તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
સીકસ લેન ગ્રીનફિલ્ડ બાયપાસ મામલે સરધારના ખેડૂતો આંદોલનના માર્ગેઃ એલાઇનમેન્ટ બદલવા માંગણી
કલેકટર કચેરીએ ખેડૂતો દોડી આવ્યાઃ વર્તમાન એલાઇનમેન્ટ ખેતરોને બે ભાગ વહેચી નાખશે : બોરવેલ-કુવા-ડીપ ઇરીગેશન નાશ પામશેઃ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થશે કલેકટરને આવેદન....

રાજકોટઃ તા.૧૪, રાજકોટના સરધાર ગામના ખેડૂતો હાલમાં ગંભીર ચિંતામાં મુકાયા છે. સરધાર અને આસપાસના વિસ્તારમાંથી પસાર થનારા પ્રસ્તાવિત ૬-લેન ગ્રીનફિલ્ડ બાયપાસના કારણે અસંખ્ય ખેડૂતોની વર્ષો જૂની પિયત અને ફળદ્રુપ ખેતીની જમીનો સંપાદન હેઠળ આવી રહી છે. આ મામલે ગામના તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ એકત્ર થઈને જિલ્લા કલેકટરને સામૂહિક વાંધા અરજી પાઠવી છે અને એલાઇનમેન્ટ બદલવાની ઉગ્ર માંગ કરી છે.
સરધારના ખેડૂતોનું કહેવું છે કે, આ જમીન માત્ર ખેતી માટેની જમીન નથી, પરંતુ તે તેમના પરિવારના જીવનનિર્વાહનો એકમાત્ર સ્ત્રોત છે. પ્રોજેકટના વર્તમાન એલાઇનમેન્ટને કારણે ખેતરો બે ભાગમાં વહેંચાઈ જશે અથવા સંપૂર્ણપણે નાશ પામશે. ખેડૂતોનું માનવું છે કે, જમીન વિભાજિત થવાથી ખેતરોમાં જવા-આવવાના રસ્તાઓ, અંડરપાસ અને પાણીના નિકાલની ગંભીર સમસ્યાઓ સર્જાશે.
અસરગ્રસ્ત ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જો જમીન સંપાદિત થશે તો તેમના બોરવેલ, કૂવા, ડ્રિપ ઇરીગેશન અને અન્ય પાકા માળખાં નાશ પામશે, જેનાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે. ખેડૂતોએ સૂચન કર્યું છે કે, જો નજીકની સરકારી પડતર કે ઓછી ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરવામાં આવે તો અન્નદાતાઓની રોજીરોટી બચી શકે તેમ છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત બાયપાસના એલાઇનમેન્ટની તાત્કાલિક પુનઃસમીક્ષા કરવામાં આવે જેથી ફળદ્રુપ જમીન બચાવી શકાય. જો જનહિતમાં સંપાદન અનિવાર્ય જ હોય, તો કાયદાકીય જોગવાઈ મુજબ યોગ્ય બજારભાવનું વળતર અને ખેડૂતોના પુનર્વસનની સંપૂર્ણ ખાતરી આપવામાં આવે. સરકારે અગાઉ કરેલા સર્વેમાં જે ક્ષતિઓ રહી ગઈ હોય તેને ધ્યાને લઈ, ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરી રસ્તો કાઢવો જોઈએ.
સરધારના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તેઓ પોતાના હિતોના રક્ષણ માટે ઉગ્ર લડત આપશે. હાલ આ મામલે કલેકટર કચેરીમાં અરજી આપીને સામાજિક અને આર્થિક ન્યાયની આશા વ્યકત કરવામાં આવી છે.
(3:41 PM IST)










