તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
ગોંડલમાં ૮ વર્ષના માહિરને સાવકી માતા અંકિતાએ ઝેર પાઇ મારી નાખવાનો પ્રયાસ કર્યો
સારવાર બાદ ભાનમાં આવેલા બાળકે જનેતાની કરતૂત છત્તી કરીઃ અંકિતાને આમંત્રણ ન હોઇ પતિએ રાજકોટ સિમંત પ્રસંગમાં જવાની ના પાડતાં ખાર રાખી કૃત્ય આચર્યુઃ ગોંડલ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ ગોંડલમાં સાવકી માતાએ આઠ વર્ષના દિકરાને ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે. આ બનાવમાં ગોંડલ બી-ડિવીઝન પોલીસે ગોંડલમાં આઇટીઆઇ સામે સાટોડીયા સોસાયટી શેરી નં. ૩ નાગડકા રોડ ખાતે રહેતાં અને કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં મનોજભાઇ અમૃતલાલ પરમાર નામના ત્રીસ વર્ષના યુવાનની ફરિયાદ પરથી તેની જ પત્નિ અંકિતા મનોજ પરમાર વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૦૯, ૧૧૫ (૨) મુજબ હત્યાનો કોશિષનો ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી હતી. ૨૨મી ઓગસ્ટના સવારે સાડા આઠેક વાગ્યે પતિ મનોજ પરમાર પોતાની ગાડીમાં ગેસ પુરાવવા બહાર ગયા હતાં. ત્યારે તેમની હાલની પત્નિ અંકિતાએ પ્રથમ પત્નિના ૮ વર્ષના પુત્ર માહીરને કપાસમાં છાંટવાની ઝેરી દવા પીવડાવી દીધી હતી. પતિ પરત ફરે તે પહેલાં બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક ગોંડલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અઠવાડીયાની સારવાર બાદ બાળક ભાનમાં આવ્યા બાદ પોતાને મમ્મીએ કડવી દવા પાઇ દીધાનું કહ્યું હતું.
ગોંડલ પીએસઆઇ એસ. વી. ડાગરે મનોજભાઇ પરમારની ફરિયાદ પરથી તેની પત્નિ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ગત ૨૧ ઓગસ્ટના રોજ અંકિતાને રાજકોટ તેના મામાના દિકરાની પત્નિના સિમંત પ્રસંગમાં જવું હતું. પણ મામા તરફથી કોઈ આમંત્રણ ન હોવાથી પતિએ રાજકોટ જવાની સ્પષ્ટ ના પાડી હતી. આ બાબતે દંપતી વચ્ચે ઝઘડો અને માથાકૂટ થઈ હતી. તેનો ખાર રાખી અંકિતાએ સાવકા દિકરાને ઝેર પાઇ દીધુ હતું.
(11:18 AM IST)










