તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
ગુજરાતમાં ચોમાસા પર 'બ્રેક' : રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત : માત્ર છૂટાછવાયા ઝાપટાં પડે તેવી સંભાવના
ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ૩૦ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર વચ્ચે વરસાદી માહોલ જામવાના એંધાણ : હવામાન નિષ્ણાત ગૌરવ રાણિંગાનું આગાહીત્મક પૃથ્થકરણ

રાજકોટ : ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે સમગ્ર રાજ્યમાં ચોમાસું વિરામ તરફ આગળ વધ્યું હોય તેવી 'બ્રેક મોન્સૂન' સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન નિષ્ણાત ગૌરવ રાણિંગાના ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ના અપડેટ અનુસાર, ચોમાસાની ધરી હિમાલયની તળેટી તરફ ખસી ગઈ છે, જેને પગલે ઝારખંડ અને આસપાસના વિસ્તારો ઉપર રહેલી ડિપ્રેશન સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી નથી. આ ઉપરાંત, વાતાવરણમાં મિડ લેવલ (૭૦૦ hpa ઊંચાઈ) પર પાકિસ્તાન તરફથી આવી રહેલા સૂકા પવનો ગુજરાત પર ફૂંકાઈ રહ્યા છે. પરિણામે હાલ ચોમાસું દેશના ઉત્તર-પૂર્વ ભાગોમાં વધુ સક્રિય છે, જ્યારે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં વરસાદી ગતિવિધિઓ મંદ પડી ગઈ છે.
આગામી દિવસોમાં ઝાપટાં પડશે પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી:
હવામાન પૃથ્થકરણ મુજબ, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં કોઈ મોટો વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતા નથી. જોકે, વિવિધ વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાં પડવાનું ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં ૨૦, ૨૧ અને ૨૨ ઓગસ્ટ દરમિયાન ઝાપટાં વાળા વિસ્તારોમાં થોડો વધારો જોવા મળી શકે છે, પરંતુ આ વરસાદ અત્યંત છૂટોછવાયો રહેશે. દક્ષિણ ગુજરાતમાં આ તારીખો દરમિયાન હળવા-ભારે ઝાપટાં અને છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં ૨૨ ઓગસ્ટ સુધી ખૂબ જ સીમિત સ્થળો પર ઝાપટાં પડવાની શક્યતા છે.
ઓગસ્ટના અંતમાં વરસાદનો નવો રાઉન્ડ અને ચોમાસાની વિદાય અંગેનું આગોતરું એંધાણ:
લાંબા ગાળાના અંદાજ મુજબ, ૨૭ ઓગસ્ટ સુધી ગુજરાત પર કોઈ મોટી સિસ્ટમ સક્રિય થાય તેમ લાગતું નથી. પરંતુ ઓગસ્ટના છેલ્લા દિવસોમાં બંગાળની ખાડીમાં એક લૉ પ્રેશર સિસ્ટમ આકાર લઈ શકે છે. જેની અસરરૂપે ૩૦ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં હવામાનમાં સાનુકૂળ સુધારો આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે. જોકે આ લાંબા ગાળાનું એંધાણ હોવાથી વરસાદની માત્રા અને ચોક્કસ વિસ્તારો અંગે આગળ જતા જ સ્પષ્ટતા થશે.
બીજી તરફ, ચોમાસાની વહેલી વિદાય અંગે ચાલી રહેલી વાતો વચ્ચે હાલના આંકડા દર્શાવે છે કે ૧૫ સપ્ટેમ્બર પહેલાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની અધિકૃત વિદાય ૨૫ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર વચ્ચે થતી હોય છે.
(નોંધ: આ તમામ માહિતી વર્તમાન વેધર ચાર્ટના આધારે છે, જેમાં કુદરતી ફેરફારો શક્ય છે. વ્યાવસાયિક અને ખેતીવિષયક કાર્યો માટે હવામાન વિભાગની સત્તાવાર માહિતી ધ્યાને લેવી)
(3:14 PM IST)










