News of Tuesday, 25th August 2026
૨૩ વર્ષના ઋષીનો ફાંસો ખાઇ આપઘાતઃ માતા બહારથી આવતાં પુત્ર લટકતો મળ્યો
વાવડી પરીન ફર્નિચર પાછળ રાણીનગર સોસાયટીનો બનાવ : એક બહેનથી નાનો અને અપરિણીત હતોઃ પિતા સાથે ગેરેજમાં કામ કરતો હતોઃ આધારસ્તંભના મોતથી પરિવારમાં શોકઃ એએસઆઇ ડી.સી. જોષી દ્વારા તપાસ

રાજકોટ તા. ૨૫: શહેરમાં આપઘાતની વધુ એક ઘટના બની છે. જેમાં ગોંડલ રોડ વાવડી પરીન ફર્નિચર પાછળની સોસાયટીમાં રહેતાં ૨૩ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા બહારથી ઘરે આવી ત્યારે દિકરો લટકતો મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ વાવડી પરીન ફર્નિચર પાછળ રાણીનગર સોસાયટી-૮માં રહેતાં ઋષી શૈલેષભાઇ ભાલુ (ઉ.વ.૨૩) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી દિનેશભાઇ ચોૈધરીએ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરી હેઠળ એએસઆઇ ડી. સી. જોષી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આત્મહત્યા કરી લેનાર ઋષી એક બહેનથી મોટો હતો અને પિતા સાથે ગેરેજમાં કામ કરતો હતો. તે અપરિણીત હતો. સાંજે ઘરે કોઇ નહોતું ત્યારે તેણે આ પગલુ ભરી લીધુ હતું. માતા બહારથી ઘરે આવ્યા ત્યારે દિકરાને પંખામાં લટકતો જોતાં દેકારો મચાવી મુકતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં અને ૧૦૮ બોલાવી હતી. જો કે તેના તબિબે તેને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. આપઘાતનું કારણ હાલ બહાર આવ્યું ન હોઇ પોલીસ અંતિમવિધી બાદ સ્વજનોના નિવેદન નોંધશે. એએસઆઇ ડી. સી. જોષી વધુ તપાસ કરી રહ્યા છે. એકના એક આધારસ્તંભ દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
(2:31 PM IST)










