તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
શાપરમાં કારખાને સફાઇ કામ માટે ગયેલા ધવલનું અગાસીએ બેભાન થઇ જતાં મોત
૨૮ વર્ષિય દિકરાના મોતથી ટીમાણીયા પરિવારમાં શોકઃ વિજકરંટ લાગ્યો કે હાર્ટએટેક આવ્યો? તે જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટઃ મુળ ખજુરી-અમરેલીનો વતની

રાજકોટ તા. ૨૪: શાપર વેરાવળમાં રહેતાં અને છુટક સફાઇ કામ કરી ગુજરાન ચલાવતાં ૨૮ વર્ષના યુવાનનું શાપર સર્વોદયમાં ગઇકાલે એક કારખાનામાં પાઇપલાઇનનું સફાઇ કામ કરવા ગયો ત્યારે અગાસીએ એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે.
જાણવા મળ્યા મુજબ શાપરમાં ભીમનગરમાં રહેતો ધવલભાઇ ભગવાનજીભાઇ ટીમાણીયા (ઉ.વ.૨૮) નામનો યુવાન સર્વોદય સોસાયટીમાં કારખાનાની પાઇપલાઇન ચોક થઇ ગઇ હોઇ તેની સફાઇ કરવા ગયો હતો. અગાસી પરથી તે સળીયા વડે પાઇપલાઇનની સફાઇ કરતો હતો ત્યારે એકાએક બેભાન થઇ અગાસીએ ઢળી પડયો હતો. બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી, પરંતુ તેના તબિબે તેને મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
ધવલભાઇ બે ભાઇમાં મોટો હતો અને સંતાાનમાં ચાર વર્ષની દિકરી અને બે વર્ષનો દિકરો છે. પોતે મુળ અમરેલીના ખજુરીનો વતની હતો. આઠેક વર્ષથી શાપર સ્થાયી થયો હતો. સફાઇ કામ વખતે વિજતારમાંથી કરંટ લાગતાં મૃત્યુ થયું કે હાર્ટએટેક આવ્યો? તે જાણવા પરિવારજનોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનું કહેતાં શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.
(10:56 AM IST)










