તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
સાવત્થી તીર્થધામે ૨૭ મીએ આસ્થાનો મહાસંગમઃ ૨૮ સમર્પિત ગુરુભક્તો દ્વારા ભવ્ય ગુરૂજન્મોત્સવની ઉજવણી
૧૯૭૭થી અવિરત ચાલી આવતી ગુરુભક્તિની પરંપરાનું ૪૯મું સોપાનઃ બપોરે શ્રી મણિભદ્રવીર મહાપૂજન, સાંજે ૧૦૮ દીવાની મહાઆરતી : તપાગચ્છાચાર્ય પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જિનચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં સાવત્થી તીર્થધામે દિવસભર ધાર્મિક અનુષ્ઠાનોનો ધમધમાટ

રાજકોટઃ ‘અનંત કળપાના અવતરણનો આનંદોત્સવ' અંતર્ગત ગુરુભક્તિથી ભીંજાયેલા ઉદારચરિત અને ગુરુસમર્પિત ૨૮ ગુરુભક્તો દ્વારા ગુરુજન્મોત્સવનું ભવ્ય આયોજન વિક્રમ સંવત ૨૦૮૨ના શ્રાવણ સુદ-૧૪, ગુરુવાર તા. ૨૭ ના રોજ સાવત્થી તીર્થધામ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તપાગચ્છીય અધિષ્ઠાયક દેવ શ્રી મણિભદ્રવીર મહાપૂજન સહિત અનેક ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે.
તપાગચ્છાચાર્ય પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જિનચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિપ્રવર શ્રી અજિતચંદ્રવિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થંકરવિજયજી મહારાજ સાહેબ આદિ મુનિભગવંતોની પાવન નિશ્રામાં આ મહોત્સવ યોજાશે. પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનસૂરિશ્વરજી મહારાજ સાહેબની ગુરુપરંપરાની ભાવધારાને આગળ ધપાવતા આ કાર્યક્રમને લઈને ગુરુભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આયોજકો દ્વારા જણાવાયા મુજબ સવારે ૮ વાગ્યાથી ગુરુજન્મોત્સવની પાવન વેળાનો પ્રારંભ થશે. સવારે આશરે ૮.૩૦ વાગ્યે વાદ્યવળંદના મધુર નાદ, ત્યારબાદ સવારે ૯ વાગ્યે ઉપરના પ્રવચન હોલમાં ગુરુજન્મોત્સવનો વિધિવત્ શુભારંભ થશે. પૂજ્ય ગુરુદેવનું મનનીય પ્રવચન તથા ભક્તિભાવસભર ઉદબોધન યોજાશે.
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભક્તો દ્વારા ગુરુપૂજન અને આશીર્વાદ ગ્રહણ, ત્યારબાદ વિશિષ્ટ સંઘપૂજન દ્વારા સંઘભક્તિ કરવામાં આવશે. બપોરે ૧૨થી ૨ વાગ્યા દરમિયાન ભોજનભક્તિનું આયોજન કરાયું છે.
બપોરે ૨ વાગ્યે પ્રવચન હોલમાં શ્રી મણિભદ્રવીર મહાપૂજનનો મંગલ શુભારંભ થશે. સાંજે ૫ વાગ્યે ૧૦૮ દીવાની આરતી સહિત મંગલવિધિ યોજાશે. કાર્યક્રમમાં પધારવા માટે ભાવિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.
આ મહોત્સવનું આયોજન શ્રી સંભવનાથ જિન મંદિર ટ્રસ્ટ, સાવત્થી તીર્થધામ તથા વિજય ભુવનસૂરિશ્વરજી જૈન જ્ઞાન મંદિર પોષધશાળા ટ્રસ્ટ, વાસણા-અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી મંડળ, ભક્તગણ તેમજ સાવલી પરિવાર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
૧૯૭૭થી અવિરત ગુરુજન્મોત્સવની ગૌરવગાથા
પૂજ્ય ગુરુદેવશ્રી વર્ષ ૧૯૭૭માં અમદાવાદ પધાર્યા ત્યારથી દર વર્ષે શ્રાવણ સુદ-૧૪ના પાવન દિવસે ગુરુજન્મોત્સવ ઉજવવાની પરંપરા ચાલી રહી છે. આ વર્ષે ૪૯મો ગુરુજન્મોત્સવ ઉજવવાનો અવસર પ્રાપ્ત થયો છે.
