તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
આવાસ યોજનામાં ‘ડબલ લાભ'નો ખેલ? એક જ પરિવારને કૃષ્ણ ટાઉનશીપ અને લાઈટ હાઉસમાં આવાસ !
ગરીબ-જરૂરિયાતમંદો ઘર માટે રાહ જુએ અને એક જ પરિવારને બે આવાસ કેવી રીતે હાઉસિંગ સમિતિના ચેરમેન દિલીપ લુણાગરીયાના તપાસના આદેશઃ ભાડે ચડાવાતા આવાસો સામે પણ કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર કરવાની વિચારણા : પ્રથમ વખત ભાડે આપતાં પકડાય તો રૂ.૨૫ હજાર, બીજી વખત રૂ.૫૦ હજારનો દંડ અને ત્યારબાદ આવાસની ફાળવણી જ રદ કરવા વિચારણા

રાજકોટ,તા.૨૭: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોના પોતાના ઘરના સપનાને સાકાર કરવા કરોડો રૂપિયાની પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ રાજકોટમાં આ યોજનાની આવાસ ફાળવણીને લઈને ચોંકાવનારો મામલો સામે આવતાં મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં દોડધામ મચી છે. એક જ પરિવારને એક નહીં પરંતુ બે-બે આવાસ ફાળવાયા હોવાની રજૂઆત સામે આવી છે. જેમાં એક આવાસ મવડીની કળષ્ણ ટાઉનશીપમાં અને બીજું લાઈટ હાઉસ ખાતે હોવાનું જણાવાઈ રહ્યું છે. સમગ્ર મામલો આવાસ વિભાગના ચેરમેન દિલીપ લુણાગરીયાના ધ્યાન પર આવતા અધિકારીઓને તપાસ કરી હકીકત રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
એક તરફ શહેરમાં અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાના પાકા મકાન માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે અને આવાસ યોજનામાં અરજી કર્યા બાદ ડ્રોમાં પોતાનું નામ આવે તેની આશા રાખી રહ્યા છે. બીજી તરફ જો એક જ પરિવારને અલગ-અલગ સ્થળે બે સરકારી આવાસનો લાભ મળ્યો હોય તો લાભાર્થીઓની ચકાસણી અને સમગ્ર ફાળવણી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે.
મળતી માહિતી મુજબ રજૂઆતમાં એક જ પરિવાર સાથે સંકળાયેલા બે આવાસ પૈકી એક કળષ્ણ ટાઉનશીપ, મવડી ખાતે અને બીજા સ્માર્ટ સિટી વિસ્તારમાં આપેલ લાઈટ હાઉસ ખાતે ફાળવાયો હોવાનો મુદ્દો સામે આવ્યો છે. હવે આવાસ વિભાગ દ્વારા બંને આવાસ કોના નામે ફાળવાયા, બંને લાભાર્થીઓ વચ્ચેનો પારિવારિક સંબંધ શું છે, અરજી વખતે કઈ વિગતો અને દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા તથા યોજનાના નિયમો મુજબ બંને ફાળવણી યોગ્ય છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે.
સૌથી મોટો સવાલ એ છે કે આવાસ ફાળવણી પહેલાં લાભાર્થીની વિગતોની ચકાસણી થતી હોવા છતાં જો એક જ પરિવારને બે લાભ મળ્યા હોય તો તે કઈ રીતે શકય બન્યું? શું લાભાર્થીઓની વિગતોનું યોગ્ય ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું નહોતું? કે પછી અલગ-અલગ યોજનાઓ અથવા તબક્કાની ફાળવણી દરમિયાન માહિતીની ચકાસણીમાં ખામી રહી ગઈ હતી? આ તમામ મુદ્દાઓ હવે તપાસના કેન્દ્રમાં આવે તેવી શકયતા છે.
