તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
માલવીયા ચોક પાસે સ્પાના નામે ચાલતું કૂટણખાનું ઝડપાયું: ૮ યુવતીઓનો છૂટકારો, સ્પા સંચાલક સહિત ૩ શખ્સો સામે ગુનો : જુઓ વિડિયો
એએચટીયુ ટીમના પીઆઇ બી.બી. જાડેજા, પીએસઆઇ આર.કે. ગોહિલ અને ટીમની કાર્યવાહી: કૃપાલીબેન, પ્રદીપ ચાવડા અને મુકેશભાઈ વાઘેલા સામે ગુનો

રાજકોટ: શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દેહ વ્યાપારના દૂષણને નાથવા માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશ્નર કચેરીની સૂચનાના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે માલવીયા ચોક નજીક, પ્રમુખ સ્વામી આર્કેડના એ-વિંગમાં બીજા માળે ૨૦૧ નંબરની દુકાનમાં ચાલી રહેલા "હાઇ ડ્રીમ વેલનેશ સ્પા" અંગે ચોક્કસ બાતમી મેળવી હતી. પોલીસને બાતમી મળી હતી કે સ્પાના સંચાલકો દ્વારા બહારથી યુવતીઓને બોલાવી, મસાજના નામે ગ્રાહકો પાસેથી આર્થિક લાભ મેળવી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો છે. આ હકીકતની ખરાઈ કરવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે બે પંચોની હાજરીમાં ડમી ગ્રાહક તૈયાર કરી સ્પામાં મોકલ્યો હતો. હકીકત સાચી જણાતાં પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સ્પામાં ગ્રાહક પાસેથી એન્ટ્રી ફી તરીકે રોકડા ₹૧૦૦૦/- લેવામાં આવતા હતા અને ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવા માટે ગ્રાહક દીઠ ₹૩૦૦૦/- એક્સ્ટ્રા સર્વિસના નામે વસૂલવામાં આવતા હતા. પોલીસે આ રેઇડ દરમિયાન દેહ વ્યાપારમાં ધકેલાયેલી ૮ યુવતીઓને મુક્ત કરાવી હતી. આ ઉપરાંત ઘટનાસ્થળેથી બે મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧૪,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કેસમાં પોતાના આર્થિક લાભ માટે યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવતા ત્રણ આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમ્મોરલ ટ્રાફિક એક્ટની કલમ ૩, ૪, અને ૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં ક્રુપાલીબેન (રહે. નવાગામ, રાજકોટ), પ્રદીપ મોહનભાઈ ચાવડા (રહે. બહુચર કૃપા મકાન, રાજનગર, નાનામૌવા મેઇન રોડ, રાજકોટ) અને મુકેશભાઈ રૂપાભાઈ વાઘેલા (રહે. શેઠવડાાળા, જામનગર)નો સમાવેશ થાય છે.
આ કામગીરી પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ દરોડાની કામગીરીમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. જાડેજા, પો.સ.ઈ. આર.કે. ગોહિલ, એ.એસ.આઈ. અજયકુમાર શુક્લા, સલીમભાઈ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ આર. મારુ, હરસુખભાઈ ડી. વાછાણી તેમજ પોલીસ કોન્સ્ટેબલ હસમુભાઈ બાલધા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ અને શાંતુબેન રણજીભાઈ મુળીયા જોડાયા હતા.
(9:44 PM IST)










