News of Thursday, 20th August 2026
શિવમય બનશે રાજકોટ... શ્રી કામનાથ મહાદેવનો ૭૭મો પાટોત્સવ
શનિવારે ઢોલના નાદ, શરણાઇના સૂર, ડમરુ વાદનની ભક્તિ અને ભવ્ય ઝાંખીઓ સાથે નીકળશે કામનાથ મહાદેવની વરણાંગી : શ્રદ્ધા, પરંપરા અને શિવભક્તિનો અનોખો સંગમ એટલે શ્રી કામનાથ મહાદેવનો પાટોત્સવ

રાજકોટ : આશરે ૧૪૭ વર્ષ જૂના આ પવિત્ર ધામનો ૭૭મો પાટોત્સવ તા. રર ઓગષ્ટ, શનિવારે ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવાશે. સવારે મહાદેવને લઘુરુદ્રાભિષેક, ષોડશોપચાર પૂજન અને વિશેષ ધાર્મિક વિધિઓ અર્પણ થશે, તો બપોર પછી આખું રાજકોટ ‘‘હર હર મહાદેવ''ના નાદથી ગુંજી ઉઠશે. બપોરે ર વાગ્યે શ્રી કામનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય વરણાંગી પ્રસ્થાન કરશે. પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, આશાપુરા મંદિર અને કોઠારિયાનાકા થઇ વરણાંગી ફરી મંદિર પરત ફરશે. આ વરણાંગી માત્ર શોભા યાત્રા નહીં, પરંતુ ભક્તિ, લોકકલા અને સંસ્કૃતિનો જીવંત ઉત્સવ બની રહેશે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જામખંભાળિયાનું આંબાવાડી કલાવૃંદ, પ્રખ્યાત ડમરુવાદન, પ્રખ્યાત અઘોરી ગૃપ, નાસિક ઢોલ, ગડુના શરણાઇ વાદકો, રાસ-ગરબા મંડળીઓ, લોક કલાકારો અને વિશિષ્ટ વિષય આધારિત ઝાંખીઓ વરણાંગીને અનોખી રંગત આપશે. ઢોલના ધબકાર સાથે ભક્તિ ધબકશે, શરણાઇના સૂરમાં શ્રદ્ધા વહેશે, કામનાથ મહાદેવના જયઘોષથી રાજકોટ શિવ શંભુમય બનશે.
શ્રી કામનાથ મહાદેવની સેવા અને પાટોત્સવની પરંપરાને વર્ષોથી કક્કડ પરિવાર અખંડ શ્રદ્ધા સાથે આગળ ધપાવી રહ્યો છે. સ્વ. વિઠ્ઠલજીભાઇ કક્કડનું ભક્તિમય જીવન - ધાબળો ઓઢીને, એક પગે ઉભા રહી ભોળાનાથનું ધ્યાન ધરતા, સ્વ. વિઠ્ઠલજીભાઇની અદમ્ય શિવભક્તિથી પ્રેરાયેલો આ સેવાયજ્ઞ આજે શ્રી પ્રિયવદનભાઇ શાંતિલાલ કક્કડ, અવધભાઇ પ્રિયવદનભાઇ કક્કડ અને સમગ્ર કક્કડ પરિવારના પ્રયાસોથી વધુ ઉજ્જવળ બની રહ્યાનું જણાવાયું છે. શિવભક્તોને લાભ લેવા શ્રી કામનાથ મહાદેવ મંદિર, કક્કડ પરિવાર તરફથી સૌ નગરજનોને આમંત્રણ અપાયું છે. વધુ માહિતી માટે કેતનભાઇ દવે-મો. ૯૮૯૮૦૪પ૭૩૦નો સંપર્ક કરી શકાય છે.
(2:44 PM IST)










