તા. ૧૦ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૫ શનિવાર
News of Monday, 27th July 2026
સોમનાથ સોસાયટીમાં ૮૦ વર્ષના રંજનબેન વાળાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
પુત્ર બહાર જતાં નવેળાની ગ્રીલમાં દોરી બાંધી લટકી ગયાઃ પુત્રએ બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડયા પણ જીવ ન બચ્યોઃ બિમારીથી કંટાળીને પગલું

રાજકોટ તા. ૨૭: દોઢસો ફુટ રીંગ રોડ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતાં ૮૦ વર્ષના વૃધ્ધાએ ઘરના નવેળાની જાળીમાં દોરી બાંધી ટેબલ પર ચઢી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ સોમનાથ સોસાયટી -૩માં રહેતાં રંજનબેન રસિકભાઇ વાળા (ઉ.વ.૮૦) નામના વૃધ્ધાએ ઘરમાં કોઇ નહોતું ત્યારે નવેળાની જાળીમાં દારી બાંધી ટેબલ પર ચઢી ગળાફાંસો ખાઇ લીધો હતો. થોડી જ વારમાં તેમના દિકરા બહારથી ઘરે પહોંચ્યા ત્યારે માતાને લટકતા જોઇ તુરત જ નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તબિબે ટુંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનારા રંજનબેનને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. તેમને ડાયાબીટીશ, બ્લડપ્રેશરની બિમારી હતી. છએક મહિનાથી શ્વાસની અને ચક્કરની બિમારી પણ લાગુ પડી હતી. આનાથી કંટાળી જઇ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
બેભાન હાલતમાં અવધ પાર્કના મણીબેનનું મૃત્યુ
નવા થોરાળા પાસે અવધ પાર્ક-૨માં ૮૦ ફુટ રોડ પર રહેતાં મણીબેન મગનભાઇ પરમાર (ઉ.વ.૬૩) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. તેઓ કેટલાક સમયથી બિમાર રહેતાં હતાં.
કુબલીયાપરાના ૩૮ વર્ષના જીતેશનું બેભાન હાલતમાં મોત
કુબલીયાપરા-૩માં રહેતો જીતેશભાઇ બાબુભાઇ સારોલીયા (ઉ.વ.૩૮) ઘરે બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અીહ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
ભારતીનગરના મંજુલાબેનનું પણ બેભાન હાલતમાં મોત
ગાંધીગ્રામ ભારતીનગરમાં રહેતાં મંજુલાબેન વિનોદભાઇ ડાભી (ઉ.વ.૫૩) ઘરે કેન્સરની બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ દિકરા છે.
(3:55 PM IST)










