તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
ગ્રીનફિલ્ડ સીકસલેન રોડ સામે ગામડે..ગામડે વિરોધનો વંટોળ આજે ગઢડાના ખેડૂતો દોડી આવ્યાઃ કલેકટરને આવેદન..
રી-એલાઇમેન્ટ કરવા, બજાર કિંમત મુજબ વળતર આપવા, વાવેતર તથા બાંધકામનું અલગ મૂલ્યાંકન કરવા માંગણી..

રાજકોટ, તા.૨૭: રાજકોટ જિલ્લાના ગઢકા ગામના ખેડૂતોમાં ગ્રીનફિલ્ડ ૬-લેન રોડ પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ પહેલા આમ બે ગામો વિરોધ નોંધાવી ચૂકયા છે. આજરોજ ગઢકા ગામના ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને રાજકોટ કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા હેઠળ નેશનલ હાઇવે-૨૭ (રાજકોટ બાયપાસ) ના કિ.મી. ૦ થી કિ.મી. ૪૩.૯૧૬ સુધીના રસ્તાના નિર્માણ, જાળવણી અને સંચાલન માટે ગઢકા ગામની ફળદ્રુપ જમીનો સંપાદિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેની સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગયા છે.
ખેડૂતોએ નેશનલ હાઇવે એક્ટ, ૧૯૫૬ ની કલમ ૩(સી)(૧) હેઠળ ૨૧ દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની લેખિત વાંધા અરજી રજૂ કરીને રસ્તાનું એલાઈનમેન્ટ બદલવા તેમજ યોગ્ય વળતર આપવા સહિતની માંગણીઓ કરી છે.
ખેડૂતોની માંગ છે કે, સરકારી અને ખરાબાની જમીનનો ઉપયોગ કરી રી-એલાઈનમેન્ટ કરવું, જંત્રીના જૂના દરોનો વિરોધ અને બજારકિંમત મુજબ વળતર આપવું, જમીન ઉપરના તમામ વાવેતર અને બાંધકામનું અલગથી મૂલ્યાંકન કરવું, ટુકડાઓમાં વિભાજિત થતી જમીનનું સંપૂર્ણ સંપાદન અને રસ્તાની સુવિધા આપવી આવેદનના અંતે ગઢકા ગ્રામ પંચાયત અને અસરગ્રસ્ત ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાષ્ટ્રના વિકાસ અને પ્રોજેક્ટની સામે નથી, પરંતુ વિકાસની સાથે ખેડૂતોના આજીવિકાના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય અને તેમને યોગ્ય ન્યાય મળે તે અત્યંત જરૂરી છે. જો યોગ્ય ગણતરી અને ન્યાયી વળતર વિના નિર્ણય લેવામાં આવશે તો ઉગ્ર આંદોલન હાથ ધરવાની ચીમકી પણ આપી હતી.
(3:39 PM IST)










