તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
શહેરના ખખડધજ રસ્તાઓનો હવે ‘હિસાબ' આપશે કોન્ટ્રાક્ટર! : જુઓ વિડીયો
રોડ બનાવ્યો છે તેના નામ-નંબર પણ જાહેર કરાશે નબળું કામ થાય તો રાજકોટવાસીઓ સીધા કોન્ટ્રાક્ટરને બે શબ્દો કહી શકશે : રોડના બંને છેડે એજન્સીનું પૂરૂ નામ-ફોન નંબર, કામની તારીખ અને ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ દર્શાવતી પથ્થરની તકતી ફરજિયાત : તકતી લગાવ્યા વગર બિલ નહીં થાય પાસઃ ફોટો-વીડિયો વેરિફિકેશન બાદ જ અંતિમ ચુકવણીઃ નિયમનો કડક અમલ કરવા મેયર ડો. નેહલ શુકલનો આદેશ

રાજકોટ,તા.૨૯: રાજકોટમાં ચોમાસું આવે એટલે રસ્તા તૂટે, ખાડા પડે અને ત્યારબાદ રિપેરિંગ તથા રિસર્ફેસિંગનો દોર શરૂ થાયラવર્ષોથી ચાલતી આ સ્થિતિ વચ્ચે હવે રોડ બનાવતી એજન્સીઓની જવાબદારી જાહેરમાં નક્કી કરવાની દિશામાં રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં હવે નવા બનતા કે રિસર્ફેસ થતા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની ઓળખ આપતી કાયમી પથ્થરની તકતી લગાવવી
આ તકતી માત્ર રોડનું નામ દર્શાવતી સામાન્ય તકતી નહીં હોય. તેમાં રોડનું નામ, ઝોન-વોર્ડની વિગતો, કામ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટરનું પૂરું નામ, તેનો ફોન નંબર, કામ શરૂ કરવાની તારીખ, કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા અને ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ સહિતની વિગતો જાહેર કરવાની રહેશે. એટલું જ નહીં, નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે મહાનગરપાલિકાનો ટોલ-ફ્રી નંબર પણ તકતી પર દર્શાવવાનો રહેશે.
મેયર ડો.નેહલ શુકલે આ નિયમની અમલવારી શરૂ કરવા તંત્રને સૂચના આપી હોવાનું જણાવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ જાહેર નાણાંમાંથી થતા રોડકામમાં પારદર્શિતા લાવવાનો અને કામ કરનાર એજન્સીની જવાબદારી નક્કી કરવાનો છે.
અત્યાર સુધી શહેરના કોઈ વિસ્તારમાં રોડ બન્યા બાદ સામાન્ય નાગરિકને એ જાણવું મુશ્કેલ બનતું હતું કે આ રોડ કઈ એજન્સીએ બનાવ્યો છે? કેટલા સમય માટે તેની ગેરંટી છે? રોડ તૂટી જાય તો જવાબદાર કોણ? અને ફરિયાદ કોને કરવી? હવે આ તમામ માહિતી રસ્તા પર જ જાહેર કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
‘રોડ તૂટયો તો જવાબદાર કોણ?' હવે રસ્તા પર જ મળશે જવાબ
શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવે છે. પરંતુ ઘણી વખત નવો બનેલો કે રિસર્ફેસ કરાયેલો રોડ થોડા જ સમયમાં ખરાબ થઈ જાય ત્યારે જવાબદારીનો પ્રશ્ન ઊભો થાય છે. સામાન્ય નાગરિક પાસે કોન્ટ્રાક્ટર કે એજન્સીની વિગતો ન હોવાથી ફરિયાદ આખરે મહાનગરપાલિકા સુધી જ સીમિત રહેતી હતી.
હવે સ્થિતિ બદલાશે. રોડના બંને છેડે લગાવેલી તકતી જ નાગરિકોને જણાવશે કે રોડ બનાવનાર કોણ છે અને તેની જવાબદારી કયાં સુધીની છે. એટલે ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ દરમિયાન રોડમાં ખાડા પડે, સપાટી ઊખડે કે ગુણવત્તા સામે પ્રશ્ન ઊભો થાય તો નાગરિક પાસે જવાબદાર એજન્સીની સીધી ઓળખ અને સંપર્ક નંબર ઉપલબ્ધ રહેશે. સરળ શબ્દોમાં કહીએ તોラ‘રોડ બનાવ્યો છે તો જવાબદારી પણ જાહેરમાં સ્વીકારવી પડશે.'
તકતી નહીં તો બિલ નહીં!
નવા નિયમમાં સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ રોડકામના બિલ સાથે જોડવામાં આવી રહી છે. રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અથવા એજન્સીએ નિયત વિગતો સાથે બંને છેડે પથ્થરની તકતી સ્થાપિત કર્યા બાદ જ બિલની પ્રક્રિયા આગળ વધારી શકાશે.
એટલે માત્ર કાગળ પર કામ પૂર્ણ થયાનું દર્શાવી બિલ પાસ કરાવી લેવાની પરંપરા સામે પણ વધુ કડક નિયંત્રણ ઊભું થશે. તકતી લગાવવામાં આવી છે કે નહીં અને તેમાં જરૂરી તમામ માહિતી દર્શાવવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે.
