<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

રાજકોટના રમઝાનભાઇ ઠેબા સાથે ઓટો ફોર્જીંગની ભાગીદારીના ધંધામાં ભાગીદારની ૪૬ લાખની ઠગાઇ

લોન થતી નહિ હોવાનું કહી રાજેશે દસ્‍તાવેજ પોતાના અને પત્‍નિના નામે કરાવી કંપની વેચી નાખી, લેણી રકમ ન આપી કોઠારીયા સોલવન્‍ટના ભંગારના ધંધાર્થીએ ગુંદાસરામાં કંપની ચાલુ કરી હતી ગોંડલ તાલુકા પોલીસે રાજકોટ રહેતા ભાગીદાર રાજેશ ખાંટ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ, તા. રરઃ કોઠારીયા સોલવન્‍ટમાં રહેતા અને લોખંડના ભંગારનો ધંધો કરતા મુળ લોધીકાના વીરવા ગામનાં રમઝાનભાઇ સુમારભાઇ ઠેબા (ઉ.વ. ૪૬) સાથે રાજેશ જીવણભાઇ ખાંટ (રહે. રાજકોટ) એ ગોંડલના ગુંદાસરા ગામે રૂદ્ર ઓટો ફોર્જીંગ નામથી ભાગીદારીમાં કંપની ખોલી લોન થતી નથી કહી પેઢી વેચીનાખી તેના નિકળતા રૂા. ૪૬ લાખ નહી આપી છેતરપીંડી કર્યાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

રમઝાનભાઇએ પોલીસ ફરીયાદમાં જણાવ્‍યું કે, ૧૯૯૮ થી રાજેશ ખાંટ ના ફોર્જીનના શાપર ખાતે આવેલ કારખાનામાં કામ કરતો હતો, પાંચેક વર્ષ પહેલા રાજેશ ખાંટ તથા નીલેશભાઈ ખાંટ સાથે ભાગીદારી માં ફોર્જીનનુ કારખાનુ રૂદ્ર ઓટો ફોર્જીંગ ના નામે બનાવવાનું નક્કી કરી ગુંદાસરા ગામ નજીક પ્‍લોટ ખરીદ કરેલ કારખાનાનું બાંધકામ ચાલુ કર્યુ હતું. આ બાંધકામ માટે લોન લેવાનુ નક્કી કરેલ હતું. પરંતુ પ્‍લોટ અમારા ત્રણેયના ભાગમાં હતો જેથી લોન થતી ન હોવાનું જણાવી રાજેશ ખાંટે તેની તેમજ તેમના ભાઈ નીલેશભાઈ ખાંટ નો હક્ક જતો કરી પેઢીનો ભાગીદારી ફેરફાર કરી રાજેશ ખાંટ તથા તેમની પત્‍ની ભાવનાબેનના નામ પર કરી આપેલ હતો. ત્‍યારબાદ લોન થઈ જતા કંપની ચાલુ થયેલ હતી. આ કંપનીમાં તેનુ રોકાણ ૪૨ લાખ રૂપીયા હતુ. કંપની ચાલુ હતી તે વખતે કંપનીના કામ માટે તેના નામે એક હેરીયર ગાડી ખરીદેલ હતી જેના હપ્તા જે તે સમયે કંપની ભરતી હતી.

થોડા વર્ષો કંપની ચલાવ્‍યા બાદ સને ૨૦૨૫ માં આ કંપની વેચવા કાઢી હતી. જે નંદાભાઈ અને વસંતભાઈને રૂ.૪ કરોડ ચાલીસ લાખ રૂપીયામા વેચાણ કરી નાખી હતી. કંપની વેચતા તેના ભાગમાં ૬૦ લાખ રૂપીયા લેવાના નીકળતા હતા, જે રૂપીયા રાજેશભાઇ ખાંટે આપેલ નહીં. જેથી તેને અવાર નવાર માંગણી કરતા ફેબ્રુઆરી ૨૦૨૬ મા સમાધાન થતા પોતાના પાસે રહેલ હેરીયર ગાડી આ રાજેશને આપી અને ૬૦ લાખ રૂપીયા આપવાનું નક્કી થયુ હતું. બાદ આ રાજેશે અત્‍યાર સુધીમા કૂલ ૧૪ લાખ રૂપીયા આપી બાકીના ૪૬ લાખ રૂપીયા ન આપી છેતરપીંડી કરી હતી.

(11:50 AM IST)