<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ગણપતિ દાદાના ‘વાહન' ઉંદરોને મારશો તો આંદોલનના મંડાણઃ રાજકોટ મનપાને કોંગ્રેસની કોર્ટ સુધી જવાની ચીમકી

ગાય, વાંદરા અને શ્વાન બાદ હવે ઉંદરો સામે કાર્યવાહી શા માટે? રણજીત મુંધવા-વરેશ ભારાઈનો સવાલઃ ધાર્મિક લાગણી દુભાશે તો ચૂપ નહીં બેસીએ

રાજકોટઃ રાજકોટના રેસકોર્સ મેદાનમાં ઉંદરોના દરમાં ઝેરી દવા કે રસાયણ નાખીને તેમને ખતમ કરવાની સંભવિત કાર્યવાહી સામે શહેર કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો છે. કોંગ્રેસના અગ્રણી શ્રી રણજીત મુંધવા (મો.૯૩૭૪૧ ૨૪૩૩૫) અને શ્રી વરેશ ભારાઈએ જણાવ્‍યું છે કે ગણપતિ દાદાના વાહન તરીકે પૂજાતા ઉંદરોને મારવાની કાર્યવાહી કરવામાં આવશે તો કોંગ્રેસ કાયદેસરની લડત સાથે જરૂર પડ્‍યે જનઆંદોલન કરશે અને સમગ્ર મામલો અદાલત સુધી લઈ જશે.

કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે એક તરફ ભાજપ હિન્‍દુત્‍વના નામે મત માગે છે અને બીજી તરફ ભગવાન શ્રીકળષ્‍ણ સાથે જોડાયેલી ગાયો, હનુમાનજી સાથે જોડાયેલા વાંદરા અને કાળભૈરવજી સાથે જોડાયેલા શ્વાનો અંગે કાર્યવાહી બાદ હવે ગણપતિ દાદાના વાહન ગણાતા ઉંદરો સામે ઘાતક કાર્યવાહી કરવાની વાત થઈ રહી છે.

કોંગ્રેસ આગેવાનોએ સવાલ કર્યો છે કે રેસકોર્સ મેદાનમાં ઉંદરોના દરને કારણે સામાન્‍ય નાગરિકોને ગંભીર મુશ્‍કેલી પડી હોય તેવા કિસ્‍સાઓ સામે આવ્‍યા ન હોય તો ઉંદરોને મારી નાખવા સુધીની કાર્યવાહી શા માટે કરવી જોઈએ? જીવહિંસા ટાળી શકાય તેવી વૈકલ્‍પિક પદ્ધતિ અપનાવવા અંગે મનપાએ વિચાર કરવો જોઈએ.

રણજીતભાઈ અને વરેશભાઈએ વધુમાં જણાવ્‍યું કે કોઈ પણ જીવ સામે કાર્યવાહી કરતાં પહેલાં લાગુ પડતા કાયદા, નિયમો અને જરૂરી પરવાનગીઓનું પાલન થયું છે કે નહીં તેની રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર સ્‍પષ્ટતા કરવી જોઈએ.

કોંગ્રેસે ચેતવણી આપી છે કે ગણેશોત્‍સવ નજીક છે ત્‍યારે ગણપતિ દાદાના વાહન તરીકે ધાર્મિક આસ્‍થા સાથે જોડાયેલા એક પણ ઉંદરના દરમાં ઝેરી પેસ્‍ટ, દવા કે રસાયણ નાખીને મારવાનો પ્રયાસ થશે તો કોંગ્રેસ ચૂપ નહીં બેસે. કાયદાકીય કાર્યવાહી સાથે જરૂર જણાય તો વધુ ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે.

કોંગ્રેસ આગેવાનોએ વન્‍યજીવ કાયદાની જોગવાઈઓનો ઉલ્લેખ કરીને મનપાને કાયદાકીય પરિણામો અંગે પણ ચેતવણી  આપતા જણાવ્‍યું કે ભાજપના શાસકોએ આ બાબત ગંભીરતાથી ધ્‍યાનમાં લેવી જોઈએ કે પ્રજાની ધાર્મિક લાગણીઓ સાથે કોઈપણ પ્રકારનો ખેલ કોંગ્રેસ સહન કરશે નહી. નહીંતર કલમ નંબર ૯/૩૯ વન્‍યજીવને મારછ નાખવાની અને કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે. જેની સજા ૧૦ વર્ષની છે અને બે થી પાંચ લાખનો દંડ હોય તંત્રએ ધ્‍યાન રાખવા અંતમા જણાવાયું છે.

(3:42 PM IST)