તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
અરડોઇમાં બાકી લાઇટબીલ ભરવાનું કહેતા ભીખુભાઇ વિરડીયા અને તેના પુત્રને મારકુટ
‘હું બીલના પૈસા આપવાનો નથી, તારાથી થાય તે કરી લે' : અરડોઇના બાવા વિરડીયાએ અગાઉ જમીન વાવવા રાખી હોય તેના લાઇટબીલના બે હજાર બાકી હતા

રાજકોટ, તા. ર૯: શહેરમાં સેલીબ્રેસન પાર્ટી પ્લોટની પાસે મારૂતી રેસીડેન્સીમાં રહેતા ભીખુભાઇ ગાંડુભાઇ વિરડીયા (ઉ.વ. ૬૦) એ તેની ખેતીની જમીનના બાકી લાઇટ બીલના બે હજાર માંગતા બાવા પોપટભાઇ વિરડીયા (રહે. અરડોઇ) એ તેને અને તેના દિકરા મહાદેવને ગાળો દઇ મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
ભીખુભાઇ ગઇકાલે પુત્ર મહાદેવ સાથે કારમાં તેના ઘરેથી અટકોઇ ગામે તેના મકાન સામે ગયા હતા. જયાં ઓટલા પાસે બેસેલા આરોપી બાવા વિરડીયા, પાસે એક વર્ષ પહેલા વાવવા રાખેલી જમીનનાં લાઇટ બીલના ભરવાના બાકી બે હજારનું બીલ ભરવાનું કહેતા ઉશ્કેરાઇ હુંબીલના પૈસા આપવાનાનો નથી, તારાથી થાય તે કરી લે કહી ગાળો દઇ ઝપાઝપી કરી તમાચા ઝીકી દીધા હતા. તેમજ મારકુટ કરી હતી. પુત્ર મહાદેવ વચ્ચે પડતા તેને પણ મારકુટ કરી હતી. અન્ય લોકોએ વચ્ચે પડી તેને છોડાવ્યા હતાં. આ સમયે જતા જતા આરોપીએ અહીં ઉભો રહેજ, હમણા પુરો કરી દઉ, કહી ધમકી આપી જતો રહ્યો હતો. હેડ કો. વી. એસ. ઝાલાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(2:23 PM IST)










