તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 31st August 2026
તાલાલામાં ૧૦ વર્ષનો મુજાહિદ ગંભીર રીતે દાઝ્યોઃ ધમાલ નૃત્યની પ્રેકટીસ વખતે દાઝ્યો કે સળગાવ્યો?
બાળકને તાલાલા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાયોઃ પકડમપટ્ટી રમતી વખતે માથાકુટ થતાં સળગાવી દીધાનો રાજકોટ પોલીસ સમક્ષ આક્ષેપઃ તાલાલા પોલીસે તપાસ કરતાં મોઢામાં પેટ્રોલ ભરી ધમાલ નૃત્યની પ્રેકટીસ કરતી વખતે દાઝ્યાની વિતગો ખુલીઃ છતાં તપાસ યથાવત

રાજકોટ તા. ૩૧: ગીર સોમનાથ તાબેના તાલાલામાં નરસિંહ ટેકરી વિસ્તારમાં રહેતો દસ વર્ષનો સીદી બાદશાહ બાળક શનિવારે સાંજે ઘર નજીક રમવા ગયો ત્યારે ગંભીર રીતે દાઝી જતાં તાલાલા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં આ બાળકને તે પકડમપટ્ટી રમવા ગયો ત્યારે બીજા ત્રણ છોકરા સાથે માથાકુટ થતાં છોકરાઓએ પેટ્રોલ છાંટી સળગાવી દીધો છે. આથી રાજકોટ પોલીસે તાલાલા પોલીસને આ મુજબની નોંધ કરાવી હતી. જો કે તાલાલા પોલીસનો સંપર્ક કરતાં એવુ જણાવાયું હતું કે મોઢામાં પેટ્રોલ ભરી ધમાલ નૃત્યની પ્રેકટીસ કરતી વખતે આ બાળક દાઝી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ તાલાલા ગીરમાં નરસિંહ ટેકરી વિસ્તારમાં રહેતો મુજાહીદ બગસભાઇ સાયલી (ઉ.વ.૧૦) શનીવારે ૨૯મીએ સાંજે સાતેક વાગ્યે ઘર પાસે રમતો હતો ત્યારે ગંભીર રીતે દાઝી જતાં તેની ચીસો સાંભળી બાળકના માતા હીનાબેન તેમજ બીજા લોકો દોડી ગયા હતાં. મુજાહીદને પ્રથમ તાલાલા હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે હાલત વધુ ગંભીર હોઇ તેને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. મુજાહીદ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે. તેના પિતા બગસભાઇ ચાર વર્ષથી અલગ રહે છે. જો કે ઘટનાની જાણ થતાં તે રાજકોટ પહોંચ્યા હતાં. મુજાહીદના માતાનું નામ હીનાબેન છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં મુજાહીદને તે શનીવારે સાંજે ઘર પાસે રમવતો હતો ત્યારે ત્રણ બાળકોએ પેટ્રોલ છાંટી સળગાવી દીધાનું કહેવાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ મુજબની નોંધ તાલાલા પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. તાલાલા પોલીસે રાજકોટ પહોંચી તપાસ કરી હતી. દરમિયાન તાલાલા પોલીસ સ્ટેશનનો આ ઘટના બારામાં સંપર્ક કરતાં જણાવાયું હતું કે આ બનાવમાં બાળકને સળગાવી દીધાની હકિકત સામે આવી નથી. પરંતુ બાળકો મોઢામાં પેટ્રોલ ભરી ધમાલ નૃત્યની પ્રેકટીસ કરતાં હતાં ત્યારે ભડકો થતાં તે દાઝી ગયો છે. આમ છતાં વિશેષ તપાસ યથાવત રાખવામાં આવી છે. આ બનાવે તાલાલ નરસિંહ ટેકરી વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે
(1:15 PM IST)










