તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
શહેરમાં અઠવાડિયામાં શરદી-ઉધરસના ૮૭૫ અને સામાન્ય તાવના ૮૦૩ કેસ નોંધાયા
ડેન્ગ્યુના નવા ૩ કેસ સાથે વર્ષનો આંક ૩૬એ પહોંચ્યોઃ મનપાએ ૧.૩૩ લાખથી વધુ ઘરોમાં પોરાનાશક અને ૩૫૨ ઘરોમાં ફોગિંગ કર્યું

રાજકોટ, તા. ૫: રાજકોટ શહેરમાં રોગચાળો નિયંત્રણમાં રાખવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા. ૨૮ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર દરમિયાન વિવિધ વિસ્તારોમાં સઘન આરોગ્યલક્ષી અને મચ્છર નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન શહેરમાં શરદી-ઉધરસના ૮૭૫, સામાન્ય તાવના ૮૦૩ તથા ઝાડા-ઊલટીના ૧૭૮ કેસ નોંધાયા છે. ઉપરાંત ડેન્ગ્યુના ત્રણ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છર દિવસ દરમિયાન કરડતા હોવાથી વધુ લોકોની અવરજવર ધરાવતા સ્થળોએ રોગ ફેલાવાનું જોખમ વધારે રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકું અને પ્રજનનની ગતિ ઝડપી હોવાથી થોડા સમયમાં તેનો ઉપદ્રવ વધી શકે છે. ઘરો તથા આસપાસના વિસ્તારોમાં સંગ્રહિત સ્વચ્છ પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોવાથી નાગરિકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા મનપાના ફિલ્ડ વર્કરો, અર્બન આશા વર્કરો અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો દ્વારા એક અઠવાડિયામાં કુલ ૧,૩૩,૫૭૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ૩૫૨ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોની વધુ ઘનતા ધરાવતા વિસ્તારોમાં વાહન આધારિત ફોગિંગ મશીનથી કામગીરી હાથ ધરાઈ હતી. સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર માર્ગો અને વધુ લોકો એકત્ર થતા વિસ્તારોને પણ ફોગિંગ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
આરોગ્ય શાખાએ રહેણાક મકાનો, દુકાનો, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો અને ધંધાકીય સ્થળોની આસપાસ મચ્છરોની ઉત્પત્તિનાં સ્થાનો અંગે તપાસ કરી હતી. રહેણાક સિવાયનાં ૩૪૯ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. તેમાં બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલ, હોટેલ, ઉદ્યોગ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલપંપ અને સરકારી કચેરીઓનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ જોવા મળતાં ૨૫૬ રહેણાક અને ૬૪ કોમર્શિયલ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જવાબદાર આસામીઓ પાસેથી મનપાના બાયલોઝ મુજબ વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.
(2:51 PM IST)










