News of Wednesday, 29th July 2026
યોગીદર્શન સોસાયટીમાં રહેતાં વૃધ્ધા સાથે વજન ઉતારવાની દવાના નામે ૮૪.૩૮ લાખની ઠગાઇઃ દિલ્હીનો ઠગ ઝડપાયો
ફેસબૂકમાં ન્યુટ્રીકા હેલ્થકેર નામની જાહેરાત જોઇ લિંક ક્લીક કરી ફોર્મ ભર્યા પછી ડોક્ટર સહિતના નામે ફોન આવ્યા અને નાણા ઉસેડયા ડો. અમન મિશ્રા, ડો. મુકુલસિંહ, શિવમ શર્મા, હર્ષવર્ધન, દિપક ચોપડા અને રિઝર્વ બેંકના કર્મચારીના નામે ઠગાઇઃ નાણા પડાવ્યા બાદ કંપનીને નાણા મળ્યા નથી, તમારે પરત જોઇતા હોય તો ફાઇલ બનાવવી પડે કહી વધુ નાણા માંગ્યાઃ રીઝર્વ બેંકના બીલ, તેલંગણા હાઇકોર્ટનો ઓર્ડર મોકલી છેતરપીંડીઃ એસીબી ભરત બસીયાની રાહબરીમાં સાયબર ક્રાઇમ પીઆઇ બી. બી. જાડેજાએ દિલ્હી રહેતાં યુપીના મહમ્મદ અલ્તમસઅલી ઉર્ફે હર્ષવર્ધનને દબોચ્યો ગઠીયાઓએ બે વર્ષ સુધી કટકે કટકે નાણા ઉસેડયાઃ વૃધ્ધાએ અંગ્રેજી ભાષામાં આવેલો હાઇકોર્ટ ઓર્ડર ભાણેજને વાંચવા મોકલતાં ફ્રોડની ખબર પડી

રાજકોટ તા. ૨૯: રાજકોટ તા. ૬: શહેરના કાલાવાડ રોડ પર આવેલી યોગીદર્શન સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષીય વૃધ્ધાએ ફેસબૂક પર ઓનલાઈન વજન ઘટાડવાની દવાની એડવર્ટાઈઝમેન્ટ જોઇ લિંક ઓપન કરતાં અને ફોર્મ ભરતાં સાયબર ગઠીયાઓએ તેમની સાથે ડોક્ટરના નામે તેમજ અલગ અલગ વ્યક્તિના નામે વાત કરી નાણા મંગાવી દવા મોકલી બાદમાં તમે મોકલેલા નાણા કંપનીને મળ્યા નથી, તમે ફરી થોડા નાણા મોકલો તો તમારી રકમ તમને મળી જશે, નહિ મોકલો તો ચેરીટીમાં રકમ જતી રહેશે તેમ કહી ડરાવી આરબીઆઇના નામે બીલ મોકલી, તેલંગણા હાઇકોર્ટનો ઓર્ડર મોકલી નાણા પરત મેળવવાની ફાઇલ તૈયાર કરવાના નામે રીઝર્વ બેંકના કર્મચારીની ઓળખ આપી કટકે કટકે રૂા. ૮૪,૩૮,૫૮૪ ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરતાં ચકચાર જાગી છે. આ કારસ્તાનમાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીના એક ગઠીયાને દબોચી લઇ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાછળ ધર્મભક્તિ યોગીદર્શન સોસાયટી-૨ ખાતે રહેતાં કુસુમબેન પ્રદીપભાઇ ટાંક (ઉ.વ.૬૨) નામના વૃધ્ધાની ફરિયાદ પરથી વ્હોટ્સએપ નંબરના ધારક ડો. અમન મિશ્રા, મોબાઇલ નંબર ધારક શિવમ શર્મા, ડો. મુકલસિંહ, હર્ષધર્વન, દિપક ચોપડા અને જેના ખાતાઓમાં નાણા જમા થયા તે અલગ અલગ બેંક ખાતેદારો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કુસુમબેન ટાંકનો દિકરો દુબઇ રહે છે અને પોતે અહિ એકલા રહે છે. તેઓ સોશિયલ મિડીયામાં ફેસબૂક, વ્હોટ્ેએપનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪માં હું ફેસબૂક જોતી હતી તેમાં એક વિડીયોમાં મેં વેઇટ લોકસ કરવા બાબતેની હર્બલ દવાની એડવર્ટાઇઝમેન્ટ જોઇ હતી. જેની નીચે એક લિંક હતી તે મેં ઓપન કરતાં એક ફોર્મ ખુલ્યું હતું. જેમાં મેં મારું નામ એડ્રેસ અને મોબાઇલ નંબરની માહિતી ભરી હતી. બીજા દિવસે સવારે મને મોબાઈલ નંબર ૭૮૨૭૯ ૬૪૯૮૮ પરથી ફોન આવ્યો હતો. જેમાં હિન્દી ભાષામાં વાત કરનારે પોતે ન્યુટ્રીકા હેલ્થકેરમાંથી ડો. અમન મિશ્રા બોલે છે તેમ કહ્યું હતું. બાદમાં તેણે મને મારી ઉંચાઇ, વજન અને શારીરિક તકલીફો અંગેની વિગતો પુછી હતી અને બાદમાં એક માસની રૂ. ૪,૦૦૦ દવાનો ઓર્ડર લેવડાવ્યો હતો. આ પછી તેણે કહેલુ ં કે બે મહિનાની દવાના નામે વધુ રૂ. ૩,૦૦૦ થશે. જેથી મેં મારી નાની બહેન મારફત ડો. અમનને રૂપિયા મોકલી દીધા હતા. આ પછી ચાર-પાંચ દિવસ બાદ મને ફરીથી ડો. અમન મિશ્રાએ ફોન કરી પુછ્યું હતું કે દવા આવી ગઇ કે કેમ? જેથી મેં તેને ના પાડી હતી.
