<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ફરી ચર્ચાના ચકડોળે રેસિડેન્‍ટ ડો. ક્રિશા શીંગાળાને લાફો મારી ડો. રામાણીએ કહ્યું-અહિ તારા બાપનું રાજ નથીઃ હડતાળ રાતે જ સમેટાઇ

એક માજીની હાલત ગંભીર હોઇ વેન્‍ટીલેટરની જરૂર હોઇ તેમને ઇમર્જન્‍સીમાં દાખલ કરવાનું કહેતાં ડો. રામાણી એકદમ ઉકળી ગયા અગાઉ પણ ડો. ક્રિશા શીંગાળાએ ડો. અશ્વીન રામાણી વિરૂધ્‍ધ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ મારફત આરએમઓને અરજી આપી હતી, કાર્યવાહી ન થતાં ફરી આવો બનાવ બન્‍યોઃ એફઆઇઆરમાં જણાવાઇ વિગતો

રાજકોટ તા. ૨૧: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં વધુ એક વખત માથાકુટ થઇ હતી. મોટે ભાગે તબિબો સાથે દર્દીના સગાને ડખ્‍ખા થતાં હોય છે. પરંતુ આ વખતે ઇમર્જન્‍સી વિભાગમાં ફરજ બજાવતાં મહિલા રેસીડેન્‍ટ તબિબ સાથે આ વોર્ડના જ મેડિકલ ઓફિસર-સિનીયર તબીબે એક વૃધ્‍ધાને ઇમર્જન્‍સી વોર્ડમાં દાખલ કરવા જેવી વાતે લાફો મારી દઇ ગાળો દઇ એલફેલ બોલતાં આ મામલે મેડિકલ ઓફિસર સામે ગુનો દાખલ કરાવાયો છે. ઘટનાને પગલે સાંજે રેસિડેન્‍ટ તબિબો થોડો સમય માટે હડતાલ પર બેસી ગયા હતાં. પરંતુ તત્‍કાળ કાર્યવાહીની ખાતરી હોસ્‍પિટલ તંત્રવાહકો તરફથી મળતાં હડતાલ સમેટી ફરીથી ફરજ પર લાગી ગયા હતાં.

આ બનાવને પગલે ઉહાપોહ મચી જતા રેસિડેન્‍ટ ડોક્‍ટર્સ એકઠા થઇ ઇમરજન્‍સી બહાર કેમ્‍પસમાં જ ધરણા પર બેસી મેડિકલ ઓફિસર વિરૂધ્‍ધ આકરી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ડોક્‍ટર્સની તત્‍કાલ હડતાલને લઈને દર્દીઓ પણ મુસીબતમાં મુકાયા હતા. બનાવની ગંભીરતાને ધ્‍યાને લઈ તબિબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા અને મેડિકલ કોલેજના ડીન ડો.પંકજ બુચ સહિતના પહોંચ્‍યા હતાં. તેઓની સમજાવટ બાદ રેસિડેન્‍ટ ડોક્‍ટરોએ હડતાલ સમેટી હતી. આજે સવારે આ ઘટના મામલે બેઠક શરૂ કરવામાં આવી હતી. જેમાં રીપોર્ટ તૈયાર કરી ઉપર મોકલાશે અને આગળ કાર્યવાહી થશે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે કાલાવડ રોડ નાલંદા સોસાયટી-૬માં અમૃતમાન ખાતે રહેતાં અને સિવિલ હોસ્‍પિટલમાં રેસીડેન્‍ટ ડોક્‍ટર તરીકે ફરજ બજાવતાં ડો.ક્રિશાબેન નિલેશકુમાર શીંગાળા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી સિનીયર ડો. અશ્વીનભાઇ વિઠ્ઠલભાઇ રામાણી વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ક્રિશાબેન શીંગાળાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સિવિલ હોસ્‍પિટલમાં રેસિડેન્‍ટ ડોક્‍ટર તરીકે ફરજ બજાવુ છું. ગુરૂવારે ૨૦મીથી તા. ૨૧ના સાડા આઠ સુધી એટલે કે ચોવીસ કલાકની શીફટમાં હું નોકરી પર હતી. આ દરમિયાન ગુરૂવારે સાંજે સાડા સાતેક વાગ્‍યે  એક મોટી ઉમરના માજી સારવાર માટે આવેલ હતાં. જે માજીની હાલત ગંભીર હોઇ તેમજ તેમને વેન્‍ટીલેટર પર રાખવા જરૂરી હોઇ જેથી મેં અમારી સાથે ઇમર્જન્‍સી વોર્ડમાં ફરજ પર રહેલા ડો. અશ્વીન રામાણીને જણાવેલ કે આ માજીને ઇમર્જન્‍સી વોર્ડમાં રાખવા જરૂરી છે.

પરંતુ ડો. રામાણીએ મારી વાત પર કોઇ ધ્‍યાન આપ્‍યા વગર માજીને જનરલ વોર્ડમાં સારવાર આપવાનું જણાવ્‍યું હતું. જેથી મેં રામાણી સાહેબને ફરીથી રજૂઆત કરી હતી, આ કારણે તેને સારુ ન લાગતાં તેણે અચાનક ઉગ્ર થઇને મને જેમ ફાવે તેમ બોલાચાલી કરી ગાળો આપી લાફો મારી લીધો હતો. તેમજ કહ્યું હતું કે-અહિ તારા બાપનું રાજ નથી, હું તને જોઇ લઇશ. આ દરમિયાન સિક્‍યુરીટી સ્‍ટાફ આવી જતાં તે રામાણી સાહેબને અંદર રૂમમાં લઇ ગયા હતાં. આ બનાવ ઇમર્જન્‍સી રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો છે.

ડો. ક્રિશા શીંગાળાએ ફરિયાદમાં વધુમાં જણાવ્‍યું છે કે મેં અગાઉ ૧/૭ના રોજ સિવિલ હોસ્‍પિટલના સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ મારફત આરએમઓ સાહેબને લેખીત અરજી આપી હતી. પરંતુ તે અરજી બાબતે કોઇ કાર્યવાહી થયેલ ન હોઇ ફરીવાર આ બનાવ બન્‍યો હોઇ જેથી મારે ફરિયાદ કરવી પડી છે. પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં હેડકોન્‍સ. કે. એન. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં સિનિયર અને જુનિયર ડોક્‍ટર વચ્‍ચે થયેલી આ બબાલની ઘટના સોશિયલ મિડીયામાં ભારે વાયરલ થઇ જતાં તબિબી આલમમાં ચર્ચા જાગી છે. આ બનાવમાં ડો. રામાણીએ પણ પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે એક મોટી ઉંમરના માજી હતા. તેમની સ્‍થિતિ બહુ ખરાબ હતી. બીપી ઘટી ગયું હતું એટલે મેં એમને દાખલ કર્યા. ૫૬ ફર્સ્‍ટ યરના રેસિડન્‍ટ ડોક્‍ટરેની ફાઇલ બાબતે દર્દીના સગાએ મને ફરિયાદ કરતાં આ બાબતે મેં તેમને કડક શબ્‍દોમાં કહેતાં બોલાચાલી થઇ હતી. જો કે ઘટનામાં ખરેખર શું બન્‍યું? તેની તપાસ પોલીસ અને તબિબોની કમિટી કરશે. માથાકુટ કેવી હતી  તે વાયરલ વિડીયોમાં જોવા મળતુ હતું.

(2:24 PM IST)