<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

બેડીપરા ચોકમાં રિક્ષા અને ટુવ્‍હીલર અથડાતાં ચા પીવા નીકળેલા બે મિત્રો દશરથ અને ચંદ્રેશના મોત

મોરબી રોડ વેલનાથપરાના બજાણીયા પરિવાર અને નિમાવત પરિવારે ૧૮ અને ૨૩ વર્ષના દિકરા ગુમાવતાં ગમગીનીઃ બંને મિત્રો પરાબજારમાં કરીયાણાની દુકાનમાં સાથે કામ કરતાં હતાં

અકસ્‍માત ગ્રસ્‍ત બંને વાહન એક્‍ટીવા અને રિક્ષા તથા મૃત્‍યુ પામનાર બે મિત્રો દશરથ તથા ચંદ્રેશના નિષ્‍પ્રાણ દેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧: શહેરમાં મોડી રાતે વાહન અકસ્‍માતના એક બનાવમાં બે મિત્રોના કમકમાટી ભર્યા મોત થયા છે. મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં ૧૮ અને ૨૩ વર્ષની ઉમરના બે મિત્રો એકટીવા પર બેસી  રાતે ચા પીવા માટે નીકળ્‍યા હતાં ત્‍યારે રિક્ષાની ઠોકરે એક્‍ટીવા ચડી જતાં આ ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. તહેવાર ટાણે જ આ ઘટનાને પગલે બંને પરિવારોમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ વેલનાથપરા શેરી નં. ૧૮માં રહેતો દશરથ રાજુભાઇ બજાણીયા (ઉ.વ.૧૮) અને બાજુમાં જ રહેતો તેનો મિત્ર ચંદ્રેશ ધર્મેશભાઇ નિમાવત (ઉ.વ.૨૩) રાતે સાડા અગીયારેક વાગ્‍યે એક્‍ટીવામાં બેસીને ઘરેથી ચા પીવા જવાનું કહીને નીકળ્‍યા બાદ બેડીપરા જુની પોલીસ ચોકી નજીક કનૈયા હોટલ સામે તેના વાહનને સીએનજી રિક્ષાએ ઠોકરે ચડાવતાં બંને વાહન સહિત રોડ પર ફંગોળાઇ જતાં માથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દશરથ અને ચંદ્રેશ બંનેને દમ તોડી દીધો હતો. મૃત્‍યુ પામનાર દશરથ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તેના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.

જ્‍યારે મિત્ર દશરથ સાથે મૃત્‍યુ પામનાર ચંદ્રેશ બે ભાઇમાં મોટો હતો. તેના પિતા નિવૃત જીવન જીવે છે. બંને મિત્રો દશરથ અને ચંદ્રેશ પરાબજારમાં કરીયાણાની દુકાનમાં નોકરી કરતાં હતાં. રાતે બંને ચા પીવા જવાનું કહીને નીકળ્‍યા બાદ જીવલેણ અકસ્‍માત નડયો હતો. ત્રીજો મિત્ર દેવરાજ પણ સાથે હોવાની ચર્ચા છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. જન્‍માષ્‍ટમીના તહેવારની ખુશીના દિવસોમાં બે પરિવારોએ જુવાનજોધ કંધોતર ગુમાવી દેતાં કલ્‍પાંત સર્જાયો છે.

(2:22 PM IST)