<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

લોધીકાના પીપળીયા પાળ ગામની પાંચ સોસાયટીના ૭ હજાર લોકો પ્રાથમિક સૂવિધાથી વંચિતઃ ૧પ૦૦થી વધૂ લોકો કલેકટર પાસે દોડી આવ્‍યા

પાણી આપો... પાણી આપો સહિતના ઉગ્ર સૂત્રોચ્‍ચારઃ કલેકટરને રૂબરૂ મૂલાકાત લેવા આમંત્રણ! પ્રશ્ન નહિ ઉકેલાય તો ધરણા પાકા રસ્‍તા, કચરા-ગંદકીનો નિકાલ, વરસાદી પાણીના નિકાલ, સ્‍ટ્રીટ લાઇટ, આંગણવાડી સહિતના પ્રશ્ને મહાગુજરાત એસસી-એસટી મહાસભાનું આવેદન

પીપળીયા પાળ ગામની પાંચ સોસાયટીના લોકોએ કલેકટર કચેરીએ દોડી આવી એડી. કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆતો કરી હતી, નીચે ટોળા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧: જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલા પીપળીયા પાળ ગામ વિસ્‍તારમાં રહેતા ૭ હજારથી વધૂ નાગરિકો આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. આ વિસ્‍તારમાં આવેલી આદર્શ રેસીડેન્‍સી, આનંદ રેસીડેન્‍સી, ખોડલ રેસીડેન્‍સી, આદર્શ વિહાર રેસીડેન્‍સી તથા અવધ રેસીડેન્‍સીના અંદાજે ૧૫૦૦ થી ર હજાર લોકોનું ટોળું કલેકટર કચેરીએ ઘસી આવ્‍યું હતું અને જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરી તાકીદે પાયાની સુવિધા પુરી પાડવા માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૫ વર્ષથી પાંચેય સોસાયટીઓમાં હજારો નાગરિકો વસવાટ કરી રહ્યા છે. વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્‍ચે પણ આજે આ વિસ્‍તારમાં પીવાનું શુદ્ધ પાણી, પાકા રસ્‍તા, કચરા અને ગંદકીના નિકાલની યોગ્‍ય વ્‍યવસ્‍થા, વરસાદી પાણીના નિકાલની સુવિધા, સ્‍ટ્રીટ લાઈટ, આંગણવાડી, આરોગ્‍ય કેન્‍દ્ર તેમજ સ્‍મશાનભૂમિ જેવી અતિ આવશ્‍યક પાયાની સુવિધાઓ ઉપલબ્‍ધ નથી.

સુવિધાઓના અભાવે ખાસ કરીને મહિલાઓ, બાળકો, વળદ્ધો અને તમામ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મહાગુજરાત એસસી-એસટી મહાસભાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નંદરાજ બૌદ્ધ અને સમિતિ પ્રમુખ કાળુભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, ભારતના બંધારણની ભાવના અનુસાર દરેક નાગરિકને સમાનતા (કલમ ૧૪) તેમજ જીવન અને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર (કલમ ૨૧) પ્રાપ્ત થયેલ છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ અને વહીવટી તંત્રની એ પ્રાથમિક ફરજ છે કે તેઓ દરેક નાગરિકને જરૂરી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે.

કલેક્‍ટરને રજૂઆત કરવામાં આવી છે કે તેઓ પોતે અથવા જવાબદાર અધિકારી સ્‍થળ નિરીક્ષણ કરી આ સમસ્‍યાનો કાયમી ઉકેલ લાવે. જો યોગ્‍ય સમયમર્યાદામાં કોઈ સકારાત્‍મક વહીવટી કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ધરણાં, આવેદન અભિયાન, જનઆંદોલન તથા અન્‍ય કાયદેસરના કાર્યક્રમોની ચીમકી આપવામાં આવી છે.

રહીશોની મુખ્‍ય ૯ માંગણીઓ

૧. પીવાનું શુદ્ધ અને નિયમિત પાણી તાત્‍કાલિક ધોરણે ઉપલબ્‍ધ કરાવવામાં આવે.

૨. પાંચેય સોસાયટીઓના તમામ આંતરિક અને મુખ્‍ય રસ્‍તાઓ પાકા (ડામર/સીસી રોડ) બનાવવામાં આવે.

૩. વિસ્‍તારની આજુબાજુ અને સોસાયટીઓમાં કચરા-ગંદકીના નિકાલની કાયમી વ્‍યવસ્‍થા ઊભી કરાય.

૪. મુખ્‍ય માર્ગો અને જાહેર સ્‍થળોએ પૂરતી સંખ્‍યામાં સ્‍ટ્રીટ લાઈટો લગાવવામાં આવે.

૫. બાળકોના શિક્ષણ માટે આ વિસ્‍તારમાં આંગણવાડી કેન્‍દ્ર તાત્‍કાલિક શરૂ કરવામાં આવે.

૬. પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અથવા હેલ્‍થ સબ-સેન્‍ટરની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવે.

૭. સ્‍મશાનભૂમિ માટે સરકારી જમીન ફાળવી જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવે.

૮. ગ્રામ વિકાસ તથા અન્‍ય સરકારી યોજનાઓ હેઠળ તમામ મૂળભૂત નાગરિક સુવિધાઓનો લાભ તાત્‍કાલિક આપવામાં આવે.

૯. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર વિસ્‍તારનું સ્‍થળ નિરીક્ષણ કરી, સમયબદ્ધ કામગીરીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે.

(3:30 PM IST)