તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Monday, 26th October 2026
શહેરમાં સપ્તાહમાં શરદી-ઉધરસના ૮૮૨, તાવના ૭૬૭ કેસ નોંધાયા
ડેન્ગ્યુના વધુ ૬ કેસ સાથે વર્ષનો આંક ૪૭એ પહોંચ્યોઃ એક સપ્તાહમાં વિવિધ રોગોના કુલ ૧,૭૯૩ કેસ નોંધાયા

રાજકોટ તા.૨૬: શહેરમાં બદલાતા વાતાવરણ વચ્ચે શરદી-ઉધરસ, સામાન્ય તાવ અને ઝાડા-ઉલટી સહિતના રોગોના કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ તા.૧૯થી ૨૫ ઓક્ટોબર દરમિયાન શરદી-ઉધરસના ૮૮૨, સામાન્ય તાવના ૭૬૭ અને ઝાડા-ઉલટીના ૧૩૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેન્ગ્યુના વધુ ૬ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ, એક જ સપ્તાહમાં વિવિધ રોગોના કુલ ૧,૭૯૩ કેસ નોંધાતાં આરોગ્યતંત્ર દ્વારા રોગચાળા અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં શરદી-ઉધરસના ૩૩,૬૯૮, સામાન્ય તાવના ૩૧,૭૬૯ અને ઝાડા-ઉલટીના ૧૧,૨૪૩ કેસ નોંધાઈ ચૂકયા છે. જ્યારે ટાઈફોઈડના ૪૦ અને કમળાના ૪૨ કેસ નોંધાયા છે. જોકે ગત સપ્તાહ દરમિયાન ટાઈફોઈડ, કમળો, મરડો કે કોલેરાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
બીજી તરફ મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. ગત સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના ૬ કેસ નોંધાયા હતા. આ સાથે ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના કુલ ૪૭ કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના ૧૩ અને ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે. ગત સપ્તાહમાં મેલેરિયા અને ચિકનગુનિયાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૯થી ૨૫ ઓક્ટોબર દરમિયાન શહેરના ૬૮,૪૦૩ ઘરોમાં મચ્છરના પોરા નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ૮૯૪ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.
શહેરમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા રહેણાંક મકાનો ઉપરાંત બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલ, હોટલ, ઔદ્યોગિક એકમો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા સહિતનાં ૨૩૮ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. મચ્છરોની ઉત્પત્તિ અંગે બેદરકારી બદલ ૧૫૮ રહેણાંક અને ૫૦ કોમર્શિયલ એકમો સહિત કુલ ૨૦૮ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે નાગરિકોને ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવા, પાણીનાં પાત્રો નિયમિત સાફ કરવા અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.
મચ્છરોની ઉત્પત્તિ બદલ ૨૦૮ આસામીઓને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા શહેરમાં તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એક સપ્તાહ દરમિયાન રહેણાંક સિવાયનાં ૨૩૮ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છરોની ઉત્પત્તિ અંગે બેદરકારી બદલ ૧૫૮ રહેણાંક અને ૫૦ કોમર્શિયલ એકમોને મળી કુલ ૨૦૮ નોટિસ આપવામાં આવી હતી. મચ્છરોની ઉત્પત્તિ માટે જવાબદાર આસામીઓ સામે મહાનગરપાલિકાના બાયલોઝ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
૬૮ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એક સપ્તાહમાં ૬૮,૪૦૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરી હતી.
આ ઉપરાંત ૮૯૪ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વાહન પર લગાવેલાં ફોગિંગ મશીનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે
(3:23 PM IST)










