તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
વાત કરીએ આયુર્વેદને લગતી ગેરસમજણપૂર્ણ માન્યતાઓ અને સત્ય વિશે : રાજેશ કોટેચા
આપણા દેશની જ પ્રાચીન અને સમૃદ્ધ ચિકિત્સા પદ્ધતિ હોવા છતાં આજે પણ આયુર્વેદ વિશે સમાજમાં અનેક ગેરસમજો પ્રવર્તે છે, આવી જ કેટલીક મુખ્ય ગેરમાન્યતાઓ અને તેના વિશેના શાષાીય તથા વૈજ્ઞાનિક સત્યને સમજીએ... ગેરસમજ : આયુર્વેદ એ કોઈ માન્યતા પ્રાપ્ત પાઠ્યક્રમ નથી પરંતુ એક વૈકલ્પિક સારવાર છે.

સત્ય : આયુર્વેદ એ માત્ર કોઈ રોગની સારવાર નથી પરંતુ સંપૂર્ણ જીવનશાષા છે, જેમાં સારવારની સાથે સાથે રોગ નિવારણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિ રાષ્ટ્રીય આયોગ (NCISM - National Commission for Indian System of Medicine) દ્વારા નિયંત્રિત આ એક સંપૂર્ણ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા વિજ્ઞાન છે. તેના વિદ્યાર્થીઓને NEET પરીક્ષાના આધારે જ પ્રવેશ મળે છે અને સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્નાતક કક્ષાએ BAMS (Bachelor of Ayurvedic Medicine and Surgery) તથા અનુસ્નાતક કક્ષાએ MD/MS ની ડીગ્રીઓ એનાયત કરવામાં આવે છે.
ગેરસમજ : આયુર્વેદની દવાઓ જેટલી જૂની, એટલી વધારે ગુણકારી.
સત્ય : આ એક સંપૂર્ણ ગેરસમજ છે. આયુર્વેદનાં શાષાો અને ભારત સરકારના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ (ગેઝેટ નોટિફિકેશન Rule 161B) અનુસાર દરેક આયુર્વેદિક ઔષધની ચોક્કસ શેલ્ફ લાઈફ એટલે કે વાપરવાની મુદત નક્કી કરવામાં આવી છે. જેમ કે.. ચૂર્ણ : સામાન્ય રીતે ૬ મહિનાથી ૨ વર્ષ. ટેબ્લેટ/વટી અને ગુગ્ગુળ : ૨ થી ૩ વર્ષ. સ્નેહ પાક (તેલ અને ઘી) : ૨ વર્ષ સુધી.
માત્ર આસવ-અરિષ્ટ અને શુદ્ધ કરેલી રસઔષધિઓ (ધાતુ ભસ્મો) જ લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે અને સમય જતાં તેનો ગુણધર્મ વધે છે.
ગેરસમજ : આયુર્વેદિક દવાઓની કોઈ સાઈડ ઈફેક્ટ નથી હોતી.
સત્ય : જડીબુટ્ટીઓ પર આધારિત કાષ્ઠ ઔષધિઓ નિયમિત માત્રામાં લેવાથી તેની આડઅસર નહિવત્ હોય છે. પરંતુ વૈદ્યની સલાહ વગર, યોગ્ય પ્રમાણ જાણ્યા વિના અથવા લાંબા સમય સુધી રસઔષધિઓ (ધાતુ/ખનીજ આધારિત ભસ્મ) નો મનફાવે એમ ઉપયોગ કરવામાં આવે તો તેની આડઅસર ચોક્કસ થઈ શકે છે. આયુર્વેદમાં દરેક વ્યક્તિની શારીરિક પ્રકળતિ (વાત, પિત્ત, કફ) મુજબ અલગ-અલગ દવા અને માત્રા નક્કી થતી હોવાથી સ્વ-ઉપચાર ટાળવો જોઈએ.
ગેરસમજ : આયુર્વેદની દવાઓ ખૂબ ધીમેથી અસર કરે છે.
