તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
ગુજરાતના રણજીટ્રોફી કેપ્ટન અને વેસ્ટ ઝોનના દુલીપ ટ્રોફીના ગૌરવશાળી ક્રિકેટર નિરંજન મહેતાનું દુઃખદ અવસાન
અશોક માંકડ, એકનાથ સોલકર, અજીત વાડેકર, બ્રિજેશ પટેલ જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે તેમની સફર રહી હતી : ગુજરાતના ક્રિકેટના ઇતિહાસમાં તેમનું યોગદાન કયારેય ભુલાશે નહીં

હાલ કેલીફોર્નીયા સ્થિગત ક્રિકેટર નિરંજન મહેતાનું હાર્ટ એટેકથી અચાનક અનંતની યાત્રાએ નીકળી ચુકયા છે. ગુજરાત રણજી ટ્રોફીનું નેતૃતવ કરનાર નિરંજન મણીલાલ મહેતાએ પોતાની લાંબી અને ગૌરવશાળી ક્રિકેટ કારકિર્દી દરમિયાન ગુજરાત તથા વેસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વેસ્ટ ઝોન તરફથી દુલીપ ટ્રોફીમાં રમવાનું ગૌરવ તમને મળેલ. તેઓ મુળ રાજકોટના હતા અને ૮૦ વર્ષના હતા.
તેમની ક્રિકેટયાત્રા ભારત પૂરતી સીમીત નથી. ઇંગ્લેન્ડની Lanshire league, Scottish League ને Sussex માં તેઓ ક્રિકેટમાં આગવી પ્રતિભા દર્શાવી હતી. મફતલાલની પ્રતિષ્ઠિત ટીમ સાથે રમતાં તેમણે તે સમયના અનેક દિગ્ગજ ભારતીય ક્રિકેટરો અશોક માંકડ, એકનાથ સોલકર, અજીત વાડેકર, બ્રિજેશ પટેલ સાથે ક્રિકેટની સફર કરી છે. ૧૯૭૧માં વેસ્ટઇન્ડિઝની પૂર માટે ભારતીય ટીમની પસંદગી દરમિયાન પણ નિરંજન મહેતાનું નામ સંભવિત ખેલાડીઓમાં લેવામાં આવ્યું હતું. તેમની પ્રતિભાને ઘડવામાં રાજકોટના જાણીતા કોચ અકબરભાઇ બાવીનો મહત્વનો ફાળો હતો.
તેમના જીવનની એક સુંદર વિશેષતા એ પણ રહી તેમના નાનાભાળ અતુલ મહેતા મુંબઇ માટે રણજી ટ્રોફી રમ્યા હતા. એક તરફ નિરંજન મહેતા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં અને બીજી તરફ અતુલ મુંબઇનું. બે ભાઇઓએ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.
નિરંજન મહેતા માત્ર એક ક્રિકેટરનું નામ નથી. પરંતુ ગુજરાતની ક્રિકેટની આખી પેઢીની યાદ છે. ગુજરાત ક્રિકેટના ઇતિહાસમાં તેમનું અમૂલ્ય યોગદાન કયારેય ભૂલાશે નહીં. તેઓ ક્રિકેટ ઉપરાંત જ્ઞાનપ્રેમી, ઇતિહાસ પ્રેમી, સ્વતંત્રતાના આઝાદીના ગાંધી વિચારો ધરાવનાર, જયોતિષ તથા વાસ્તુમાં પણ ઉંડો રસ ધરાવતા હતા.
આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમની ક્રિકેટની ગુંજ, તેમની રમત પ્રત્યેની નિષ્ઠા અને તેમની યાદો જીવંત રહેશે
પલ્લવીબેન મહેતા
રાજકોટ
મો. ૯૮૧૯પ૧ર૪પ૦
(નિરંજનભાઇ મહેતાના બહેન)
(3:01 PM IST)










