તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
મનપાની રક્ષાબંધનની બહેનોને ભેટઃ બીઆરટીએસ- સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરી
પદાધિકારીઓ- મ્યુ.કમિશનર દ્વારા જાહેરાતઃ લાભ લેવા અનુરોધ

રાજકોટ તા.૨૬: આગામી શુક્રવારે ‘રક્ષાબંધન'ના પવિત્ર તહેવાર નિમિતે બી.આર.ટી.એસ. રૂટ પર કાર્યરત બસ સેવા તથા શહેરમાં કાર્યરત સિટી બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે.
આ અંગે મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા(IAS), શાસક પક્ષ નેતાશ્રી ડો.હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્ક રહેશે તે અંગેની જાહેરાત કરતા જણાવે છે કે, રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ' છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે અને ભાઇ બહેનને ભેટ આપે છે.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકાદ્વારા દર વર્ષની પરંપરા મુજબ આગામી તા.૨૮ને શુક્રવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની ભેટ આપે છે. ‘‘રક્ષાબંધન''ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફક્ત બહેનો/મહિલાઓ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષો/ભાઈઓએ મુસાફરી દરમ્યાન રાબેતામુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા(IAS), શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ‘‘રક્ષાબંધન''ના પાવન પર્વ નિમિતે બી.આર.ટી.એસ. બસ તથા સિટી બસની નિઃશુલ્ક સેવાની અનોખી ભેટનો મહતમ લાભ લેવા બહેનો/મહિલાઓને ખાસઅપીલ કરવામાં આવે છે અને ‘‘રક્ષાબંધન''ના પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે.
(3:30 PM IST)