સત્ય : આનું મુખ્ય કારણ એ છે કે શરદી, તાવ, કફ જેવા સામાન્ય રોગોમાં લોકો શરૂઆતમાં વૈદ્ય પાસે નથી જતા. જ્યારે રોગ જૂનો અને ગંભીર બને અથવા અન્ય સારવારોથી પરિણામ ન મળે ત્યારે મોટી ફાઈલો સાથે આયુર્વેદ તરફ વળે છે. સ્વાભાવિક છે કે જૂના રોગોને મૂળમાંથી મટાડવામાં સમય લાગે જ. જો રોગના પ્રારંભિક તબક્કામાં જ તાજી અને શુદ્ધ આયુર્વેદિક દવાઓ લેવામાં આવે તો તેનો ફાયદો ત્વરિત અને કાયમી જોવા મળે છે.
ગેરસમજ : આયુર્વેદિક ઉપચારમાં કડક પરેજી પાળવી પડે છે અને ખાટા-મસાલાવાળા ખોરાકની સંપૂર્ણ મનાઈ હોય છે.
સત્ય : આયુર્વેદમાં વ્યક્તિની પ્રકળતિ અને રોગના મૂળ કારણને ધ્યાનમાં રાખીને આહાર-વિહાર સૂચવવામાં આવે છે. જે ખોરાક રોગ વધારવા માટે જવાબદાર હોય તેને બંધ કરવો પડે તે વ્યાજબી છે. તળેલું કે અતિ મસાલાવાળું ખાવાનું આમેય સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રહી વાત ખટાશની, તો ખાસ કરીને ગુગ્ગુળયુક્ત ગોળીઓના સેવન સમયે જ ખટાશ મનાઈ હોય છે; અન્ય તમામ ઔષધિઓમાં ખટાશ વર્જ્ય હોતી નથી.
ગેરસમજ : આયુર્વેદિક ભસ્મ કે દવાઓ લેવાથી કિડની ખરાબ થઈ જાય છે.
સત્ય : આજના શિક્ષિત વર્ગમાં ફેલાયેલી આ માન્યતા સાવ આધારહીન છે. આયુર્વેદમાં હેવી મેટલ્સ એટલે કે ભારે ધાતુઓનો ઉપયોગ સીધો કરવામાં આવતો નથી. શાષાોક્ત વિધિ મુજબ વિવિધ જડીબુટ્ટીઓના રસમાં ધાતુઓનું‘શોધન' અને ‘મારણ' (પુટ પાક વિધિ) કરીને તેને સૂક્ષ્મ નેનો-પાર્ટિકલ્સ અને ઓક્સાઈડમાં પરિવર્તિત કરવામાં આવે છે, જે શરીર માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને શોષણક્ષમ બને છે. જો કે અપ્રમાણિત/અશુદ્ધ ભસ્મ કે વૈદ્યના માર્ગદર્શન વિના વધુ માત્રામાં લેવાથી નુકસાન થવાની શકયતા રહે છે.
ગેરસમજ : આયુર્વેદમાં સર્જરી આવતી જ નથી.
સત્ય : સર્જરીના આદ્ય પિતા મહર્ષિ સુશ્રુત આયુર્વેદના જ મહાન આચાર્ય હતા, જેમણે પ્લાસ્ટિક સર્જરી અને મોતિયાની શષાક્રિયાની શોધ કરી હતી. કાળક્રમે ઐતિહાસિક કારણોસર આ ક્ષેત્રમાં શિથિલતા આવી હતી પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં આયુર્વેદિક સર્જરી ક્ષેત્રે ઘણું મોટું સંશોધન થયું છે. તાજેતરમાં ભારત સરકારના CCIM/NCISMના ગેઝેટ નોટિફિકેશન મુજબ આયુર્વેદના MS (શલ્ય અને શાલકય તંત્ર)ના સર્જનોને સામાન્ય શષાક્રિયા, ઈ.એન.ટી., આંખ અને ક્ષારસૂત્ર (Anorectal Surgery) સહિતની ૫૮થી વધુ પ્રકારની સર્જિકલ પ્રોસિજર મુક્તપણે અને વૈધાનિક રીતે કરવાની સત્તાવાર મંજૂરી પણ પ્રાપ્ત થયેલી છે.
લેખક પરિચયઃ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વૈજ્ઞાનિક સંશોધન અને નીતિવિષયક સુધારાઓમાં નોંધપાત્ર યોગદાન આપનારા આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા દુનિયાભરમાં અગ્રણી અનુભવી આયુર્વેદ ચિકિત્સક તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે.
આપનો પ્રતિભાવ [email protected] પર ઇમેલ કરી શકાશે. (૩૬.૧૩)
લેખક : પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા
(2:27 PM IST)