વર્ષો દરમિયાન ગુરુજન્મોત્સવ પ્રસંગે વિશિષ્ટ સંઘપૂજનની અનેક યાદગાર પરંપરાઓ સર્જાઈ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના ૭૫મા જન્મોત્સવ પ્રસંગે અંદાજે પાંચથી છ હજાર ભાવિકોની વિશાળ ઉપસ્થિતિમાં વિશિષ્ટ સંઘપૂજન યોજાયું હતું. વર્ષ ૨૦૨૫માં અમદાવાદના વાસણા સ્થિત જૈન જ્ઞાન મંદિર ખાતે ૧૨૦૦થી વધુ ભક્તજનોને વ્યક્તિદીઠ એક ગ્રામ પ્લેટિનમની ગીની દ્વારા સંઘપૂજન કરાવવાનો અવિસ્મરણીય પ્રસંગ પણ સર્જાયો હતો. આ વર્ષે પણ ગુરુભક્તો ભક્તિ અને ભાવનાના અનોખા સમન્વય સાથે મહોત્સવ ઉજવવા આતુર બન્યા છે.
ગુરુજન્મોત્સવનો દિવસભરનો મંગલમય કાર્યક્રમ
સવારે ૮.૩૦ વાગ્યે - વાદ્યવળંદના મધુર નાદ સાથે વાતાવરણ ગુરુમય બનશે. સવારે ૯ વાગ્યે - પ્રવચન હોલમાં ગુરુજન્મોત્સવનો શુભારંભ. ત્યારબાદ - પૂજ્ય ગુરુદેવનું મનનીય પ્રવચન અને ભક્તિભાવસભર ઉદ્વોધન. ગુરુપૂજન - વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગુરુપૂજન અને આશીર્વાદ ગ્રહણ. વિશિષ્ટ સંઘપૂજન - ભક્તિપૂર્વક સંઘભક્તિ. બપોરે ૧૨થી ૨ - ભોજનભક્તિ. બપોરે ૨ વાગ્યે - શ્રી મણિભદ્રવીર મહાપૂજનનો મંગલ પ્રારંભ. સાંજે ૫ વાગ્યે - ૧૦૮ દીવાની આરતી અને મંગલવિધિ. આયોજકોએ ખાસ જણાવ્યું છે કે ગુરુજન્મોત્સવમાં પ્રવેશ માટે પ્રવેશપત્ર જરૂરી રહેશે અને પ્રવેશપત્ર વિના પ્રવેશ આપવામાં આવશે નહીં.
પર્યુષણ મહાપર્વ માટે પણ ભાવભર્યું આમંત્રણ
સાવલી તીર્થધામ ખાતે આગામી પર્યુષણ મહાપર્વની આરાધના માટે પણ સર્વ ગુરુભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મંગળવાર તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૬થી પર્યુષણ પર્વનો શુભારંભ થશે.
શનિવાર તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વીર જન્મોત્સવ ભારે ભક્તિભાવ અને ઠાઠમાઠથી ઉજવાશે અને તેમાં ચૌદ સ્વપ્ન દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ મંગળવાર તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સંવત્સરી મહાપર્વની વિશેષ આરાધના યોજાશે.
સાવલી તીર્થધામ અને ગુરુભક્ત પરિવારે ગુરુજન્મોત્સવ તથા પર્યુષણના આ પાવન પ્રસંગોમાં શ્રદ્ધાળુઓને સહભાગી બની પુણ્યલાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે
(4:10 PM IST)










