News of Wednesday, 19th August 2026
રેલનગરના સંતોષીનગરમાં ૨૩ વર્ષિય ચેતલબેન બાંભવાનો ફાંસો ખાઇ આપઘાત
તાવ આવતો હોઇ માતાએ ફેક્ટરીમાં નોકરીએ જવાની ના પાડતાં ઘરે રોકાઇ ગયા પછી પગલુ ભરી લીધું: પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૯: આપઘાતના વધુ એક બનાવમાં રેલનગર સંતોષીનગરમાં રહેતી ૨૩ વર્ષની યુવતિએ ગળાફાંસો ખાઇ લીધો છે. પોતે વેફર્સ કંપનીમાં નોકરી કરતી હોઇ હાલમાં તેણીને તાવ આવતો હોઇ માતાએ નોકરીએ જવાની ના પાડતાં ઘરે રોકાઇ ગઇ હતી અને બાદમાં આ પગલુ ભરી લીધુ હતું.
જાણવા મળ્યા મુજબ રેલનગર મેઇન રોડ એકે બેકરી પાછળ સંતોષીનગર શેરી નં. ૩માં રહેતી ચેતલબેન સોંડાભાઇ બાંભવા (ઉ.વ.૨૩) નામની યુવતિએ સવારે ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેનો ભાઇ કાનાભાઇ બાંભવા જોઇ જતાં બેભાન હાલતમાં તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મોત થયું હતું. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર ચેતલબેન ત્રણ બહેન અને એક ભાઇમાં બીજી હતી. તેના પિતા હયાત નથી. ભાઇને ચાની હોટલ છે. તેણી બાલાજી વેફર્સમાં નોકરી કરતી હતી. બે દિવસથી તાવ આવતો હોઇ આજે પણ તે નોકરીએ જવાની તૈયારી કરતી હતી. પણ માતાએ તેને નોકરીએ જવાની ના પાડતાં ઘરે રોકાઇ ગઇ હતી. આ પછી તેણીએ અચાનક ગળાફાંસો ખાઇ લીધો હતો. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
(4:06 PM IST)










