તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
શુધ્ધ પાણીના દાવા પોકળઃ છ માસમાં દુષિત પાણીની ૫૩૨૬ ફરિયાદોના વહેણ
૫૨૯૩ ફરિયાદોનો નિકાલ કર્યાનો મનપાનો દાવો, છતાં ૩૩ ફરિયાદો હજુ પેન્ડિંગઃ ઉનાળાથી ચોમાસા સુધી પાણીની ગુણવત્તાને લઈ નાગરિકોની રાવ :રાજકોટીયનોના સ્વાસ્થ્ય સાથે તંત્રના જ ચેડાં?

રાજકોટ, તા.૨૧: મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ દુષિત પાણી અંગે નોંધાતી ફરિયાદોના આંકડા ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. શહેરમાં છેલ્લા છ માસ દરમિયાન દુષિત પાણી અંગે કુલ ૫,૨૯૩ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. મનપાના તંત્રના જણાવ્યા મુજબ આ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે હાલ ૩૩ ફરિયાદો પેન્ડિંગ હોવાનું નોંધાયું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીમાં ગંદકી, દુર્ગંધ, ડહોળું પાણી તેમજ ગટર મિશ્રિત પાણી આવવા જેવી સમસ્યાઓને લઈને નાગરિકો દ્વારા મહાનગરપાલિકામાં સતત ફરિયાદો કરવામાં આવતી હોય છે. પાણી વિતરણની લાઇનમાં લીકેજ, જૂની અથવા ક્ષતિગ્રસ્ત પાઇપલાઇન, પાણી અને ડ્રેનેજ લાઇન નજીક હોવી તેમજ અન્ય ટેકનિકલ કારણોસર અમુક વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો અવારનવાર ઊઠે છે.
મનપાના સત્તાવાર આંકડા મુજબ માત્ર છ મહિનામાં જ દુષિત પાણીની ફરિયાદોનો આંક ૫,૨૯૩ સુધી પહોંચવો એ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા સામે સવાલ ઊભા કરે છે. સરેરાશ ગણવામાં આવે તો દર મહિને આશરે ૮૮૨ ફરિયાદો, એટલે કે દરરોજ લગભગ ૨૯ જેટલી ફરિયાદો દુષિત પાણી અંગે નોંધાઈ છે.
મહાનગરપાલિકાએ મોટાભાગની ફરિયાદોનો નિકાલ કર્યાનું દર્શાવ્યું છે, તેમ છતાં ૩૩ ફરિયાદો હજુ પેન્ડિંગ છે. માત્ર ફરિયાદનો નિકાલ દર્શાવવાને બદલે જે વિસ્તારોમાંથી વારંવાર દુષિત પાણીની ફરિયાદો આવે છે ત્યાં સમસ્યાનું મૂળ કારણ શોધી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ નાગરિકોમાંથી ઊઠી રહી છે.
પીવાનું પાણી સીધું લોકોના આરોગ્ય સાથે સંકળાયેલું હોવાથી દુષિત પાણીની ફરિયાદને સામાન્ય ફરિયાદ તરીકે નહીં પરંતુ ગંભીર જનઆરોગ્યના પ્રશ્ન તરીકે લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે. ખાસ કરીને એક જ વિસ્તારમાં વારંવાર ફરિયાદ નોંધાતી હોય તો પાણીની લાઇનની ચકાસણી, લીકેજનું સમારકામ અને જરૂર જણાય ત્યાં પાઇપલાઇન બદલવા સુધીની કામગીરી હાથ ધરવી જરૂરી બની છે.
એક તરફ મનપા દ્વારા શહેરમાં નિયમિત અને શુદ્ધ પાણી વિતરણના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ માત્ર છ માસમાં નોંધાયેલી ૫,૨૯૩ દુષિત પાણીની ફરિયાદો તંત્ર માટે ચિંતનનો વિષય બની છે.

(3:00 PM IST)










