<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ડ્રોન તથા એઆઇના ઉપયોગથી મનપા કરશે મચ્‍છર ઉત્‍પતી સ્‍થાનનો નાશ

સ્‍વયંભુ રામનાથ મહાદેવ મંદિરથી સોમવારે મેયર નેહલ શુકલના હસ્‍તે ટેકનોલોજીનો પ્રારંભ શહેરના ૧૬ર ચો.કિમી. વિસ્‍તારનું Ai આધારીત મેપીંગઃ મચ્‍છર ઉત્‍પતિના સ્‍થળોની ઓળખ કરી ડ્રોનથી લાર્વીસાઇડ દવાનો છંટકાવ કરાશે સ્‍વયંભુ રામનાથ મહાદેવ મંદિરથી સોમવારે મેયર નેહલ શુકલના હસ્‍તે ટેકનોલોજીનો પ્રારંભ

રાજકોટઃશહેરીજનોના આસ્‍થાના કેન્‍દ્ર રામનાથ મહાદેવ મંદિર ખાતેથી  મેયર  ડૉ. નેહલ શુક્‍લના હસ્‍તે રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (AI) ના માધ્‍યમથી મચ્‍છર નિયંત્રણની આધુનિક કામગીરીનો તા.૨૪ ને સોમવારના રોજ પ્રારંભ થશે. 

આ અંગે મહાનગરપાલિકાના મેયર  ડૉ.નેહલ શુકલ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર  તુષાર સુમેરા(IAS), શાસક પક્ષ નેતા  ડૉ.હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક ી સંજયસિંહ રાણા, આરોગ્‍ય સમિતિ ચેરમેન ડૉ.રિકલભાઈ મેઘાણી એક સંયુકત યાદીમાં જણાવે છે કે આગામી સોમવાર, તા.૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે શહેરીજનોના આસ્‍થાના કેન્‍દ્ર રામનાથ મહાદેવ મંદિર ખાતેથી ડ્રોન ટેકનોલોજીના માધ્‍યમથી મચ્‍છર નિયંત્રણની આધુનિક કામગીરીનો શુભારંભ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વાહકજન્‍ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્‍ગ્‍યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્‍ય રોગના અસરકારક નિયંત્રણ માટે સતત પ્રયત્‍નશીલ છે. આ કામગીરીને વધુ અસરકારક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ચાલુ વર્ષે મચ્‍છર તથા મચ્‍છરના પોરાના નાશ માટે ડ્રોન ટેકનોલોજી દ્વારા સંભવિત મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થાનો શોધવા તથા લાર્વીસાઇડ દવાનો છંટકાવ કરવાની આધુનિક કામગીરીહાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના અંદાજે૧૬૨ ચો. કિ.મી. વિસ્‍તારનું AI આધારિત પ્‍લેટફોર્મ પર મેપિંગકરી, મેપિંગના આધારે સંભવિત મચ્‍છર ઉત્‍પત્તિ કેન્‍દ્રોની ઓળખ કરવામાં આવશે તથા આરોગ્‍યના ફિલ્‍ડ સ્‍ટાફ દ્વારા આ મચ્‍છર ઉત્‍પતિ સ્‍થાનોનો નાશ કરવામાં આવશે તથા જયાં ફિલ્‍ડનો સ્‍ટાફ પહોંચી શકે તેમ ન હોય તેવા હાઇરાઇઝ બિલ્‍ડિંગ, દુર્ગમ અને ભયજનક સ્‍થળોએ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવામાં આવશે.

ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ઊંચી ઇમારતોની અગાશીઓ, બંધ બાંધકામ સાઇટો, મોટા જળાશયો, ખુલ્લા પ્‍લોટો, ઇમારતોની છતો તેમજ માનવબળ દ્વારા જયાં પહોંચવું મુશ્‍કેલ હોય તેવા અન્‍ય દુર્ગમ વિસ્‍તારોમાં પણ સર્વે તથા દવા છંટકાવની કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે કરી શકાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહકજન્‍ય રોગોના નિયંત્રણ માટેની કામગીરીને પરંપરાગત પદ્ધતિઓ સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્‍વય કરી અસરકારક, ઝડપી અને વૈજ્ઞાનિક બનાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા ‘‘ટેકનોલોજી સાથે આરોગ્‍ય સુરક્ષા''ના અભિગમ સાથે રાજકોટ શહેરને વધુ સ્‍વચ્‍છ, સ્‍વસ્‍થ અને રોગમુક્‍ત બનાવવાના પ્રયાસોને નવી દિશા મળશે.

(2:48 PM IST)