તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
વોર્ડ નં.૧૮માં સ્ટ્રોમ વોટર લાઇન માટે રૂ.૨.૮૧ કરોડ મંજૂર
ઓમ રેસિડેન્સી થી કોઠારિયા મેઇન રોડ સુધી પાઇપલાઇન નંખાશે : ૮ હજારથી વધુ લોકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે

રાજકોટ, તા.૧૯: શહેરના વોર્ડ નં.૧૮માં ચોમાસા દરમિયાન સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ઓમ રેસિડેન્સીથી કોઠારિયા મેઇન રોડ સુધીના ૨૪ મીટર રોડ પર સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવાના કામને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ કામગીરી માટે રૂ.૨.૮૧ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
આ કામ માટે મહાનગરપાલિકા દ્વારા રૂ.૩.૮૦ કરોડના અંદાજ સાથે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ટેન્ડર પ્રક્રિયામાં કુલ સાત એજન્સીઓએ ઓફર કરી હતી, જેમાંથી પાંચ એજન્સીઓ ક્વોલિફાઇ થઈ હતી. KSD કન્સ્ટ્રક્શન દ્વારા અંદાજિત ખર્ચ કરતાં ૨૬.૨૦ ટકા ઓછા ભાવે રૂ.૨.૮૧ કરોડમાં કામગીરી કરવાની ઓફર કરવામાં આવતા તેને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવાયો છે.
સ્ટ્રોમ વોટર પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ ઢેબર રોડ તરફથી રેલવે લાઇન નજીકના ઓમ રેસિડેન્સી, નારાયણનગર, મચ્છોનગર, શીતળાધાર, સોલવન્ટ વિસ્તાર, ગોકુલ મથુરા, સીતારામ સોસાયટી, બિલેશ્વર સોસાયટી, ગોપાલનગર, હરિદ્વાર-૧ અને હરિદ્વાર-૨, શિવમ સોસાયટી તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડના ટેનામેન્ટ સહિતના વિસ્તારોને લાભ મળશે. આ વિસ્તારોમાં વસવાટ કરતા ૮ હજારથી વધુ લોકોને ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી મોટી રાહત મળવાની અપેક્ષા છે.
(4:05 PM IST)










