તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
મીત અને હર્ષિત ગોલ્ડ લોનના નામે ભાવનાબેન જોષીને રૂા. ૬.૧૫ લાખનો ચૂનો લગાવી ગયા
ગોંડલ રોડ પર શુભમ્ એન્ટરપ્રાઇઝ નામે પંદર વર્ષથી ઓફિસ ધરાવતાં મહિલા સાથે ઠગાઇ : મહિલાને રામાપીર ચોકડીએ રોકડ સાથે બોલાવ્યા બાદ મીત અને હર્ષિત હમણા દુકાનમાંથી સોનુ લઇને આવીએ કહી બહાના બતાવી બંને રોકડ સાથે ભાગી ગયાઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: શહેરના ગોંડલ રોડ પર ઓફિસ ધરાવતાં અને ગોલ્ડ લોનનું કામકાજ કરતાં મહિલા સાથે બે શખ્સોએ ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના નામે લાખોની ઠગાઇ કરી છે. એક શખ્સે ઓફિસે આવી પોતાને ગોલ્ડ લોન કરાવવી છે તેમ કહી વિશ્વાસમાં લઇ બાદમાં રૈયા રોડ પર રામાપીર ચોકડી નજીક એક દૂકાન પાસે આ મહિલાને રોકડ સાથે બોલાવી ગઠીયાએ પોતાના મિત્ર સાથે મળી રોકડ હસ્તગત કરી લીધા બાદ હમણા અંદરથી સોનુ લઇને આવીએ છીએ તેમ કહી રોકડ લઇ બંને મહિલાની નજર સામે જ વાહન પર બેસી ભાગી ગયા હતાં.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે પંચનાથ પ્લોટ-૭માં કહાનનગર સોસાયટી લીમડા ચોકમાં રહેતાં ભાવનાબેન કલ્પેશભાઇ જોષી (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી મીત હિતેષભાઇ હાથી અને હર્ષિત વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે. ભાવનાબેન પરિવાર સાથે રહે છે અને ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલ પંપની બાજુમાં શુભમ્ એન્ટરપ્રાઇઝ નામે પંદર વર્ષથી ઓફિસ ચલાવે છે. અહિ તેઓ ગોલ્ડ લોન સહિતનું કામ કરે છે. ફરિયાદ મુજબ આરોપી મીત હાથીએ ભાવનાબેનની ઓફિસે રૂબરૂ આવી પોતાની દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ ખાતે ચાલી રહેલી ગોલ્ડ લોન ઓછાં વ્યાજદરે ટ્રાન્સફર કરાવવાની વાત કરી હતી. સોનું છોડાવવા માટે તેણે નાણાંની માંગણી કરતા ભાવનાબેન તથા તેમના પરિચિત જતીનભાઈ રાજપરા રોકડ આપવા માટે સંમત થયા હતા.
ત્યારબાદ રેયા ચોકડી અને રામાપીર ચોકડી નજીક આવેલ સિદ્ધાર્થ-૫ બિલ્ડિંગ ખાતે અનુજ ફાર્મા નામની દુકાને લઇ ગયા હતાં. જ્યાં મુલાકાત ગોઠવવામાં આવી હતી. ત્યાં મીત હાથીના કહેવાથી ભાવનાબેને તેના મિત્ર હર્ષિતને રૂ. ૬,૧૫,૦૦૦ રોકડા આપ્યા હતા. હર્ષિત સોનું લેવા માટે દુકાનની અંદર ગયો હતો, પરંતુ થોડીવારમાં બહાર આવીને સોનું મળ્યું નથી અને આગળ જવું પડશે તેમ કહી બંને શખસો સ્કૂટર પર સવાર થઈ નાણાં લઈને ફરાર થઈ ગયા હતા.
બંનેએ પુર્વયોજીત કાવત્રુ રચી રોકડની સામે સોનુ આપવાના નામે રોકડ મેળવી લઇ સોનુ ન આપી ભાગી જઇ ઠગાઇ કરી હતી. પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો આઇ. એ. બેલીમનામ ાર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી છે.
(3:39 PM IST)










