<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

રાજકોટમાં આવતીકાલે યોજાનાર સેમીનારમાં સુપ્રિમ કોર્ટ-હાઇકોર્ટના જસ્‍ટીસ કાનુની માર્ગદર્શન આપશે

સુપ્રિમ કોર્ટના પુર્વ ચીફ જસ્‍ટીસ ગવઇ-હાઇકોર્ટના જસ્‍ટીસ સુથાર, વોરા, નાણાવટીની પ્રેરક ઉપસ્‍થિતિઃ રાજકોટ બાર. એસો. આયોજીત લીગલ સેમીનારનું રજીસ્‍ટ્રેશન માત્ર બે જ દિવસમાં પુરૂ થઇ ગયું: દેશભરના સીનીયર વકીલો સાથે ન્‍યાયાધીશો દ્વારા પણ વિવિધ વિષયો ઉપર કાનુની માર્ગદર્શન આપશેઃ સેમીનારને સફળ બનાવવા રાજકોટ બાર. એસો.એ વકીલોની વિવિધ કમીટીઓ બનાવી

રાજકોટ, તા., રરઃ રાજકોટ ખાતે આવતીકાલે યોજાનાર નેશનલ લીગલ સેમિનારમાં સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના જજો ઉપસ્‍થિત રહેશે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્‍ડિયાના પૂર્વ ચીફ જસ્‍ટિસ ઓફ ઇન્‍ડિયા શ્રી ભૂષણ ગવઇ તથા ગુજરાત હાઇકોર્ટના જસ્‍ટિસ શ્રી સુથાર તેમજ જસ્‍ટિસ શ્રી આઇ.જે. વોરા, સુધીરભાઇ નાણાવટી સહિતના ન્‍યાયધીશો ઉપસ્‍થિત રહી વિવિધ વિષયો ઉપર કાનુની માર્ગદર્શન આપશે.

રાજકોટમાં કાલે રવિવારે વકીલો દ્વારા શ્રેષ્ઠ કાનૂની સેમિનારનું આયોજન બાર એસોસિએશન પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, એસ. કે. જાડેજા, જયેન્‍દ્ર ગોંડલીયા, પ્રગતિ માકડીયા, કેતન મંડ દ્વારા વકીલોને અલગ અતિ મહત્‍વના કાનૂની વિષયો ઉપર માર્ગદર્શન આપતો આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા બાર કાઉન્‍સિલ મેમ્‍બર દિલીપભાઈ પટેલ તથા પરેશ મારૂ સતત માર્ગદર્શન આપી રહેલ છે.

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ આત્‍મીય કોલેજમાં સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૬:૦૦ સુધી નેશનલ સેમિનારમાં ભાગ લેવા માટે ભારત સર્વોચ્‍ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્‍ડિયાના પૂર્વ ન્‍યાયાધીશ શ્રી ભૂષણ ગવાઇ આવનાર છે અને તેના દ્વારા પણ કાનૂની માર્ગદર્શન આપશે. હાઇકોર્ટના જસ્‍ટિસ શ્રી સુથાર રાજકોટના વકીલોને સેમિનારમાં જામીન અરજી અંગે મહત્‍વનું કાનૂની માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના સિનિયર જસ્‍ટીસ શ્રી ઈલીયશ વોરા પણ રાજકોટના મહત્‍વ કાનૂની શિબિરમાં પણ ઉપસ્‍થિત રહેશે.

ગુજરાતના જાણીતા સિનિયર કાઉન્‍સિલ અને જી.એલ.એસ. ના યુનિવર્સિટીના સુધીરભાઈ નાણાવટી તેમજ બાર કાઉન્‍સિલ ઇન્‍ડિયાના મેમ્‍બર સતીશ દેશમુખ, સુરેશ શ્રીમાળી, ભૂષણ બારીક, ડી. કે. શર્મા, પ્રશાંતસિંહ તથા બાર કાઉન્‍સિલ ગુજરાતના પૂર્વ ચેરમેન શ્રી જે. જે. પટેલ સહિતનાની આ રાજકોટમાં યોજાનાર અતિ મહત્‍વના સેમિનારમાં ઉપસ્‍થિત રહેવાની અનુમતિ આપેલ છે આ સેમિનારને સફળ બનાવવા કારોબારી સભ્‍યો સ્‍તવન મહેતા, ભાર્ગવ પંડ્‍યા, સંજય ડાંગર, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, કલ્‍પેશ સાકરીયા, દીપ વ્‍યાસ, નિશાબેન લુણાગરિયા, મીનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાધ્‍યાય, હિરલબેન જોષી, હસમુખ સાગઠીયા દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહેલ છે.

આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે અલગ અલગ કમિટીઓની રચના રાજકોટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે આ બાર એસોસિએશન સેમિનારમાં રાજકોટ બાર એસોસિએશન સાથે ખંભે થી ખંભા મિલાવી મહિલા બાર એસોસિએશન, રેવન્‍યુ બાર એસોસિએશન, નોટરી બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન, ક્‍લેમ બાર એસોસિએશન તથા અલગ અલગ સિનિયર વકીલો દ્વારા પણ સેમિનારોમાં યોગ્‍ય માર્ગદર્શન આપી રહેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સેમિનારની જાહેરાત થતા વકીલોનું ખુબ જ સમર્થન પ્રાપ્ત થયેલ અને માત્ર બે જ દિવસમાં સેમિનારમાં હાજરી આપવા માટેનું રજીસ્‍ટ્રેશન પુરૂ થઇ ગયું હતું.

આવતીકાલે આત્‍મીય કોલેજના હોલમાં યોજાનાર નેશનલ લીગલ સેમિનાર પૂર્વે વકીલો અને આયોજક રાજકોટ બાર એસો.ની ટીમમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહયો છે.

રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેષ પટેલ અને બી.સી.આઇ. મેમ્‍બર દિલીપભાઇ પટેલે વકીલોને સમયસર ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે.

(11:47 AM IST)