News of Thursday, 27th August 2026
પંચનાથ પ્લોટના વૃધ્ધાને ડીજીટલ એરેસ્ટ કરી ૫૫.૫૦ લાખ પડાવ્યાઃ સાયબર ક્રાઇમ પોલીસે ૪૧ લાખ બચાવ્યા
મીતાબેન ભાયાણીને ગઠીયાઓએ મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે ફોન કરી સાયબર આતંકવાદમાં ફસાવી દેવાની ધમકી આપી હતી : મુંબઇ રહેતી દિકરીને માતાએ એફડી તોડવા બાબતે પૃછા કરતાં શંકા ગઇઃ તેણીએ રાજકોટ સાયબર ક્રાઇમને જાણ કરતાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એસ. ડી. ફુલતરીયા, પીઆઇ પી. આર. ડોબરીયા, પીઆઇ એમ. ડી. ગઢવી અને ટીમે તત્કાળ પહોંચી વધુ ઠગાઇ થતી અટકાવી

રાજકોટ તા. ૨૮: શહેરમાં વધુ એક વખત સાયબર ગઠીયાઓએ ડિજીટલ એરેસ્ટના નુસ્ખાથી એક વૃધ્ધાને સાયબર આતંકવાદના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ૫૫.૫૦ લાખની રોકડ પડાવી લીધી છે. વધુ ૪૧ લાખ પણ સાયબર ગઠીયાઓએ માંગ્યા હતાં. પરંતુ વૃધ્ધાના મુંબઇ રહેતાં દિકરીને જાણ થતાં શહેર સાબયર ક્રાઇમ પોલીસને જાણ થતાં ટીમ પહોંચી ગઇ હતી અને વધુ ૪૧ લાખનું ફ્રોડ થતું અટકાવ્યું હતું. છ દિવસ સુધી આ વૃધ્ધાને સાયબર ગઠીયાઓ ડીજીટલ એરેસ્ટ કરી નાણા ખંખેર્યા હતાં.
આ બનાવમાં આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે પંચનાથ પ્લોટ-૫માં હોટેલ કેકે રોઝની સામે ગોૈતમ બુધ્ધ એપાર્ટમેન્ટ ત્રીજા માળે ફલેટ નં. ૩૧માં રહેતાં મીતાબેન ભુપતભાઇ ભાયાણી (ઉ.વ.૭૫) નામના વૃધ્ધાની ફરિયાદ પરથી અલગ અલગ મોબાઇલ નંબર, વ્હોટ્સએપ નંબરના ત્રણ ધારકો તથા ઇન્ડસઇન્ડ બેંક તથા બેંક ઓફ ઇન્ડિયામાં ખાતા ધરાવતાં બે શખ્સો અને તપાસમાં ખુલે તેની સામે વૃધ્ધાને સાયબર આતંકવાદના ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ડરાવી ૫૫ લાખ ૫૦ હજાર પડાવી લીધા છે. સાયબર ક્રાઇમ પોલીસે વધુ ૪૧ લાખ બચાવી લીધા હતાં.
જાણવા મળ્યા મુજબ ભોગ બનનાર વૃધ્ધા પતિ ભૂપતભાઇ ભાયાણી સાથે રહે છે અને નિવૃત જીવન જીવે છે. તેમને સંતાનમાં ચાર દિકરી છે જે અલગ અલગ શહેરોમાં સાસરે છે. તા. ૧૮/૮નાના તેઓને એક વોટ્સએપ કોલ આવેલ અને સાયબર માફિયાઓએ પોતે મુંબઇ ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી છે તેવી ઓળખ આપી પુર્વઆયોજીત કાવત્રાના ભાગ રૂપે આ વૃધ્ધાને તમે સાયબર આતંકવાદના ગુનામાં સામેલ છો, તમને ડીજીટી એરેસ્ટ કરવામાં આવે છે તેમ કહી ડીજીટલ એરેસ્ટ કર્યા હતાં.
આ પછી અલગ અલગ શખ્સોએ પોલીસ અધિકારીઓના નામે ડરાવી ધમકાવી ઘરમાં જ રહેવા અને સતત વિડીયો કોલ ચાલુ રાખવા ધમકી આપી હતી. આ પછી ગઠીયાઓએ વૃધ્ધાને તમારી પાસે જેટલા પણ નાણા છે તેની ખરાઇ કરવી પડશે. તપાસ બાદ તમને આ નાણા પાછા આપી દેવામાં આવશે તેમ કહી રીઝર્વ બેંક ઓપર ઇન્ડિયાના નામે બોગસ નકલી દસ્તાવેજો પણ મોકલ્યા હતાં અને કહ્યું હતું કે સાયબર આતંકવાદની તપાસ ચાલુ છે, જો તમે સહકાર નહિ આપો તો તુરંત જેલભેગા કરવામાં આવશે.
આવી ધમકીથી ડરી ગયેલા વૃધ્ધાએ ગઠીયાઓના કહેવા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં આરોપીઓએ ઓનલાઈન રૂ.૫૫.૫૦ લાખ ટ્રાન્સફર કરી દીધા હતાં. આ પછી ગઠીયાઓએ હજુ કેટલી રકમ છે તેમ પૃછા કરતાં વૃધ્ધાએ ૪૧ લાખ જેવી મુડી હજુ પોતાની પાસે છે તેવુ કહેતાં સાયબર ગઠીયાઓ વધુ ડર બતાવ્યો હતો અને આ રકમ પણ ટ્રાન્સફર કરી દેવા દબાણ કર્યુ હતું. જો કે રકમ સેવીંગ્ઝ એકાઉન્ટમાં ન હોઇ અને તેની એફ.ડી. હોઇ આ એફ.ડી. તોડાવવા માટે મુંબઇ રહેતી દિકરીને ફોન કરી મદદ લીધી હતી.
આ પછી દિકરીને શંકા ઉપજતાં તેણે તુરત જ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન ૧૯૩૦માં ફોન કરી પોતે મુંબઇ રહે છે અને વૃધ્ધ માતા પિતા રાજકોટ રહે છે તેમને ડીજીટલ એરેસ્ટ કરવામાં આવ્યાની શંકા દર્શાવતા સાબયર ક્રામઇ પોલીસની ટીમ તુરત જ શાષાી મેદાન સામેના ગોૈતમ બુધ્ધ એપાર્ટમેન્ટ ખાતે વૃધ્ધા મીતાબેન ભાયાણીના ઘરે પહોંચી હતી અને તેમને હકિકતથી વાકેફ કર્યા હતાં. આથી વધારાના ૪૧ લાખ ટ્રાન્સફર કરવાનું તેમણે ટાળ્યું હતું અને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થતાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. ડી. ફુલતરીયા, પીઆઇ પી.આર.ડોબરીયા, પીઆઇ એમ. ડી. ગઢવી, પીએસઆઇ એસ.વી.ભાયાણી, એએસઆઇ વિવેકભાઇ કુછડીયા, કૃપાલસિંહ ઝાલા, હેડકોન્સ. હર્ષરાજસિંહ જાડેજા, કોન્સ. વિશાલભાઇ દેસાણીએ આ કામગીરી કરી હતી. સાયબર ગઠીયાઓના મોબાઇલ ફોન નંબર, વહોટ્સએપ નંબરો તેમજ બેંક ખાતા નંબરો મળ્યા હોઇ તેના આધારે તપાસ આગળ ધપાવાઇ છે.
(2:46 PM IST)










