તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
અપ્રિય દિકરી...ખુબ જ ખરાબ ભેટ એવા લખાણ સાથે પાર્સલ લઇ આવેલા શખ્સનો કૂરીયર કર્મચારી પર હુમલો
પંચનાથ પ્લોટમાં બનાવઃ કર્મચારીએ આવા લખાણવાળુ પાર્સલ અમે ન મોકલીએ, સ્ટીકર કાઢી નાંખો કહેતાં માથામાં કડા માર્યા

રાજકોટ તા. ૨૮: કોઠારીયા રોડ હરિ ઓમ પાર્ક મેઇન રોડ પર હુડકો ચોકડી નજીક રહેતાં રાજુભાઇ લક્ષમણભાઇ નનેરા (ઉ.વ.૩૨) નામના સગર યુવાનને પોતે પંચનાથ પ્લોટમાં નંદન કૂરીયરની ઓફિસે હતો ત્યારે અજાણયા શખ્સે આવી પાર્સલ મોકલવા બાબતે ઝઘડો કરી હાથમાં પહેરવાના કડાથી માથામાં માર મારતાં રાજુભાઇ લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.
રાજુભાઇના કહેવા મુજબ પોતે બે ભાઇમાં મોટા છે અને કુરીયરમાં નોકરી કરે છે. સવારે પોતે નોકરી પર હતાં ત્યારે એક શખ્સ આવેલ અને એક પાર્સલ આપી કૂરીયર કરવાનું કહ્યું હતું. પરંતુ આ પાર્સલ પરનું જે લખાણ હતું તે વાંચીને પોતાને શંકા જતાં આ શખ્સને આ લખાણનું સ્ટીકર કાઢી નાંખો પછી જ અમે પાર્સલ મોકલી શકીએ તેમ કહેતાં એ શખ્સે ઉશ્કેરાઇ જઇ મારા મારી કરી હતી.
આ પાર્સલ ઉપર જે સ્ટીકર હતું તેમાં ‘અપ્રિય દિકરી મનિષા, ખુબ જ ખરાબ ભેટ ગમે તો રાખજે, નહિતર ભંગારમાં દઇ દેજે' એવું લખાણ હતું. જે તસ્વીરમાં જોઇ શકાય છે. હુમલાખોર કોણ હતો? પાર્સલમાં શું હશે? તે અંગે ચર્ચા જાગી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(3:23 PM IST)










