તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
મહેસુલ કર્મચારીઓનું આંદોલન શરૂઃ કાળી-પટ્ટી ધારણ કરી પડતર પ્રશ્નો અંગે સરકારને ૧૦ દિ' ની મુદતઃ નહિ તો બેમૂદતી હડતાલ
રાજકોટ કલેકટરને આજે આવેદનપત્ર પાઠવશે

રાજકોટઃ તા.૩૧, રાજયના મહેસૂલી કર્મચારીઓ જેવા કે તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો અંગે સરકાર દ્વારા સતત અવહેલના કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ગુજરાત રાજય મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા ઉગ્ર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આજથી આંદોલન શરૂ થયું છે. કર્મચારીઓએ ‘ફીડ બેક સેન્ટર' સામે મોરચો માંડ્યો છે. અને ફિલ્ડની વાસ્તવિકતા ધ્યાને લીધા વગર મહેસૂલી તલાટીઓ માટે બનાવાયેલા નવા જોબ ચાર્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે.
આ વિરોધના ભાગરૂપે આજે રાજકોટ સહિત સમગ્ર રાજયભરના મહેસૂલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. કર્મચારીઓ દ્વારા દરેક જિલ્લા કલેક્ટરને પડતર માંગણીઓ ઉકેલવા માટે આવેદનપત્ર પાઠવીને સરકારને ૧૦ દિવસની મહેતલ આપવામાં આવી છે.
જો માંગણીઓનો યોગ્ય ઉકેલ કે નિરાકરણ નહીં આવે તો કર્મચારીઓ ‘પેનડાઉન'કામનો બહિષ્કાર કરીને કામગીરીથી અળગા રહેશે. જો સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો સમગ્ર રાજયભરમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે.
રાજકોટ કર્મચારી મંડળના હોદેદારોઅ જણાવ્યું હતું કે, ૧૨મી મે ૨૦૨૬થી ૧૮મી ઓગસ્ટ ૨૦૨૬ સુધીના સમયગાળામાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિને ૫ વખત પત્રો લખીને રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મહેસૂલ રાજય મંત્રી સંજયસિંહ મહિડા સમક્ષ પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. આજે બપોરબાદ કર્મચારીઓ-હોદેદારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવનાર છે
(4:22 PM IST)










