તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
હજુ સુધરતા નથીઃ ‘નો-નંબર પ્લેટ, નો-ફયુલ'માં ફિલરમેન સહિત બે સામે વધુ એક ગુનો નોંધાયો
વિડીયો વાયરલ થયા બાદ થોરાળા પોલીસના પી.આઇ. એસ.પી. સોઢા સહિતના સ્ટાફે તપાસ કરી કાર્યવાહી કરી

રાજકોટઃ તા.ર૪, ભાવનગર રોડ પર આવેલ જયનાથ પેટ્રોલપંપ ખાતે નંબર પ્લેટ વગરના જયુપીટર સ્કુટરમાં ફિલરમેન પેટ્રોલ પુરી આપતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે મામલે થોરાળા પોલીસે તપાસ કરી પેટ્રોલ પંપના કર્મચારી સહિત બે સામે ગુનો દાખલ-નોંધ્યો હતો. જાણવા મળ્યા મુજબ શહેરમાં પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા દ્વારા નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ પુરી નહી આપવા માટે જાહેરનામું બહાર પાડયુ છે. તાજેતરમાં ઢેબર રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગરના વાહનમાં ઇંઘણ પુરી આપવા મામલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ વધુ એક ગુનો દાખલ કર્યો છે.
સોશીયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મરૂન કલરના નંબર પ્લેટ વગરના જયુપીટર સ્કુટરમાં ફિલરમેન પેટ્રોલ પુરી આપતો હોવાનું દેખાઇ રહયું હતું. જે થોરાળા પોલીસના ધ્યાને આવતા પી.આઇ. એસ.પી. સોઢાની રાહબારીમાં હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ કુંચાલા, એચ.જે.નિનામ અને કોન્સ્ટેબલ નિલેશભાઇ જમોડ સહિતના સ્ટાફે તપાસ કરતા આ વિડીયો ભાવનગર રોડ પર ગંજીવાડા નાકાની સામે જયનાથ પેટ્રોલ પંપનો હોવાનું ખુલ્યુ હતું. એટલું જ નહી આ વિડીયો ગઇ તા. ર૩ નો હોવાનું જણવા મળ્યું હતું વધુ તપાસમાં નંબર પ્લેટ વગરના જયુપીટરમાં પેટ્રોલ પુરી આપનારનું નામ બુધ્ધસેન રામસરોજ પંડીત (ઉ.વ. પ૪, રહે. ગંજીવાડા શેરી નં. ૩૬) અને જયુપીટર સ્કુટર ચાલક ભુપત સોડાભાઇ સભાડ (ઉ.વ. પ૩, રહે. ગઢીયાનગર-ર શેરી નં. ૩) હોવાનું જાણવા મળતા બંને સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
(3:40 PM IST)