આથી તેણે ફરી પૈસા ભરવાનું કહ્યું હતું. આ રીતે ડો. અમને મારી પાસે લગભગ બે અઢી મહિના દરમિયાન અલગ અલગ પૈસા પડાવ્યા હતાં. એ પછી કોઇ શિવમ શર્માએ પણ મને ન્યુટ્રીકા હેલ્થકેરની દવા માટે મોબાલઇલ નંબર ૯૮૭૩૦ ૩૩૭૦૮ ઉપરથી ફોન કરીવાતચીત કરી હતી. તેને પણ મેં વજન ઉતારવાની દવાના નામે પૈસા મોકલ્યા હતાં.
થોડા સમય પછી વળી કોઇ ડો. મુકુલસિંહના નામથી મો. નં. ૭૮૨૭૧ ૧૫૬૨૦ ઉપરથી ફોન આવ્યો હતો. તેણે પણ હિન્દીમાં વાત કરી ડો. અમન મિશ્રાની જેમ મારી પાસેથી માહિતી મેળવી અલગ લઅગ દવાઓના પૈસા મંગાવ્યા હતાં. ત્રણ દિવસ પછી મારા ઘરે દવા આવી ગઇ હતી. જે અઠવાડીયા સુધી લીધી હતી. બાદમાં મુકુલસિંહે ફરી ફોન કરી હવે તમને કેમ લાગે છે? કોઇ ફેર પડયો કે નહિ? તેમ પુછતાં મેં તેને કહેલુ કે કોઇ ફરક પડયો નથી. આ પછી તેણે અગાઉ કરતાં વધુ પાવરવાળી દવા મોકલાવશે તેમ કહી વારંવાર મારી પાસે પૈસા માંગવાનું ચાલુ કર્યુ હતું. હું આ રકમ મારા નાના બહેન ભાનુબેન તથા પાડોશી નામલબેન, મારા દિકરાના મિત્ર નાગરાજ મારફત મોકલી હતી. આ રીતે છએક મહિના સુધી મેં રકમ મોકલી હતી.
બાદમાં કોઇ હર્ષવર્ધન નામના શખ્સે મને મો. ૯૮૭૩૦ ૩૩૭૦૮ ઉપરથી ફોન કરી તેણે પણ ન્યુટ્રીકા હેલ્થેકરમાંથી બોલે છે તેમ કહી પુછેલુ કે તમે જે દવા લીધી તેના ટોટલ રકમ જમા કરાવી તે કંપનીમાં જમા થઇ નથી, હવે તમને આ રકમ પરત મળી જશે. જો તમે થોડા રૂપિયા જમા કરાવશો તો જ તમને રકમ મળશે. આ પછી તેણે ફરી ફોન કરી કહેલુ કે હવે તમે મોડુ કરી નાંખ્યું છે, તમારે પેનલ્ટી સાથે પાછા પૈસા ભરવા પડશે. જો નહિ ભરો તો રકમ ચેરીટીમાં જતી રહેશે. જેથી મેં પાછા તેણે જણાવ્યા મુજબ રૂપિયા તેણે જણાવેલા બેંક ખાતામાં જમા કરાવ્યા હતાં. આ પછી તેણે કહેલું કે હવે તમારી ફાઇલ તૈયાર કરવી પડશે, ફાઇલ તૈયાર કરવાના ફરીથી પૈસા મોકલવા પડશે. આ પછી અન્ય એક મોબાઇલ નંબર ૯૩૬૮૭ ૩૦૦૮૭ ઉપરથી દિપક ચોપડાના નામે કોઇએ ફોન કરી કહેલું કે-તમારી ફાઇલ બનાવવાનું કામ હું કરુ છું, તમારે ફાઇલ માટે નાણા મોકલવા પડશે તેમક કહેતાં મેં તેને પણ રકમ મોકલી હતી. કેટલી રકમ હતી તે મને યાદ નથી. આ પછી હર્ષવર્ધનનો ફરી ફોન આવ્યો હતો.
