તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
ચાર મહિના પહેલા જ પરણેલા ૨૫ વર્ષના અર્જુન રાઠવાનું ટ્રેનની ઠોકરે ચડતાં મોત
કોઠારીયા સોલવન્ટ-કિશાન પેટ્રોલ પંપ વચ્ચેના રેલ્વે ફાટક પાસે બનાવ : રાતે નવેક વાગ્યે ઘરેથી નીકળ્યો હતોઃ વહેલી સવારે બનાવઃ મુળ એમપીનો વતની

રાજકોટ તા. ૨૯: કોઠારીયા સોલવન્ટ અને કિશાન પેટ્રોલ પંપ વચ્ચેના રેલ્વે ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં મુળ એમપીના અને હાલ કોઠારીયા સોલવન્ટમાં રહેતાં યુવાનનું મોત થયું છે. ચાર મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં.
જાણવા મળ્યા મુજબ સોલવન્ટ ફાટક નજીક આશરે ૨૫ વર્ષનો યુવાન ટ્રેનની ઠોકરે આવી જતાં મૃત્યુ પામ્યો હોઇ ટ્રેનના ગાર્ડ મૃતદેહને રીબડા રેલ્વે ફાટકે લઇ ગયા હતાં. આ અંગેની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. એમ. જાડેજા સહિતે ત્યાં પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તપાસ દરમિયાન આ મૃતક યુવાન કોઠારીયા સોલવન્ટમાં શિવ હોટેલ નજીક ગોૈશાળા પાસે રહેતો મુળ મધ્યપ્રદેશનો અર્જુન અબુભાઇ રાઠવા (ઉ.વ.૨૫) હોવાનું ખુલ્યું હતું.
તે બે ભાઇમાં નાનો હતો અને ચાર મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં. તે અહિ ત્રણેક મહિના પહેલા આવ્યો હતો અને કારખાનામાં કામ કરતો હતો. રાતે નવેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ વહેલી સવારે સાડા ચારેક વાગ્યે ટ્રેનની ઠોકરે આવી ગયો હતો. તેણે આપઘાત કર્યો કે અકસ્માતે ઠોકરે ચડયો? તેની તપાસ યથાવત રખાઇ છે. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે.
(3:04 PM IST)










