તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
પિતાએ હથોડાના ચાર ઘા ઝીંકી પુત્રની હત્યા કરી, લાશના નિકાલ માટે મુંજાતા પોલીસને જાણ કરી!
રાજકોટના આહિર ચોકમાં ૩૩ વર્ષના રામ સવસેટાને તેના જ ૬૫ વર્ષના પિતા બાબુભાઇએ ક્રુરતાથી પતાવી દીધો : દિકરાની હત્યા થતાં માતા હંસાબેને ફરિયાદ નોંધાવતાં કહ્યું-મારો પતિ સાવ હલકટ અને બારસલ્લો છે, ચોરી ચપાટી પણ કરે છે, મારો દિકરો તેને સુધરવાનું કહેતો તેથી તે ઝઘડો કરતો! : જન્મદિવસના આગલા દિવસે જ રામ સવસેટાની પિતાના હાથે હત્યાઃ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો : આરોપીએ પોલીસ સમક્ષ કહ્યું-મારા દિકરાને બધુ બ્રાન્ડેડ પહેરવાનો, મોજશોખમાં પૈસા ઉડાડવાનો શોખ હતોઃ મારું મકાન, દુકાનો સસ્તામાં વેંચી નાંખી મોજ કરતો હતોઃ ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમાર, નિલેષભાઇ મકવાણા અને ટીમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

વધુ એક હત્યાઃ શહેરના અટીકા વિસ્તારના આહિર ચોકમાં ન્યુ નહેરૂનગરમાં રહેતાં રામ સવસેટા (ઉ.વ.૩૩) નામના યુવાનની જન્મદિવસના આગલા જ દિવસે તેના પિતા બાબુભાઇ સવસેટાએ હથોડાના ઘા ફટકારી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ હતી. ઘટના સ્થળે પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પંચનામુ કરી રહેલા એએસઆઇ નિલેષભાઇ મકવાણા, ઘટના સ્થળ, મૃતક રામનો ફાઇલ ફોટો અને નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૪: શહેરના અટીકા વિસ્તારના આહિર ચોક પાસે ન્યુ નહેરૂનગર-૭માં ખાંટ સમાજની વાડીની પાછળ રહેતાં બાબુભાઇ રઘાભાઇ સવસેટા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધે ગઇકાલે પોતાના એકના એક દિકરા રામ સવેટા (ઉ.વ.૩૩)ને તે સુતો હતો ત્યારે હથોડાના ચારેક ઘા માથામાં ફટકારી ક્રુરતાથી હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઇ છે. દિકરાએ મોજશોખ પાછળ પૈસા ઉડાડવા પોતાનું મકાન, દૂકાનો વેંચી નાંખ્યા હોઇ અને ગઇકાલે પણ સવારે અગીયારેક વાગ્યે દિકરાએ નશાની હાલતમાં ઝઘડો કર્યા બાદ તે સુઇ ગયા પછી પોતે તેને પતાવી દીધાનું અને બાદમાં ઘરમાં જ પુરાઇ રહી લાશનો નિકાલ નહિ થઇ શકે તેમ લાગતાં સાંજે પોલીસ સ્ટેશને જઇ હત્યાની કબુલાત આપી હતી. જો કે આરોપી પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પત્નિ હંસાબેને લખાવ્યું હતું કે-મારો પતિ સાવ હલકટ છે, તે ચોરી ચપાટી કરે છે અને બારસલ્લો છે. મારો દિકરો રામ તેને સુધરી જવા કહેતો આ વાત તેને ગમતી નહોતી તેણે તેણે મારા દિકરાની હત્યા કરી છે!
હત્યાના આ બનાવમાં ભક્તિનગર પોલીસે હત્યાનો ભોગ બનેલા રામ સવસેટાના માતા હંસાબેન બાબુભાઇ સવસેટા (ઉ.વ.૬૨-રહે. હાલ મોરબી રોડ જકાતનાકા પાસે સિલ્વર પાર્ક-૨)ની ફરિયાદ પરથી તેના જ પતિ બાબુભાઇ રઘાભાઇ સવસેટા (ઉ.વ.૬૫) વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હંસાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં એક દિકરો રામ અને ત્રણ દિકરીઓ છે. રામ અગાઉ મોબાઇલની દકુાનમાં કામ કરતો હતો. હાલ છએક મહિનાથી કોઇ કામ કરતો નહોતો. મારા પતિ બાબુભાઇ ૨૬ વર્ષથી કોઇ કામ ધંધો કરતાં નહોતાં અને ઘરે જ પડયા પાથર્યા રહેતાં હતાં. મારી ત્રણ દિકરીઓમાં મીરાબેન થોરીયાળી ગામે, ક્રિષ્ના મોરબી રોડ પર અને રાધાબેન પણ મોરબી રોડ પર સાસરે છે. મારી દિકરી રાધાને પગમાં સળીયા હોઇ તેનો પતિ મુકીને જતો રહ્યો હોઇ તેની દેખરેખ માટે હું સવા મહિનાથી રાધાને ત્યાં રહુ છું.
