તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
મારવાડી યુનિવર્સિટીમાં ભણતાં આંધ્રપ્રદેશના ૨૦ વર્ષના છાત્રનું હૃદય બેસી જવાથી મૃત્યુ
રાતે તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો પરંતુ દમ તોડી દીધોઃ થર્ડ સેમમાં અભ્યાસ કરતો હતો

રાજકોટ તા. ૧૮: હૃદય રોગના હુમલાથી ઉમરલાયક તો ઠીક યુવાનોના પણ મૃત્યુ થઇ રહ્યા છે. ગઇકાલે યુવા વયના મહિલા, બે પુરૂષના હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયાની ઘટના તાજી છે ત્યાં મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને ત્યાંની હોસ્ટેલમાં રહેતાં ૨૦ વર્ષના છાત્રનું તબિયત બગડયા બાદ સારવારમાં મૃત્યુ થયું છે. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાવાઇ હતી.
જાણવા મળ્યા મુજબ રાજકોટ મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સટીમાં એન્જિનીયરીંગમાં થર્ડ સેમમાં અભ્યાસ કરતો નીલયુ લોહિત નીકલ (ઉ.વ.૨૦) નામનો છાત્ર સાંજે સાડા આઠેક વાગ્યે જમ્યા બાદ પોતાના રૂમમાં ગયો ત્યારે એકાએક ગભરામણ થવા લાગતાં સાથી છાત્રો મારફત જાણ થતાં તુરંત જ ડોક્ટરને બોલાવી તપાસ કરાવાઇ હતી. આ પછી વધુ સારવાર માટે તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં કુવાડવા રોડ પોલીસે એડી નોંધી કાર્યવાહી કરી હતી. મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી. જો કે પ્રાથમિક તારણમાં હાર્ટએટેક આવી ગયાનું જણાયું હતું. આંધપ્રદેશનો આ છાત્ર થર્ડ સેમમાં અભ્યાસ કરતો હતો. આ બનાવથી સાથી છાત્રો અને સમગ્ર યુનિવર્સિટીમાં ગમગની વ્યાપી ગઇ છે.
(11:30 AM IST)










