તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 22nd August 2026
મકાન વેંચતા ઉપજેલા ૨૧ લાખનું રોકાણ કરતાં બે મહિના પોણાબે ટકા વળતર અપાયું પછી ધૂંબો!
રૈયા રોડ સમૃધ્ધી પાર્કમાં રહેતાં ગોૈરાંગભાઇ જોષીને મંડળી સંચાલક નિલેષ જોષીએ છેતરી લીધાનો ગુનો ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યોઃ નિલેષ બાદમાં ધંધામાં ભાગીદાર બનાવી ૧૦ાા-૧૦ાા લાખના સિકયુરીપટી પેટે બે ચેક આપ્યા, છેલ્લે કહી દીધું-રૂપિયા નથી કેસ કરવો હોય તો કરી લ્યો

રાજકોટ તા. ૨૨: રૈયા રોડ પર રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં યુવાને મકાન વેંચતા ઉપજેલા ૨૧ લાખ રૂપિયાનું પોતાની જ જ્ઞાતિના યુવાન એકદંત શરાફી મંડળી ચલાવતાં હોઇ તેમાં રોકાણ કરતાં મંડળી સંચાલકે દર મહિને રોકાણ પર ૧.૭૫ ટકા વ્યાજ આપવાની લાલચ આપી રકમ મેળવી લઇ શરૂઆતમાં બે મહિના સુધી વળતર આપી પછી વળતર આપવાનું બંધ કરી દેતાં યુવાને પોતાની મુડી પાછી માંગતા સંચાલકે હાલ રૂપિયા નથી આવે ત્યારે આપીશ તેમ કહી આજ સુધી રકમ પાછી ન આપતાં અંતે તેના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ તુલસી સુપર માર્કેટ સામે સમૃધ્ધી પાર્ક-૩માં રહેતાં અને વૈશાલીનગરમાં ગાંધી ડ્રેર્સ નામની દુકાનમાં સોળ વર્ષથી નોકરી કરતાં ગોૈરાંગભાઇ કમલેશભાઇ જોષી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી રૈયા રોડ હનુમાનમઢી નજીક અલ્કાપુરીમાં શ્રીજીકૃપા ખાતે રહેતાં નિલેષ રજનીકાંત જોષી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ગોૈરાંગભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે વર્ષ ૨૦૨૧માં ગાંધીગ્રામ શેરી નં. ૮માં આવેલું પોતાનું મકાન રૂ. ૨૩,૬૦,૦૦૦માં વેચ્યું હતું. આ નાણાંનું રોકાણ કરવા માટે તેમણે વર્ષ ૨૦૦૮થી ઓળખીતા અને સદગુરૂ તિર્થધામમાં એકદંત શરાફી મંડળી ધરાવતા નિલેશ જોષી સાથે વાત કરી હતી. વર્ષ ૨૦૨૨માં નિલેશ જોષીએ તેમને તમારી પાસે જેટલા રૂપિયા હોય તે મને આપી દો, હું ધંધામાં રોકાણ કરી મહિને ૧.૭૫ ટકા વળતર આપીશ તેવી લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા.
નિલેશ જોષીની વાતોમાં આવીને ગૌરાંગભાઈએ પોતાની બેંક ઓફ બરોડા આમ્રપાલી રોડ શાખામાંથી કટકે-કટકે નાણા ઉપાડી મે-૨૦૨૨માં કુલ રૂ. ૨૧,૦૦,૦૦૦ રોકડા એકદંત શરાફી મંડળીની ઓફિસે આપ્યા હતા. શરૂઆતમાં બે મહિના સુધી ૧.૭૫ ટકા લેખે નક્કી કર્યા મુજબ વળતર ચુકવ્યા બાદ નિલેશે વળતર આપવાનું બંધ કરી દીધું હતું. મુડીની રકમ પરત માગતા તેણે હાલ રૂપિયા નથી, આવશે એટલે આપી દઈશ તેવા બહાના બતાવવાનું શરૂ કર્યું હતું.
દરમિયાન નિલેશ જોષી વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જી.પી.આઈ.ડી. એક્ટ હેઠળ ગુનો નોંધાતા તેની ધરપકડ થઈ હતી. જેલમાંથી છૂટયા બાદ ગૌરાંગભાઈ તેને મળતા તેણે નાણાં પરત આપવાની ખાતરી આપી હતી. તા. ૧૮/૦૯/૨૦૨૪ના રોજ તેણે ગૌરાંગભાઈ અને તેમના પત્નિ પૂજાબેન જોષીના સંયુક્ત નામે રૂ. ૨૧ લાખ ધંધામાં રોકાણ માટે મેળવ્યા હોવાનું અને ભાગીદાર બનાવ્યા હોવાનું નોટરી લખાણ કરી આપ્યું હતું. ઉપરાંત સિકયુરિટી પેટે પોતાના એચડીએફસી બેંકના ખાતાના રૂ. ૧૦.૫૦ લાખના બે ચેક આપ્યા હતા.
જો કે નોટરી લખાણ અને ચેક આપ્યા બાદ પણ અવારનવાર નાણાંની ઉઘરાણી કરવા છતાં નિલેશ જોષીએ રૂપિયા પરત ન આપી બહાનાબાજી ચાલુ રાખી હતી. અંતે નિલેશે પોતાની દાનત બગાડી ગૌરાંગભાઈને તમારે કેસ કરવો હોય તો કરી નાખજો, હું તમારા રૂપિયા આપીશ નહીં તેમ કહી સીધો નકાર ભણી દીધો હતો. જેથી પોતાની સાથે થયેલી રૂ. ૨૧ લાખની ઠગાઈ અંગે ગૌરાંગભાઈ જોષીએ નિલેશ રજનીકાંત જોષી વિરૂધ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવતાં પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચાવડાએ તપાસ હાથ ધરી છે.
(2:21 PM IST)