દિકરો રામ અપરિણીત હતો. મારો પતિ બાબુ રઘાભાઇ સાવ હલટક અને બારસલ્લો છે. તે ચોરી ચપાટી કરે છે. દિકરો રામ તેને સુધરવા માટે અવાર-નવાર કહેતો હતો. જેના કારણે મારો પતિ ઉશ્કેરાઇ જતો હતો અને મારા દિકરા સાથે ઝઘડા કરતો હતો. મારો પતિ કહેતો કે હું મારા બાપનું પણ માન્યો નથી તો તારા છોકરાનું શું માનું? મારા પતિ મારા દિકરા રામને મારવા માટે જાડા જાડા લોખંડના પાઇપ, કુહાડા અને લોખંડના હથોડા અમારા મકાનમાં જ રાખતાં હતાં. ગુરૂવારે સાંજે સાતેક વાગ્યે હું દિકરીના ઘરે હતી ત્યારે જમાઇએ મને જાણ કરી હતી કે રામને તેના પિતા બાબુભાઇએ હથોડા મારી મારી નાંખેલ છે. આથી હું તરત જ મારા ઘરે પહોંચી હતી. તપાસ કરતાં ઘરમાં દિકરો રામ લોહીથી લથબથ પડેલો જોવા મળ્યો હતો. જેના માથામાં ડાબી આંખ ઉપર અને બીજી જગ્યાએ ઘા હતાં. આ વખતે મારા જમાઇ વાલજીભાઇ હાજર હોઇ તેણે કહેલું કે રામને મારા સસરા બાબુભાઇએ મારી નાંખેલ છે અને તેને પોલીસ સ્ટેશને લઇ ગયા છે.
મારા દિકરા રામનો શુક્વારે ૧૪ ઓગષ્ટના જન્મદિવસ હતો. મારા હલકટ પતિ કે જે ચોરી ચપાટી પણ કરે છે તેને મારો દિકરો રામ સુધરી જવા કહેતો હોઇ તેના કારણે મારા પતિને ન ગમતાં તેણે હથોડાથી મારા દિકરાની હત્યા કરી છે. તેમ વધુમાં ફરિયાદમાં હંસાબેને જણાવતાં પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી આરોપી બાબુભાઇની ધરપકડ કરી છે. બાબુભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા છે. પોલીસ કાર્યવાહી બાદ તેને કોર્ટમાં રજૂ કરશે. (૧૪.૫)
હત્યા બાદ હથોડો ઘઉંની કોથળીમાં નાંખી બાથરૂમમાં છુપાવી દીધો'તોઃ કબ્જે કરાયો
હંસાબેને કહ્યું-મારા દિકરાને મારવા મારા પતિએ લોખંડના હથોડા, જાડા પાઇપ લાવીને રાખ્યા હતાં
*બાબુભાઇએ દિકરાને હથોડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદ લોહીવાળો હથોડો ઘઉંની ખાલી કોથળીમાં નાંખી બાથરૂમમાં છુપાવી દીધો હતો. પોલીસે આરોપીની વિશેષ પુછતાછ બાદ હથોડો કબ્જે કરવા તજવીજ કરી હતી. પોતાની દુકાનો બાબરીયા કોલોનીમાં હતી તે દિકરાએ સસ્તામાં વેંચી નાંખ્યાનું પણ તેને પંચનામા વખતે ઘરે લઇ જતી વખતે તેણે રસ્તામાં કહ્યું હતું અને આ દુકાનો પણ બતાવી હતી. (૧૪.૫)
બાબુભાઇનું કથન-મોજશોખ પુરા કરવા મારી દુકાનો, મકાન પણ રામે સસ્તામાં વેંચી માર્યા હતાં: પૈસા માટે તે સતત મારી સાથે ઝઘડા કરતો હતો
*હત્યાના ગુનામાં રાતે આરોપી બાબુભાઇ સવસેટાની પોલીસે ધરપકડ કરી પ્રાથમિક પુછતાછ કરતાં તેણે કબુલ્યું હતું કે ગઇકાલે સવારે અગીયાર આસપાસ જ માથાકુટ થઇ હતી અને પછી દિકરો સુઇ ગયો હતો. એક વખત જાગ્યા બાદ ફરી બોલાચાલી કરી તે સુઇ ગયો હતો. આ પછી મેં હથોડાના ઘા મારી દીધા હતાં. હું પછી ઘરમાં જ પુરાઇ રહ્યોહ તો. સાંજ પડી જતાં હવે લાશનું શું કરવું તેની ખબર ન પડતાં પોલીસ સ્ટેશને જઇને જાણ કરી હતી.
બાબુભાઇએ એવુ પણ રટણ કર્યુ હતું કે મારો દિકરો રામ દારૂના રવાડે ચડી ગયો હતો. માથાકુટ થઇ ત્યારે પણ તે પીધેલો હતો. તેણે કાલાવડ રોડ પરનું મારુ લાખોનું મકાન સસ્તામાં વેંચી દીધુ હતું, બાબરીયા કોલોનીની મારી દુકાનો પણ વેંચી મારી હતી અને મોજશોખમાં તે પૈસા ઉડાડતો હતો. તેને બ્રાન્ડેડ બૂટ કપડા પહેરવાનો ભારે શોખ હતો. વારંવાર માથાકુટ કરતાં તેને હથોડાના ઘા મારી દીધા હતાં. આ બનાવમાં બાબુભાઇએ કોઇ અફસોસ ન હોય તેવું તેની કેફીયત પરથી જણાતું હતું.
(2:39 PM IST)