આવાસ યોજનાનો મૂળ હેતુ જે પરિવાર પાસે પોતાનું ઘર નથી તેને છત આપવાનો છે. તેથી એક જ પરિવારને એકથી વધુ આવાસનો લાભ મળતો હોય તો અન્ય પાત્ર અને જરૂરિયાતમંદ પરિવાર પોતાના હકના આવાસથી વંચિત રહી શકે છે. પરિણામે આ કેસની તપાસ માત્ર બે આવાસ પૂરતી સીમિત ન રાખી અગાઉ થયેલી ફાળવણીઓમાં પણ આવા કિસ્સા છે કે કેમ તેની ચકાસણી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
આવાસ ભાડે ચડાવનારાઓ સામે પણ તવાઈની તૈયારી
બીજી તરફ સરકારી યોજનામાં રાહતદરે આવાસ મેળવ્યા બાદ તેમાં જાતે રહેવાને બદલે આવાસ ભાડે આપી દેવાના દૂષણને અટકાવવા માટે પણ મનપા સ્તરે વધુ કડક કાર્યવાહી કરવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. જરૂરિયાતમંદને રહેવા માટે આપવામાં આવેલો આવાસ કમાણીનું સાધન ન બને તે માટે દંડાત્મક જોગવાઈને વધુ કડક બનાવવાની દિશામાં વિચારણા થઈ રહી છે.
વિચારણા મુજબ, આવાસનો લાભાર્થી પોતાનો આવાસ નિયમવિરુદ્ધ ભાડે આપતો પ્રથમ વખત પકડાય તો રૂ.૨૫ હજારનો દંડ, ત્યારબાદ ફરી એ જ પ્રકારનું ઉલ્લંઘન કરતાં બીજી વખત રૂ.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવે અને તેમ છતાં ત્રીજી વખત નિયમભંગ સામે આવે તો આવાસની ફાળવણી જ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે તેવી કડક વ્યવસ્થા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
આ પ્રકારની જોગવાઈ અમલમાં આવે તો સરકારી આવાસ મેળવી તેને ભાડે ચડાવી દેતા તત્ત્વો સામે મોટી કાર્યવાહીનો માર્ગ ખુલશે. સાથે જ જે હેતુ માટે આવાસ ફાળવવામાં આવ્યો છે તેનો ખરેખર લાભાર્થી દ્વારા જ ઉપયોગ થાય છે કે નહીં તેની સમયાંતરે ચકાસણી કરવાની વ્યવસ્થા પણ મહત્વપૂર્ણ બની રહેશે.
તપાસમાં જવાબદાર કોણ? હવે રિપોર્ટ પર નજર
એક જ પરિવારને કળષ્ણ ટાઉનશીપ અને લાઈટ હાઉસ એમ બે સ્થળે આવાસ ફાળવાયાની રજૂઆત બાદ હવે તપાસનો રિપોર્ટ મહત્વનો બની રહેશે. જો નિયમવિરુદ્ધ રીતે ડબલ લાભ લેવાયો હોવાનું તપાસમાં સાબિત થાય તો માત્ર લાભાર્થી સામે કાર્યવાહી પૂરતી રહેશે કે ફાળવણી અને ચકાસણીની પ્રક્રિયામાં જવાબદાર અધિકારી-કર્મચારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે? તે પ્રશ્ન પણ ઊભો થયો છે.
પીએમ આવાસ યોજના ગરીબ અને ઘરવિહોણા પરિવારો માટે અત્યંત મહત્વની યોજના છે. તેથી તેમાં એક પણ અપાત્ર વ્યક્તિ લાભ લઈ જાય અથવા એક જ પરિવારને એકથી વધુ લાભ મળે તો તેનો સીધો ફટકો અન્ય પાત્ર પરિવારને પડી શકે છે. હવે મનપાની તપાસમાં આ સમગ્ર પ્રકરણની શું હકીકત બહાર આવે છે અને આવાસ ફાળવણી તથા ભાડે આપવાના દૂષણ સામે તંત્ર કેટલી કડક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.
(3:38 PM IST)