આથી મેં તેને કહ્યું હતું કે મારી પાસે હવે પૈસા નથી તમે બધા મને હેરેસમેન્ટ કરો છો. આ સાંભળી હર્ષવર્ધને કહેલું કે તમે ચિંતા ન કરો, હું રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં કામ કરુ છું, દિપક ચોપડાનું બધુ કામ હું જ સંભાળુ છું. આ પછી હર્ષવર્ધને મને તેલંગણા હાઇકોર્ટનો એક ઓર્ડર મોકલ્યો હતો અને આરબીઆઇના નિયમ કુજબના બીલની પીડીએફ પણ મોકલી હતી. આ ઉપરાંત જીએસટીના અલગ અલગ ચાર્જના નામે મારી પાસેથી વધુ ને વધુ પૈસા માંગવા માંડયો હતો. જેથી હું તેણે જણાવેલા બેંક ખાતામાં રૂપિયા જમા કરાવતી ગઇ હતી. તેલંગણા હાઇકોર્ટનો ઓર્ડર અંગ્રેજીમાં હોઇ મેં મારા ભાણેજ કરણને આમાં શું લખ્યું છે? તે પુછવા તેને વ્હોટ્સએપમાં મોકલતાં તેણે મારા દિકરાને વાત કરી હતી. બાદમાં મેં ૨૦૨૪થી અત્યાર સુધીની હકિકત મેં દિકરાને જણાવી હતી.
આ પછી મારા દિકરાએ આ ફ્રોડ હોવાનું જણાવી બેંક ટ્રાન્ઝેક્શન અને ટ્રાન્સફર આઈડીની વિગતો એકઠી કરીને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી અરજી નોંધાવી હતી. જેના આધારે મેં એફઆઇઆર નોંધાવી છે. તેમ વધુમાં કુસુમબેન ટાંકે જણાવતાં એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ બી. બી. જાડેજાએ ગુનો નોંધી મહમ્મદ અલ્તમસઅલી અસફરઅલી ઉર્ફે હર્ષવર્ધન (ઉ.વ.૨૪-રહે. હરોલ્લા, કે બ્લોક મકાન નં. ૧૮૦, સેક્ટર ૫ નોઇડા દિલ્હી, મુળ વતન ખુખુંદુ થાના સલેમપુર જી. દેવરીયા, યુપી)ને પકડી લીધો છે.
આ આરોપીના એક એકાઉન્ટમાં રૂા. ૨૫,૩૬,૮૯૨ની રકમ હોઇ તે સીઝ કરાઇ છે. તેમજ અલગ અલગ ત્રણ બેંક પાસબૂક, એટીએમ કાર્ડ, પાંચ ચેકબૂક, લેપટોપ, આઇફોન, રીયલમી ફોન, રોકડા રૂા. ૮૧૫૦૦ કબ્જે કરાયા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ એ. એમ. ઝાલા, એએસઆઇ જયદેવભાઇ બોસીયા, કોન્સ. કિશોરભાઇ રંગાણી વધુ તપાસ કરે છે.
હર્ષવર્ધના નામ ધારણ કરી મહમ્મદ અલ્તમસઅલીએ કુસુમબેન સાથે વાત કરી હતીઃ તેના ખાતામાં રહેલા રૂપિયા ૨૫.૩૬ લાખ સીઝ કરાયા
* તપાસમાં ખુલ્યા મુજબ દિલ્હી નોઇડાથી ઝડપાયેલો મુળ યુપીનો મહમ્મદ અલ્તમસઅલી ભોગ બનનાર વૃધ્ધા સાથે ફોનમાં હર્ષવર્ધન તરીકે વાત કરતો હતો. આ શખ્સે વજન ઘટાડવા માટેની દવા પેટે કુસુમબેને જે નાણા ટ્રાન્સફર કર્યા હતાં તે પોતે પાછા અપાવી દેશે અને એ માટે ફાઇલ તૈયાર કરવી પડશે તેમ કહી પૈસા મેળવી ઠગાઇ કરી હતી. પુછતાછમાં વધુ ગઠીયાઓની વિગતો બહાર આવશે. આ શખ્સના બેંક ખાતામાં રહેલી ૨૫,૩૬,૮૯૨ની રકમ સીઝ કરાઇ છે.
(3:11 PM IST)










