<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

કાલાવડ રોડ વિરડાવાજડીમાં એક દિ' રેઢા મકાનમાંથી રૂા. ૨.૯૯ લાખની ચોરી

અતુલભાઇ પરમાર પત્‍નિ, દિકરી સાથે તહેવાર અંતર્ગત કાકાના ઘરે ગયા અને હાથફેરો થઇ ગયોઃ રોકડ-દાગીના સાથે તેલનો ડબ્‍બો પણ લેતા ગયાઃ તાલુકા પોલીસમાં ફરિયાદ : મવડી બાયપાસ પર એક જ ગોડાઉનમાં સતત ત્રણ વખત ત્રાટકી તસ્‍કરો ૧.૪૪ લાખનો કોપર વાયર ચોરી ગયાઃ તાલુકા પોલીસમાં વિજય હુંબલની ફરિયાદ

રાજકોટ તા. ૧: શહેરમાં વધુ બે સ્‍થળે ચોરીની ઘટના બની છે. જેમાં વીરડા વાજડીમાં એક દિવસ માટે બંધ રહેલા મકાનને નિશાન બનાવી તસ્‍કરો ત્રણ લાખની માલમત્તા ઉસેડી ગયા છે. મુળ થાગઢના વતની અને હાલ કાલાવડ રોડ વીવીપી કોલેજ સામે વીરડા વાગડીમાં રહેતાં યુવાનના મકાનમાં આ ચોરી થઇ છે. જ્‍યારે ચોરીના બીજા બનાવમાં મવડી ચોકડી ગોડાઉનમાંથી તસ્‍કરો દોઢ લાખની કિંમતનો કોપરવાયર ચોરી ગયા હતાં.

બનાવ અંગે તાલુકા પોલીસે વિરડા વાજડીમાં નિરાલી રિસોર્ટવાળા રસ્‍તે સાસુ રામબેન અમરશીભાઇ ચાવડાના મકાનમાં ભાડેથી રહેતાં અતુલભાઇ ભરતભાઇ પરમાર (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. અતુલભાઇ સાથે પત્‍નિ અને દિકરી રહે છે. પોતે પ્રાઇવેટ નોકરી કરે છે. એક વર્ષથી તે સાસુ રામબેનના મકાનમાં રહે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે તા. ૩૦/૦૮ના રોજ સવારના દસ વાગ્‍યાના અરસામાં ઘરમાં તાળું મારીને પત્‍નિ ઉષાબેન અને ૩ વર્ષની દીકરી એન્‍જલ સાથે જન્‍માષ્ટમીનો તહેવાર આવી રહ્યો હોઇ જેથી મોરબી રોડ પર આવેલા ગણેશનગર ખાતે પોતાના કાકા દિલીપભાઈના ઘરે ગયા હતા.

ગઇકાલે ૩૧/૮ના રોજ સવારના અગિયાર વાગ્‍યાના અરસામાં પાડોશી મંજુબેન ચૌહાણે અતુલભાઈના પત્‍નિને ફોન કરીને જાણ કરી હતી કે, તમારા ઘરનો મેઈન દરવાજો ખુલ્લો છે અને તેના પર તાળું નથી. આથી અતુલભાઈ પોતાના પિતરાઈ ભાઈ દર્શન પરમાર સાથે તુરંત ઘરે દોડી આવ્‍યા હતા. ઘરે આવીને જોતાં મેઈન દરવાજાનું તાળું ગાયબ હતું અને દરવાજા પાસે એક હથોડો પડેલો મળી આવ્‍યો હતો. ઘરમાં અંદર જઈને તપાસ કરતાં બંને રૂમ ખુલ્લા હતા અને તિજોરીના દરવાજા તથા લોકર ખુલ્લાં હતાં. તસ્‍કરે કબાટમાં રહેલો તમામ સામાન અસ્‍ત-વ્‍યસ્‍ત કરી નાખ્‍યો હતો.

