News of Friday, 13th November 2026
રાજકોટ પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક ફેરફાર : ટ્રાફિક વ્યવસ્થાને વધુ વેગ આપવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક સાથે ૪૮ પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ : જુઓ સંપૂર્ણ સૂચિ
ટ્રાફિક શાખામાં ૨૭ નવા કર્મચારીઓની નિમણૂક સાથે ડીસીબી અને વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ તથા કર્મચારીઓની અરસપરસ ફેરબદલી : તાલીમાર્થી મહિલા લોકરક્ષકોની વરણી બાદ છૂટા કરવાની કરાઈ ખાસ વ્યવસ્થા

રાજકોટ: શહેરભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સઘન બનાવવા તેમજ ટ્રાફિક નિયમનને સુચારૂ બનાવવાની દિશામાં પોલીસ વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા તાજેતરમાં ચાર અલગ-અલગ સત્તાવાર હુકમો જારી કરીને પોલીસ દળના ૪૮ જેટલા કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે અને કેટલાક કર્મચારીઓને તેમના મૂળ મહેકમમાં પરત મોકલવામાં આવ્યા છે.
ટ્રાફિક શાખાને મજબૂત કરવા ૨૭ કર્મચારીઓની વિશેષ ફાળવણી:
શહેરમાં સતત વધતા જતા વાહનોના ભારણ અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે કુલ ૩૧ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરાયા છે, જેમાંથી ૨૭ જેટલા પોલીસ કર્મચારીઓને વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાંથી ખસેડીને સીધા ટ્રાફિક શાખામાં તૈનાત કરવામાં આવ્યા છે. ડીસીબી, ભક્તિનગર, પ્રધ્યુમનનગર, એ-ડિવિઝન, બી-ડિવિઝન, માલવિયાનગર, આજીડેમ, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ અને ૧૧૨ જનરક્ષક જેવી મહત્વની શાખાઓમાંથી એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કાબેલ કર્મચારીઓની પસંદગી કરીને ટ્રાફિક કંટ્રોલ મજબૂત કરાયો છે. આ ઉપરાંત, ડીસીબીના ત્રણ અને માલવિયાનગરના એક કર્મચારીને ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવાયા છે.
ક્રાઈમ અને એકાઉન્ટ રાઈટર હેડની અરસપરસ ફેરબદલી:
વહીવટી જરૂરિયાતો અને કામગીરીની સરળતા ખાતર પાંચ અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (યુએએસઆઈ) કક્ષાના કર્મચારીઓની જવાબદારીમાં પણ ફેરફાર કરાયો છે. આર્થિક ગુના નિવારણ સેલ (EOW) સાથે સંકળાયેલા ડીસીબીના ભુપેન્દ્રભાઈ સરપદડીયાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર હેડ તરીકે જ્યારે આજીડેમના લાખાભાઈ કળોતરાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર હેડ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. આ સાથે એરપોર્ટ, બી-ડિવિઝન અને ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનોના એકાઉન્ટ રાઈટર હેડની પણ અરસપરસ બદલીઓ કરવામાં આવી છે.
મુખ્ય મથક ખાતે બદલી અને મૂળ મહેકમમાં વાપસી:
ભક્તિનગર અને માલવિયાનગર પોલીસ સ્ટેશનના ચાર કર્મચારીઓને પોલીસ મુખ્ય મથકમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અગાઉથી અન્યત્ર ફરજ બજાવતા થોરાળા, કુવાડવા રોડ, એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના આઠ કર્મચારીઓને તેમના મૂળ મહેકમ એટલે કે ટ્રાફિક શાખા અને પોલીસ હેડક્વાર્ટર ખાતે પરત મોકલી આપવામાં આવ્યા છે.
સ્ટાફની અછત ન સર્જાય તે માટે ખાસ વહીવટી શરત:
પોલીસ કમિશનરના આદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક વિશેષ શરત પણ મૂકવામાં આવી છે. જે પોલીસ સ્ટેશનોમાંથી કર્મચારીઓની બદલી થઈ છે, તે તમામ કર્મચારીઓને હાલ પાયાની તાલીમ મેળવી રહેલા નવનિયુક્ત બિન-હથિયારી મહિલા લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થયા બાદ અને તેઓને વિધિવત નવી નિમણૂંક અપાયા પછી જ ફરજ પરથી મુક્ત કરવાના રહેશે, જેથી કોઈપણ પોલીસ સ્ટેશનમાં મેનપાવરની અછત ઊભી ન થાય.
(10:51 PM IST)










