તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 31st August 2026
હિરાસરને જોડતા નવા સીકલેન સામેના વિરોધમાં હવે પીપળીયા ગામ પણ જોડાયું : જોઇન્ટ સાઇટ ઇન્સ્પેકશન-સૂનાવણીની માંગણી
ખેતીની આવકમાં મોટા ઘટાડાનો ભયઃ એલાઇનમેન્ટ અંગે પૂનઃ વિચારણા કરોઃએડીઃ કલેકટરને આવેદન..

રાજકોટ,તા.૩૧: હીરાસરને જોડતા નવા સીકસલેન નેશનલ હાઇવે ૨૭ના વિરોધમાં આજે વધુ એક ગતમ જોડાયું છે.
ગોંડલ તાલુકાના પીપળીયા ગામના ખેડૂતોએ પ્રસ્તાવિત નેશનલ હાઇવે-૨૭ના નવા એલાઈનમેન્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે.આજ રોજ ખેડૂતો દ્વારા એડિશનલ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ કીમતી ખેતીલાયક જમીનને બચાવવા માટે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવે તેવી તેમની માંગ છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન નં. ૪૩૪૫ (તા. ૧૪/૦૮/૨૦૨૬) મુજબ પ્રસ્તાવિત માર્ગ (પીપળીયા થી રામપરા બેટી) પસાર થવાથી ખેડૂતોની કીમતી જમીનોના ભાગ પડી જશે.હાઇવેને કારણે સિંચાઈના પશ્નો ઉભા થશે, ખેતર સુધી પહોંચવાના રસ્તાઓ ખોરવાશે અને બાકી રહેતી જમીનનો ઉપયોગ મુશ્કેલ બનશે, જેનાથી ખેતીની આવકમાં મોટો ઘટાડો થવાની શકયતા છે.
જમીનોમાંથી પસાર થતું હાલન પ્રસ્તાવિત એલાઈનમેન્ટ પુનઃવિચારણામાં લેવામાં આવે. હાલના NH-27 તથા અન્ય ઉપલબ્ધ સરકારી માર્ગ/જમીનને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક એલાઈનમેન્ટનો ટેકનિકલ અભ્યાસ કરાય. અસરગ્રસ્ત ખેડૂતોની હાજરીમાં જોઈન્ટ સાઈટ ઈન્સ્પેક્શન ગોઠવવામાં આવે. તમામ અસરગ્રસ્ત ખેડૂતોની સામૂહિક સુનાવણી યોજીને તેમની રજૂઆતો સાંભળવામાં આવે.જ્યાં સુધી વૈકલ્પિક એલાઈનમેન્ટ અંગે આખરી નિર્ણય ન લેવાય ત્યાં સુધી હાલની જમીન સંપાદનની કાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિત રાખવામાં આવે. તેવી માંગણી આવેદનમાં કરાઇ છે.
(2:53 PM IST)