તપાસ કરતાં તસ્‍કરો ઘરમાંથી  સોનાના દાગીના રૂ. ૪૮,૦૦૦ની કિંમતની ૪ ગ્રામ સોનાની બુટી તથા રૂ. ૮૭,૦૦૦ ની કિંમતનો ૭.૨૫ ગ્રામનો સોનાનો ચેઈન મળી કુલ  ૧,૩૫,૦૦૦ના દાગીના તથા રૂ. ૧,૦૦,૦૦૦ની કિંમતની ૫૦૦ ગ્રામ વજન ધરાવતી ચાંદીની ૨ વાટકી અને ૨ ચમચી. તેમજ રૂા. ૬૨૦૦૦ રોકડા તથા રસોડામાંથી ૨૮૦૦ની કિંમતનો તેલનો એક ડબ્‍બો, કબાટમાંથી દસ્‍તાવેજો, સોના ચાંદીના બીલ, આધાર પુરાવા મળી કુલ રૂા. ૨,૯૯,૮૦૦ની મત્તા ચોરી ગયાનું જાણવા મળ્‍યું હતું. તસ્‍કરો ૩૦મીના સવારના દસથી ૩૧મીના સવારના અગીયાર સુધી રેઢા રહેલા ઘરમાં ત્રાટકી આ ચોરી કરીગયા હતાં. તાલુકા હેડકોન્‍સ. કિશનભાઇ અજાગીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ચોરીની બીજી બનાવ મવડી બાયપાસ રોડ પર આવેલા આશ્રય કોમ્‍પ્‍લેક્‍સ સ્‍થિત જય દ્વારકાધીશ સોલાર નામના સોલાર સિસ્‍ટમના ભાડાના ગોડાઉનમાં બન્‍યો હતો. અહિ એક પછી એક એમ ત્રણ વખત  પ્રવેશ કરી કિંમતી કોપર વાયરની ચોરી કરી હતી. આ બનાવમાં તાલકુા પોલીસે લાખાપર ગામે રહેતા અને સોલાર જોબવર્કનો વ્‍યવસાય કરતા વિજયભાઈ નિલેષભાઈ હુંબલ  (ઉ.વ.૨૦)ની ફરિયાદ નોંધી છે. તે તથા તેમના ભાગીદાર લક્ષિત વિરેન્‍દ્રભાઈ કાપડીયાએ ગોડાઉનમાં વાયરિંગને લગતો સામાન રાખેલો હતો. તસ્‍કરો અવારનવાર ગોડાઉનમાં ત્રાટકીને કુલ રૂ. ૧,૪૪,૦૦૦ની કિંમતનો પોલીકેબ કંપનીનો કિંમતી કોપર વાયર ચોરી ગયા હતા.

તસ્‍કરોએ ગોડાઉન પર એક જ પખવાડિયામાં ત્રણ અલગ-અલગ તારીખે ચોરીની ઘટનાને અંજામ આપ્‍યો હતો. પ્રથમ ચોરી તા. ૧૬/૦૮ની રાત્રિથી તા. ૧૭/૦૮ના સવાર દરમિયાન થઈ હતી. જેમાં રૂ. ૧૧,૪૦૦ની કિંમતનો ૩૮ કિલોગ્રામ કોપર વાયરના ટુકડા ભરેલા કોથળા ચોરાયા હતા. ત્‍યારબાદ તા. ૨૩/૦૮ના રાત્રિથી તા. ૨૪/૦૮ના સવાર દરમિયાન તસ્‍કરો ફરી ત્રાટકયા હતા અને રૂ. ૯૬,૮૫૦ ની કિંમતનો ૧૪૯૦ મીટર એ.સી. કેબલ ચોરી ગયા હતા. આટલેથી ન અટકતાં તસ્‍કરોએ તા. ૩૦/૦૮/૨૦૨૬ની સાંજે ગોડાઉન બંધ કર્યા બાદ તા. ૩૧/૦૮ની વહેલી સવારે જોતાં રૂ. ૩૫,૭૫૦ની કિંમતનો ૬૫૦ મીટર ડી.સી. કેબલ પણ ચોરી ગયા હતાં.  શરૂઆતના બે બનાવો વખતે ભાગીદારોએ પોલીસમાં જાણ કરી ન હતી, પરંતુ  ગઇકાલે ૩૧મીએ ત્રીજી વખત ચોરી થતાં અંતે પોલીસ ફરિયાદ કરી હતી. એએસઆઇ કે. એસ. ઝાલાએ ગુનો નોંધ્‍યો છે.

(2:21 PM IST)