News of Friday, 27th November 2026
૯મા માળેથી ૮૩ વર્ષના કાંતિલાલ રામાણીએ પડતું મુકતાં મોતઃ બિમારીથી કંટાળી પગલું
કાલાવડ રોડ અર્જુન પાર્ટી પ્લોટ નજીક એક્વા બ્લુ એપાર્ટમેન્ટમાં બનાવ

રાજકોટ તા. ૨૭: આપઘાતના વધુ એક બનાવમાં એક વૃધ્ધે એપાર્ટમેન્ટના નવમા માળેથી પડતું મુકી દેતાં મૃત્યુ થયું છે. કાલાવડ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો હતો. બિમારીથી કંટાળીને તેમણે પગલુ ભર્યાની વિગતો બહાર આવી હતી.
જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ અર્જુન પાર્ટી પ્લોટ પાછળ આવેલા એક્વા બ્લુ એપાર્ટમેન્ટમાં નવમા માળે બી-૯૦૧મા રહેતાં કાંતિલાલ ગગજીભાઇ રામાણી (ઉ.વ.૮૩) નામના વૃધ્ધે સવારે નવમા માળેથી પડતું મુકતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસની ટીમે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરી લેનારા કાંતિલાલ રામાણી મુળ જામજોધપુરના વતની હતાં. તેમને સંતાનમાં એક પુત્ર આશિષભાઇ અને એક દિકરી છે. દિકરી અમદાવાદ સાસરે છે. સગાના કહેવા મુજબ કાંતિલાલને કેટલાક સમયથી ડીપ્રેશનની બિમારી હોઇ તેની દવા સારવાર ચાલુ હતાં. બિમારીથી કંટાળી જઇ તેમણે આ પગલુ ભરી લીધુ હતું. બનાવથી પરિવારમાં અને સોસાયટીમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
(3:51 PM IST)










