News of Saturday, 22nd August 2026
ગુંદાના પાટીયેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે કુવાડવાનો હિતેષ પકડાયોઃ અન્ય ૯ દરોડામાં બોટલ- ચપલા કબ્જે
કુવાડવા, પીસીબી, એલસીબી ઝોન-ર, માલવીયાનગર, આજીડેમ, બી ડિવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી હિતેષની પૂછતાછમાં ધીરૂ અને રવુભાના નામ ખુલ્યાઃ બોલબાલા માર્ગ, ગ્રીનલેન્ડ ચોકડી, મવડી, મહાપુજાધામ ચોક, માલધારી ચોક, ખોખડદળ પાસે, ભગવતીપરા, લોઠડા અને મોરબી રોડ પર પણ દરોડા

રાજકોટ તા.રરઃ રાજકોટની ભાગોળે કુવાડવાથી મધરવાડા ગામ તરફ જતા રસ્તે ગુંદા ગામના પાટીયા પાસેથી કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કારમાં પોણા લાખનો દારૂનો જથ્થો લઇને નિકળેલા કુવાડવાના આરોપીને ઝડપી રૂા.૫.૮૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પૂછતાછમાં બે આરોપીના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
કુવાડવા ગામથી મધરવાડા ગામ તરફ જતા રોડ પર ગુંદા ગામના પાટીયા પાસેથી કુવાડવા રોડ પોલીસના એએસઆઇ કે.વી. જાડેજા અને કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે કારમાં દારૂનો જથ્થો લઇને નિકળેલા હિતેશ સુંદરજીભાઇ સોલંકી (ઉ.વ.૪૮ રહે. કુવાડવા ગામ)ને પકડી રૂા. ૭૪,૧૭૭ની કિંમતની દારૂની ૧૦૫ બોટલ, ફોન અને કાર મળી કુલ રૂા.૫,૮૪,૧૭૭નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં ધીરૂ રામભાઇ પટગીર (રહે.કુવાડવા) અને રવુભા ખાચર (રહે.ખાટડી, સુરેન્દ્રનગર)નું નામ ખુલતા પોલીસે તની શોધખોળ શરૂ કરી છે.
બીજા દરોડામાં બોલબાલા માર્ગ પર આહીર ચોક નજીકથી પી.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ બોરીચા અને કોન્સ્ટેબલ વિશાલભાઇ દવે સહિતના સ્ટાફે ફારૂક ઉર્ફે ફારકો મજીદભાઇ સાંજી (ઉ.વ.૩૫ રહે.હુસૈની ચોક, જંગલેશ્વર)ને પકડી રૂા.૯૫,૧૭૨ની કિંમતી દારૂની ૩૬ બોટલ, ફોન અને કાર સહિત રૂા.૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં જયસુખ કેશુભાઇ મકવાણા (રહે.લીલી સાજડીયાળી)નું નામ ખુલતા શોધખોળ શરૂ કરી છે.
ત્રીજા દરોડામાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બીડીવીઝન પોલીસના જમાદાર કે.એન. જાડેજા એન કોન્સ્ટેબલ જગમાલભાઇ જાદવ સહિતના સ્ટાફે બાતમીના આધારે નિલેશ પ્રવિણભાઇ રામાણી (ઉ.વ.૩૭ રે. તિરૂપતિ પાકૃ, ગ્રીનલેન્ડ ચોકડી)ને પકડી દારૂના ૪ ચપલા અને બાઇક મળી કુલ રૂા. ૩૦, ૮૦૦નો મુદમાલ
ચોથાદરોડામાં મવડી રોડપર આનંદ બંગલા ચોક પાસે સ્વાશ્રય સોસાયટીમાંથી એલ.સી.બી.ઝોન-૨ની ટીમના એએસઆઇ જયંતીભાઇ ગોહીલ, હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા સહિતના સ્ટાફે અજય અશોકભાઇ વાળા (ઉ.વ. ૩૫ રહે. રામનગર, મવડી મેઇન રોડને પકડી ૧૦,૪૦૦ની દારની ૨૬ બોટલ અને એકટીવા મળી કુલ રૂા. ૬૦, ૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પાંચમો દરોડામાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર મહાપુજાધામ ચોક નજીકથી એલ.સી.બી. ઝોન-૨ની ટીમના હેડકોન્સ સહદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે રાહુલ મુળજીભાઇ ધમ્મર (ઉ.વ.૨૧ રહે. આંબેડકરનગર કાલાવડ રોડને રૂા. ૧૨ હજારની દારૂની ૩૦ બોટલ સાથે પકડી લીધો હતો.
છઠ્ઠા દરોડામાં નાનામવા મેઇન રોડ પર માલધારી ચોક પાસેથી માલવીયાનગર પોલીસના એ.એસ.આઇ. કે.બી. શેખલીયા, હેડ કોન્સ્ટેબલ સારંગભાઇ ઓગાણીયા સહિતના સ્ટાફે ઉત્સવ તુષારભાઇ રાજકોટીયા (ઉ.વ.૨૩ રહે.નેહરૂનગર)ને પકડી ૧ હજારના દારૂના ૪ ચપલા કબ્જે કર્યા હતા.
સાતમાં દરોડામાં કોઠારીયા રીંગરોડ પર ખોખડદળ નદીના પુલ પાસેથી આજીડેમ પોલીસે દેવેન્દ્ર રામનિવાસ (ઉ.વ.૪૨ રહે.વીઆઇએલ કેમ્પ, વિરપુર, મુળ હરીયાણા)ને દારૂની ૧બોટલ સાથે પકડી લીધો હતો.
આ ઉપરાંત આઠમાં દરોડામાં ભગવતીપરાની નંદનવન સોસાયટીમાંથી બી ડીવીઝન પોલીસે ઇસ્માઇલ ફારૂકભાઇ શરાણી (રે.ભગવતીપરા, જેમાડી હોટલમાં, મુળ જોડીયા)ને ૧૦,૪૩૬ની કિંમતના દારૂ અને એકટીવા સહિત કુલ ૮૦,૪૩૬ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
નવમાં દરોડામાં રાજકોટ નજીક લોઠડા ગામે વિશાલ મેન્યુફેકચર નામના કારખાનાની ઓરડીમાં ક્રાઇમબ્રાંચના પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા, હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, ધારાભાઇ વાનરીયા સહિતના સ્ટાફે દરોડો પાડી પ્રવિણભાઇ વિહાભાઇ જાદવ (ઉ.વ.૩૪ રહે.ગંજીવાડા)ને રૂા.૭૨૮૮ની દારૂની ૧૭ બોટલ સાથે ઝડપી લીધો હતો.
દસમા દરોડામાં મોરબી રોડ પર ઓમકાર પાર્ક મેઇન રોડ પર સાનિધ્ય એપાર્ટમેન્ટ બહાર ક્રાઇમબ્રાંચના પી.એસ.આઇ. એ.એન. પરમાર અને કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડા પાડી છોટાહાથીમાંથી રૂા.૨૨,૪૦૦ની કિંમતના દારૂના ૬૪ ચપલા સહિત કુલ રૂા.૧.૭૨ લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર છોટાહાથીના ચાલકની શોધખોળ શરૂ કરી છે
(3:48 PM IST)










