તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
મોરબીના મેયર સહિત છ કોર્પોરેટરો સામાન્ય સભામાં
મોટા મહાનગરનો અભ્યાસ કરતી નવા મહાનગરની ટીમ : મોરબીના મેયર ઉતમ સુરાણી સહિતના પદાધિકારીઓએ રાજકોટના જનરલ બોર્ડની કામગીરીનું કર્યું પ્રત્યક્ષ નિરીક્ષણઃ પ્રશ્નોત્તરી કેવી રીતે ચાલે, સભ્યો પ્રશ્નો-પેટા પ્રશ્નો કેવી રીતે પૂછે અને અધિકારીઓ જવાબ કેવી રીતે આપે તેનો મેળવ્યો અનુભવ

રાજકોટઃ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ નવી મહાનગરપાલિકાની કામગીરીને વધુ સુવ્યવસ્થિત રીતે આગળ ધપાવવા માટે મોરબીના પદાધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિનો પ્રત્યક્ષ અભ્યાસ કરી રહ્યા છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકની કામગીરી નિહાળવા મોરબીના મેયર સહિત છ કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓએ રાજકોટના જનરલ બોર્ડમાં સભ્યો દ્વારા પ્રશ્નો કેવી રીતે રજૂ કરવામાં આવે છે, મૂળ પ્રશ્ન સાથે પેટા પ્રશ્નો કઈ રીતે પૂછવામાં આવે છે તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રશ્નોના વિસ્તળત જવાબ અને જરૂરી વિગતો કેવી રીતે બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
નવી રચાયેલી મોરબી મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની કામગીરી, પ્રશ્નોત્તરીની પદ્ધતિ, સભ્યો અને અધિકારીઓ વચ્ચેનો સંકલન તેમજ બોર્ડની કાર્યવાહી કઈ રીતે આગળ વધારવામાં આવે છે તે સમજવા માટે રાજકોટ મનપાની કામગીરીનો આ પ્રત્યક્ષ અભ્યાસ મહત્વપૂર્ણ બન્યો હતો.
એટલું જ નહીં, ગઈકાલે યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની કામગીરીનો અભ્યાસ કરવા મોરબીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તોની પ્રક્રિયા, વહીવટી કામગીરી અને વિવિધ વિભાગોની કાર્યપદ્ધતિ અંગે સંબંધિત પદાધિકારીઓ તથા અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી.
આમ, નવી મહાનગરપાલિકા તરીકે કામગીરી શરૂ કરનાર મોરબીના પદાધિકારીઓએ રાજકોટ મહાનગર પાલિકાની જનરલ બોર્ડથી લઈને સ્ટેન્ડિંગ કમિટી સુધીની કાર્યપદ્ધતિનો પ્રત્યક્ષ અભ્યાસ કરી શહેરી વહીવટની વિવિધ પ્રક્રિયાઓ અંગે જાણકારી મેળવી હતી.(તસવીરઃ અશોક બગથરીયા)
(3:35 PM IST)










