થ ગુણીજનોએ  લખ્‍યું છે. જેમ કે, સમાજશાષાી ડો.  ધૂર્યે, વૃંદાવનવાળા ખંડાનંદ સરસ્‍વતીજી. બીજા મધ્‍યકાલીન  વિશાળ પરંપરાના લેખકો જુદા.  સૂફીઓ વિશેની વાત લખનારાની અલગ પરંપરા...ખેર, પણ તમારાં પુસ્‍તકો અગત્‍યનાં એટલે કે એમાં આપણી ભૂમિનો મિજાજ છે.  હાથવગામાં તમે શ્રેષ્ઠ તો પણ  સંકોચ સાથે નોંધુ કે એ સાધુ (ગિરનારી સાધુ)  પામવા મુશ્‍કેલ ...

સિહોરમાં રહેતા, ૯૬ વર્ષની અતિ સુદીર્ઘ વયના, મારા પૂ. પિતાશ્રી નંદલાલ છગનલાલ ઠાકર આ પુસ્‍તકો વાંચીને કહે છેઃ

યોગેશ, તું ગિરનારમાં સદેહે ફરે છે અને હું પણ ઘરે બેઠો બેઠો ગિરનારમાં ફરું છું. બધી ગુફાઓ, ભોંયરાઓ, દુર્ગમ સ્‍થાનો, અજાણ્‍યાં સ્‍થાનકો, અજાણ સંતો, મહાન હસ્‍તીઓનાં ઘરે બેઠા બેઠા દર્શન કરું છું.

ઓછામાં ઓછા પચીસ જણાને આ પુસ્‍તકો વંચાવવા જોઈએ. પુસ્‍તકો વાંચીને કીડીક-બમબાપુ અને બખડજંતરબાપુ પ્રત્‍યે વિશેષ અહોભાવ થાય છે. જીતભાઈ જોબનપુત્રાએ ઝૂંપડીએ ઝૂંપડીએ ફરીને આ મહાન કાર્ય કર્યું છે જે રીતે મેઘાણીએ કર્યું એ રીતે. આ પુસ્‍તકોમાંથી બધું મળી રહેશે, ધર્મ, ઇતિહાસ, બૃહદ ગિરનારનો ભૌગોલિક પરિચય, સંતોનાં પાવન ચરિત્રો વગેરે.

ગિરનારની લીલી પરિક્રમા કરનાર અને શિવરાત્રીના મેળામાં આવનાર  દરેકે આ પુસ્‍તકો વાંચવા જોઈએ. આ પુસ્‍તકો વાંચો એટલે ગિરનારની લીલી, સૂકી બધી પરિક્રમા ઘરે બેઠા થઈ જાય. બે ભાગ તો મેં વાંચી નાખ્‍યા. હું મનથી ગિરનારમાં ફરું છું, મારી સામે ભાવસૃષ્ટિમાં ગિરનાર તાદ્રશ્‍ય થયો છે.

શ્રી જીતભાઈ મારા પરમ મિત્ર છે, તેમની સાથે મારે પણ ગિરનારમાં પરિભ્રમણ કરવાનું થયું છે. તેમના કેટલાક અનુભવોનો હું પણ સાક્ષી છું.  મને શ્રદ્ધા છે કે ગિરનાર જતાં સંશોધકો, શ્રદ્ધાળુઓ, રહસ્‍યવાદી અને મર્મીઓને આ પુસ્‍તકો અવશ્‍ય ઉપયોગી થઈ પડશે. 

ગિરનાર મહોદયની પ્રસ્‍તાવનામાં લેખક કહે છેઃ

પ્રસ્‍તુત પુસ્‍તકમાં નિર્દેશિત કે અનિર્દેશિત ગોચર અગોચર  ગુફાઓ, ધૂણાઓ, શિલાઓ, આસનો અને અપૂજ દેવાલયોએ જઈ, જે કોઈ માથું ટેકવશે એમના પર ગિરનારી મહારાજની અવિરત પ્રસન્નતા વરસશે એવી શ્રદ્ધા સેવું છું.

આપણે આશા રાખીએ કે લેખકની શ્રદ્ધા અનુસાર ગિરનાર જતાં સહુ યાત્રિકો પર ગિરનારી મહારાજના આશીર્વાદ અવશ્‍ય  ઊતરે. (લેખક શ્રી જીત જોબનપુત્રાના મો. નં. ૯૪૨૭૫૬૯૬૪૭)

આલેખનઃ

યોગેશ ઠાકર

નિવૃત ઇન્‍કમ ટેકસ

અધિકારી અને અગમનીગમ પંથના પ્રવાસી

મો.૮૭૮૦૨ ૭૫૧૨૦

(11:14 AM IST)