તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
વોર્ડ નં. ૧૪ માં વૃક્ષ છેદન અને વોંકળા ઉપર બાંધકામના વિરોધમાં કાલે ધરણા
કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, વાણિયાવાડી વિકાસ મંડળ, માસ્તર સોસાયટીના પર્યાવરણ પ્રેમીઓ જોડાશે

રાજકોટ તા. ૧૮ : મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૪માં વૃક્ષોનું છેદન કરી વોંકળા ઉપર બાંધકામની પેરવી સામે આ વિસ્તારના લોકો દ્વારા કાલે તા. ૧૯ના સાંજે પ.૩૦ વાગ્યાથી સ્થળ ઉપર ધરણા કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે કોઠારીયા કોલોની અને વાણીયાવાડી વચ્ચેના વોંકળા ઉપર ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના નવનિર્માણનો પ્રોજેકટ જે સ્થળે હાથ ધરાયો છે તે સ્થળે લતાવાસીઓ દ્વારા પાંચેક દાયકાથી નાના મોટો ૭૫થી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આ વૃક્ષોનું નિકંદન કાઢવાની મનપાની પેરવી અને વોંકળા ઉપર બે માળનું બિલ્ડીંગ બનાવવાની મેલી મુરાદ સામે સ્થાનિકોમાં રોષની લાગણી પ્રસરી છે.
આ વિસ્તારના કોઠારીયા કોલોની મહિલા મંડળના બહેનો દ્વારા થાળી વગાડીને વિરાધ નોંધાવાયો હતો. મ્યુ. કમિશ્નર સહિતના અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે. કોઇપણ કાળે આ પ્રોજેકટ બંધ રાખવા માંગ ઉઠાવવામાં આવી છે.
આ વોર્ડમાં જયાં કોમ્યુનીટી હોલનો પ્રોજેકટ હાથ પર લેવાયો છે તેનાથી ફકત અડધો કિ.મી.ના અંતરે જ વોર્ડ નં. ૧૭માં સૌથી મોટો રણછોડદાસજીબાપુ કોમ્યુનીટી હોલ આવેલો છે. તેમ છતા આ વિસ્તારમાં વોંકળા પર બાંધકામ કરવાની બળજબરી શામાટે? તેવો સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.
આ પ્રોજેકટના વિરોધમાં કાલે તા. ૧૯ના સાંજે પ.૩૦ થી ૭ નટેશ્વરધામની સામે સ્થળ પર ધરણા કાર્યક્રમ યોજાશે. જેને કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, વાણિયાવાડી વિકાસ મંડળ, માસ્તર સોસાયટીના લોકોએ ટેકો જાહેર કર્યો છે. જો આ પ્રોજેકટ પાછો નહીં ખેંચાય તો વધુ આંદોલનાત્મક કાર્યક્રમોની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગજેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઇ આસવાણી, પ્રવિણભાઇ લાખાણી, નટુભા ઝાલા, જયંતિભાઇ હિરપરા, હબીબભાઇ કટારીયા, આસીફભાઇ શેખ, જીતુભાઇ ઠાકર, એડવોકેટ ઇન્દુભા રાઓલ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:35 PM IST)










