News of Monday, 17th August 2026
મનપામાં વર્ગ-૧ના અધિકારીઓની નિમણૂક માટેની સમિતિમાં ફેરફાર
ઓફિર્સસ સિલેકશન કમિટીના મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા ઇન્ટરવ્યું લેવાયા : એડિશનલ સિટી એન્જિનિયર, સિટી એન્જિનિયર (સ્પેશિયલ), સહિતની અલગ અલગ ૭ જગ્યાઓ માટે ઉમેદવારોને બોલાવેલઃ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા નવેસરથી હાથ ધરાય તેવી શકયતાઓ

રાજકોટ, તા.૧૭: મહાનગરપાલિકામાં ક્લાસ-૧ અધિકારીઓની નિમણૂક અંગે નિર્ણય લેતી ઓફિસર્સ સિલેક્શન કમિટીની રચનામાં આヘર્યજનક ફેરફાર સામે આવ્યો છે. સામાન્ય રીતે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસકપક્ષના નેતા અને વિપક્ષના નેતા એમ કુલ પાંચ સભ્યો ધરાવતી આ કમિટીમાં આ વખતે શાસકપક્ષના નેતા ન હોવાનું જાણવા મળે છે. ગઈકાલે જાહેર રજા હોવા છતાં અલગ-અલગ જગ્યાઓ માટે અધિકારીઓની પસંદગીની ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં માત્ર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ હાજર રહ્યા હતા.
અલગ-અલગ જગ્યાઓ માટે કુલ ૧૭ ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કમિટી સમક્ષ સૂચવવામાં આવેલા નામોમાંથી કોઈ નામ અંગે અંતિમ સહમતી બની નહોતી. કમિટીને સૂચવાયેલા ઉમેદવારો સંબંધિત જગ્યાઓ માટે યોગ્ય ન લાગતાં આખરે કોઈ નિમણૂકનો નિર્ણય લેવાયો નહોતો. પરિણામે હવે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા નવેસરથી હાથ ધરવી પડે તેવી શકયતા ઊભી થઈ છે.
મહાનગરપાલિકામાં ક્લાસ-૧ અધિકારીની નિમણૂક માટે સૌપ્રથમ ભરતીની જાહેરાત આપવામાં આવે છે. ત્યારબાદ સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવે છે. આ પ્રક્રિયાના આધારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક જગ્યા માટે જરૂરી સંખ્યાના પ્રમાણમાં નામો ઓફિસર્સ સિલેક્શન કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે એક ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે અને બીજું નામ વેઈટિંગ લિસ્ટમાં રાખવામાં આવે છે.
ગત ટર્મમાં ઓફિસર્સ સિલેક્શન કમિટીની બેઠક મળી શકી નહોતી. નિયમિત રીતે આ કમિટીમાં હોદ્દાની રૂએ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસકપક્ષના નેતા અને વિપક્ષના નેતાનો સમાવેશ થાય છે. જોકે છેલ્લી બે ટર્મથી કોંગ્રેસને માન્ય વિપક્ષનો દરજ્જો મળે તેટલી બેઠકો ન હોવાથી વિપક્ષના નેતાનું પ્રતિનિધિત્વ રહ્યું નથી અને ચાર સભ્યો જ પ્રક્રિયામાં ભાગ લેતા હતા. પરંતુ આ વખતે શાસકપક્ષના નેતાને પણ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
ગઈકાલે મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાએ સતત આશરે ચાર કલાક સુધી ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા.
એડિશનલ સિટી એન્જિનિયરની બે જગ્યાઓ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઋષિકેશ ડાંગર અને એષા શાહના નામ સૂચવવામાં આવ્યા હતા, જ્યારે વેઈટિંગમાં જયેશ સોનાગરા અને કિંચીત ભગતના નામ હતા. સિટી એન્જિનિયર (સ્પેશિયલ)ની બે જગ્યાઓ માટે અતુલ રાવત અને શૈલેષ સીતાપરાના નામ સૂચવાયા હતા, જ્યારે હર્ષ ગોહિલ અને મૌલિક ટાંકના નામ વેઈટિંગમાં રાખવામાં આવ્યા હતા.
કાર્યપાલક ઈજનેરની જગ્યા માટે મનોજ શ્રીવાસ્તવનું નામ તથા વેઈટિંગમાં જતીન જેઠવાનું નામ સૂચવવામાં આવ્યું હતું. જોકે મનોજ શ્રીવાસ્તવ નિવળત્ત થઈ ગયા હોવાથી આ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ડાયરેક્ટર (આઈ.ટી.)ની એક જગ્યા માટે હિંમતલાલ શારેશાનું નામ સૂચવવામાં આવ્યું હતું, જ્યારે વેઈટિંગમાં વિજય બદલાણીનું નામ હતું. ડેપ્યુટી સેક્રેટરીની જગ્યા માટે ધવલ જેસડિયાનું નામ સૂચવવામાં આવ્યું હતું અને વત્સલ પટેલનું નામ વેઈટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું.
એડિશનલ ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા માટે અનિરુદ્ધસિંહ કનકસિંહ ગઢવીનું નામ સૂચવવામાં આવ્યું હતું, જ્યારે કેઝાદ દસ્તુર અને મેહુલ કાબરિયાના નામ વેઈટિંગમાં મુકવામાં આવ્યા હતા. પર્યાવરણ ઈજનેરની એક જગ્યા માટે માત્ર ગીરધરભાઈ રામનું નામ સૂચવવામાં આવ્યું હતું અને વેઈટિંગ માટે કોઈ નામ સૂચવાયું ન હતું.
લગભગ ચાર કલાક સુધી ચાલેલી ઈન્ટરવ્યુ પ્રક્રિયા બાદ પણ ઓફિસર્સ સિલેક્શન કમિટી કોઈ નામ પર અંતિમ મહોર મારી શકી નહોતી. જે-તે જગ્યા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવાયેલા ઉમેદવારો યોગ્ય ન લાગતાં નિમણૂક અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. હવે આ જગ્યાઓ માટે નવેસરથી જાહેરાતથી માંડી સમગ્ર ભરતી પ્રક્રિયા ફરી હાથ ધરવામાં આવે તેવી શકયતા જોવા મળી રહી છે.
(3:44 PM IST)










