તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
લ્યો બોલો... રાજકોટના કોર્પોરેટરોને ૪૦ હજાર માનદ્ વેતન જોઇએ છે!!
અંદરખાને ૧૫ હજાર ઓછા હોવાનો ઉઠતો સુર : અમુક નગરસેવકોએ વધારા માટે ઔપચારીક રજુઆત કરી હોવાની ચર્ચા

રાજકોટઃ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં સતત વધતી જતી મોંઘવારી સામે સામાન્ય અને મધ્યમવર્ગીય પ્રજા ઝઝૂમી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરોને હાલમાં મળતું રૂ. ૧૫ હજારનું માનદ વેતન વધારીને રૂ. ૪૦ હજાર કરવાની અંદરખાને માંગ ઊઠતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ માનદ વેતન વધારો અમલી બને તો આગામી પાંચ વર્ષમાં મહાનગરપાલિકાની તિજોરી ઉપર અંદાજે રૂ. ૧૭ કરોડનો વધારાનો બોજ પડી શકે તેવી ગણતરી પણ ચર્ચામાં આવી છે.
દેશમાં અનેક શિક્ષિત યુવાનોને રૂ. ૧૦થી ૧૨ હજારના પગારમાં પણ નોકરી મળતી નથી અને મોટી સંખ્યામાં યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે ત્યારે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ માનદ વેતનના બદલે મોટો પગાર વધારો માગે તે વ્યાજબી છે? કે કેમ તેવો સવાલ પણ ઊઠાવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાં વધતા ખર્ચ અને આર્થિક પડકારો વચ્ચે લોકોને અવારનવાર બિનજરૂરી ખર્ચ ટાળવા અને કરકસર અપનાવવા અપીલ કરતા રહ્યા છે. બીજી તરફ રાજકોટના મેયર શ્રી દ્વારા પણ મહાનગરપાલિકાના ખર્ચાઓ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
જેમાં સરકારી વાહનોમાં ઇંધણનો બિનજરૂરી વપરાશ અટકાવવો, સરકારી કાર્યક્રમોમાં મોટા સ્ટેજ સહિતના ખર્ચાઓ ઘટાડવા અને કાર્યક્રમોને સાદગીપૂર્ણ બનાવવાની દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે. સાંઢિયા પુલનું લોકાર્પણ પણ સાદગીપૂર્ણ રીતે કરીને શહેરની જનતાને કરકસરનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ત્યારે બીજી તરફ ભાજપ કોર્પોરેટરોને જાણે ‘શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવી કહેવત લાગુ પડી રહી હોય તેવું તાજેતરની સંકલન સમિતિની બેઠક પરથી ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય રીતે મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક રાજકોટના વિકાસકાર્યો, શહેરની સમસ્યાઓ અને છેવાડાના માનવીને વધુ સારી સુખ-સુવિધાઓ મળે તે માટે યોજાતી હોય છે. પરંતુ આ બેઠકમાં પોતાના માનદ વેતનનો મુદ્દો ઉઠાવી હાલમાં મળતા રૂ. ૧૫ હજારને વધારી રૂ. ૪૦ હજાર કરવાની માગ કરાતા ભારે ચર્ચા સર્જાઇ રહી છે. જોકે હજુ સત્તાવાર પુષ્ટિ મળેલ નથી.(૩૮
(3:10 PM IST)