કામની સમયમર્યાદામાં કોઈ ફેરફાર થાય તો જૂની કે ખોટી માહિતી તકતી પર યથાવત રાખી શકાશે નહીં. સુધારેલી સમયમર્યાદા સહિતની સાચી માહિતી દર્શાવતી નવી તકતી લગાવવાની રહેશે.
ફોટોગ્રાફ વેબસાઇટ પર, અંતિમ બિલ પહેલાં વીડિયો વેરિફિકેશન
પારદર્શિતાને વધુ મજબૂત બનાવવા માટે તકતી લગાવ્યા બાદ તેના ફોટોગ્રાફ્સ મહાનગરપાલિકાની વેબસાઇટ પર અપલોડ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આથી કયા રોડ પર કઈ એજન્સીએ કામ કર્યું છે તેની વિગતોનો ડિજિટલ રેકોર્ડ પણ ઉપલબ્ધ રહેશે.
અંતિમ ચુકવણી પહેલાં રોડકામની ફોટોગ્રાફ અને વીડિયો મારફતે ચકાસણી કરવામાં આવશે. આ વ્યવસ્થા અસરકારક રીતે અમલમાં આવે તો સ્થળ પર કામની સ્થિતિ અને કાગળ પર દર્શાવાયેલી કામગીરી વચ્ચે તફાવત રહેવાની શકયતા ઘટાડવામાં મદદ મળી શકે છે.
ગેરંટી પૂરી થાય ત્યાં સુધી તકતી સાચવવાની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની
માત્ર તકતી લગાવીને જવાબદારી પૂરી નહીં થાય. ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ દરમિયાન તકતી યોગ્ય સ્થિતિમાં રહે તેની જાળવણીની જવાબદારી પણ સંબંધિત કોન્ટ્રાક્ટરની રહેશે.
એટલે રોડની ગેરંટીનો સમયગાળો ચાલુ હોય ત્યાં સુધી નાગરિકો માટે કોન્ટ્રાક્ટરની ઓળખ અને તેની જવાબદારીની વિગતો રસ્તા પર ઉપલબ્ધ રાખવાની રહેશે. તકતી માટે લાંબા સમય સુધી ટકી શકે તેવા પથ્થરનો ઉપયોગ કરવાની વિચારણા પાછળ પણ આ જ હેતુ છે.
જાહેર નાણાંથી રોડ બનાવો છો તો ઓળખ છુપાવી નહીં શકાય
મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રોડ, રિસર્ફેસિંગ, પેચવર્ક સહિતના કામ પાછળ મોટી રકમ ખર્ચવામાં આવે છે. આ નાણાં અંતે જનતાના જ હોય ત્યારે કામ કરનાર એજન્સી કોણ છે અને કામની જવાબદારી કયાં સુધી તેની છે તે જાણવાનો અધિકાર પણ નાગરિકોને હોવો જોઈએ.
નવા નિયમથી કોન્ટ્રાક્ટરની ઓળખ રસ્તા પર જાહેર થવાથી એજન્સીઓ પર ગુણવત્તાયુક્ત કામ કરવા માટે જાહેર જવાબદારીનું દબાણ પણ વધશે. કારણ કે અત્યાર સુધી કોન્ટ્રાક્ટરની ઓળખ ફાઇલ અને વર્ક ઓર્ડર સુધી મર્યાદિત રહેતી હતી, જ્યારે હવે એ જ ઓળખ હજારો વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓની નજર સામે રહેશે. (૩.૧૪)
હવે કોઈપણ નાગરિક સીધી ફરિયાદ કરી શકશે
રાજકોટઃ આ વ્યવસ્થાનો સૌથી મોટો લાભ સામાન્ય રાજકોટવાસીને મળી શકે છે. પોતાના વિસ્તારનો રોડ ખરાબ થાય ત્યારે હવે તેને પહેલાં એ શોધવાની જરૂર નહીં રહે કે રોડ કઈ એજન્સીએ બનાવ્યો હતો. રસ્તા પરની તકતી પરથી જ રોડનું નામ, ઝોન-વોર્ડ, કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર, કામની સમયમર્યાદા અને ડિફેક્ટ લાયબિલિટી પિરિયડની માહિતી મળી શકશે.
જો ગેરંટી સમયગાળા દરમિયાન રોડ ખરાબ થાય તો નાગરિક સંબંધિત કોન્ટ્રાક્ટરનો સીધો સંપર્ક કરી શકશે અને મહાનગરપાલિકાના ટોલ-ફ્રી નંબર પર પણ ચોક્કસ વિગતો સાથે ફરિયાદ નોંધાવી શકશે. આમ, ફરિયાદમાં ‘રોડ ખરાબ છે' એટલું જ કહેવાને બદલે કઈ એજન્સીનું કામ છે અને તે હજુ જવાબદારીના સમયગાળામાં છે કે નહીં તેની વિગતો સાથે રજૂઆત કરી શકાશે.
(3:23 PM IST)










