તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
રાજકોટમાં 'વિરાસતથી વિકાસ-૨૦૨૬' લોકમેળા માટે પોલીસ તંત્ર હાઈટેક સુરક્ષા વ્યવસ્થા સાથે સજ્જ : ૧૫ લાખથી વધુ લોકો માટે ક્રાઉડ અને ટ્રાફિક મેનેજમેન્ટનો વિશેષ પ્લાન તૈયાર
ડ્રોનથી એરિયલ સર્વેલન્સ, ૧૦૦ સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા અને બીકન સોલ્ડર લાઈટથી સજ્જ ૧૭૦૦થી વધુ જવાનો બે શિફ્ટમાં બંદોબસ્તમાં તૈનાત રહેશે : પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપી વિસ્તૃત માહિતી

રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના આંગણે આયોજિત પાંચ દિવસીય 'વિરાસતથી વિકાસ-૨૦૨૬' લોકમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. લોકમેળામાં ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ આવવાની શક્યતાને ધ્યાને રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોની સલામતી, ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટે અત્યાધુનિક હાઈટેક ઉપકરણો સાથે સુદ્રઢ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતાં ડી.સી.પી. ઝોન ૨ રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ક્રાઉડ મેનેજમેન્ટ માટે ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ હાથ ધરાશે. જે વિસ્તારમાં જનમેદની વધુ જણાશે ત્યાંથી એન્ટ્રી ડાયવર્ટ કરવામાં આવશે. વોચ ટાવર પરથી દૂરબીન વડે સ્થિતિ પર નજર રાખી વોકીટોકીથી માહિતી અપડેટ કરાશે. રાત્રિના સમયે લોકો સરળતાથી ઓળખી શકે અને સંપર્ક કરી શકે તે માટે જવાનો બીકન સોલ્ડર લાઈટથી સજ્જ હશે. આ સિવાય ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને ઓળખ માટે જવાનોને બોડી વોર્ન કેમેરા અપાશે. સમગ્ર મેળામાં ૧૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરાનું નેટવર્ક કંટ્રોલ રૂમની વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન સાથે જોડવામાં આવ્યું છે. એન્ટ્રી પોઇન્ટ પર એચ.એચ.એમ.ડી. મેટલ ડિટેક્ટરથી લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવશે.
ટ્રાફિક વ્યવસ્થા અંગે માહિતી આપતાં ટ્રાફિક ડી.સી.પી. હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મેળા તરફ આવતા રસ્તાઓ પર ટ્રાફિક ફ્લો જાળવી રાખવા અને વાહનોને નિયત ફ્રી પાર્કિંગ ઝોન તરફ વાળવા ટ્રાફિક પોલીસ તથા ટી.આર.બી. જવાનો તૈનાત રહેશે. અડચણરૂપ કે ગેરકાયદે પાર્ક કરાયેલા વાહનોને દૂર કરવા કે ટોઈંગ કરવાની કામગીરી કરાશે, આથી મુલાકાતીઓને માત્ર નિયત પાર્કિંગ ઝોનમાં જ વાહનો પાર્ક કરવા અપીલ કરાઈ છે.
લોકો શાંતિ અને આનંદથી મેળાની મજા માણી શકે તે માટે રાજકોટ શહેરના ૦૪ ડી.સી.પી., ૦૪ એ.સી.પી., પી.આઈ. અને પી.એસ.આઈ. સહિત ૧૭૦૦ જેટલા પોલીસ, હોમગાર્ડ અને ટી.આર.બી. જવાનો બે શિફ્ટમાં બંદોબસ્તની કામગીરી સંભાળશે તેવી માહિતી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આપી હતી.
(4:05 PM IST)










